દીવથી ગુમ થયેલ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો, સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરાયાની શંકાMay 16, 2019

  •  દીવથી ગુમ થયેલ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો, સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરાયાની શંકા

રાજકોટ તા,16
રાજુલાના ચાંચબંદર ગામનો કોળી પરિવાર દિવમાં ભુચરવાડા પાસે કડીયા કામની મજુરી કરતો હતો. ત્યારે ત્યાંથી તેનો 12 વર્ષીય બાળક ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમીયાન બાવળની જાડીમાંથી બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. મોઢે તથા ગુપ્ત ભાગે ગંભીર ઈજા હોવાથી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરાયાની શંકા સેવાઈ રહી છે. ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે રહેતા કોળી વનરાજભાઇ ગુજરીયા દિવમાં વણાંકબારા અને ભુચરવાડા વચ્ચે કડીયાકામની સાઈડ ચાલતી હોય જયાં કામે ગયા હતા ત્યાં તેનો પુત્ર વિકાસ (ઉ.વ.12) પણ વેકેશન હોવાથી સાથે ગયો હતો અને ગઇકાલે સાઈટ નજીક તે રમતો હતો. દરમિયાન વિકાસ ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને પણ જાણ કરી હતી.
દરમિયાન રાત્રે 9 વાગ્યાના અરસામાં ભુચરવાડામાં નવોદય શાળા પાછળ બાવળમાંથી વિકાસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને મોઢે તથા ગુપ્તભાગે ગંભીર ઈજા હોવાથી તેને સારવાર માટે પ્રથમ દિવ બાદ ઉના અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક તપાસમાં વિકાસ ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ હતો તથા ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. કોઇ અજાણ્યો શખ્સે અપહરણ કરી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. જે તબીબી રીપોર્ટ બાદ સ્પષ્ટ થશે. આ અંગે દિવ પોલીસ મથકના ઈન્ચાર્જ ટંડેલ અને પીએસઆઈ નગીનભાઇ પટેલે વધુ તપાસ હાથ ધરી છે.