વેરાવળના તમામ ક્ષેત્રના કામદારો પડતર પ્રશ્ર્નોને લઇ ધરણા કરશેMay 16, 2019

વેરાવળ તા.16
ભારતીય મઝદુર સંઘ રાજકોટ તથા જૂનાગઢ વિભાગની એક સંયુકત બેઠક આંગણવાડી, જી.એમ.ડી.સી., પાણી પુરવઠા, એસ.ટી., વિધૃત, પોર્ટ, સીમેન્ટ, આશા વર્કર, નગરપાલિકા, શૈક્ષણીક સંઘના મુખ્ય હોદેદારોની હાજરીમાં મળેલ હતી. આ બેઠકમાં પડતર પ્રશ્નો અંગે આગામી તા.10 જૂનના સોમવારે કલેકટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવનાર હોવાનું નકકી કરાયેલ હતું.આ અંગે ભારતીય મઝદુર સંઘના જીલ્લા મંત્રી રામપાલ સોનીએ જણાવેલ કે, રાજકોટ તથા જૂનાગઢ વિભાગની એક સંયુકત બેઠક મળેલ જેમાં મુખ્ય હોદેદારોની હાજરીમાં ચર્ચા-વિચારણા કરાયેલ અને કામદારોના પડતર પ્રશ્નો બાબતે આગામી તા.10-6-ર019 ને સોમવારે સાંજે ચાર થી છ કલાકે કલેકટર કચેરી સામે ધરણા કરી રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે. કામદારોના પડતર પ્રશ્નોમાં આંગણવાડી કાર્યકર-હેલ્પર ને કેન્દ્ર સરકારે ઓકટો.18 થી જાહેર કરેલ પગાર વધારો એરીયર્સ સાથે સત્વરે ચુકવી આપવું, રાજયના બોર્ડ-નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચનું 19 માસના એરીર્યસનું તાત્કાલીક ચુકવણું, લઘુતમ વેતન બોર્ડની પુન:રચના કરવી, નગરપાલિકા કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવા, એસ.ટી. માં ફરજ બજાવતા ફીકસ પગારના કર્મચારીઓને લાભ આપવો, એસ.ટી. ના જી.એસ.ઓ. પરીપત્રોમાં કોઇ પણ જાતનો સુધારો-વધારો કરવો નહિં, બાંધકામ બોર્ડની રચના કરવી, વર્ષ ર016-17-18 એેમ બે વર્ષની શૈક્ષણીક સહાય બાકી હોય તે ચુકવવી, બોર્ડ-નિગમમાં 1988 પછી જે રોજમદારોની ભરતી થયેલ તેને છઠ્ઠા પગાર પંચ અને સાતમાં પગાર પંચનો લાભ આપવો, ઇ.પી.એફ. ના પેન્શનરોને સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ પેન્શનનો લાભ આપવો, સોલ્ટ વર્કસમાં કામ કરતા કામદારોને લઘુતમ વેતનનો વધારો કરવા નોટીફીકેશન તાત્કાલીક બહાર પાડવું સહીતની માંગણીઓ પડતર છે. આ બેઠકમાં સંઘના પ્રદેશ અધ્યક્ષ વી.એમ.ચાવડા, પૂર્વ રાષ્ટીય અધ્યક્ષ હસુભાઇ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ કરશનભાઇ કટારીયા, પ્રદેશ મંત્રી સહદેવસિંહ જાડેજા, ગીરીશભાઇ પટેલ, ધીસુલાલ કલાલ, નવનીતભાઇ શાહ, આંગણવાડીના વિભાગ મંત્રી સરસ્વતીબેન જેઠવા, કંચનબેન ગૌસ્વામી સહીતના હાજર રહેલ અને ધરણાનો કાર્યક્રમ સફળ થાય તે માટે જીલ્લાઓની બેઠક બોલાવી તમામ ઉધોગોના કામદારોને જાણ કરવા કામે લાગી જવા અનુરોધ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.