જૂનાગઢમાં લોલેશ્ર્વર તળાવ ઉંડુ કરવાની કામગીરી અટકાવાતા રોષMay 16, 2019

જૂનાગઢ તા.16
ૂનાગઢના સાબલપુર વિસ્તારમાં આવેલ લોલેશ્વર તળાવને ભાનુશાળી પરિવાર નામની એનજીઓ સંસ્થા દ્વારા ઉંડુ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે કેટલાક સ્થાનિક લોકોએ આ કામગીરી અટકાવતા કોર્પોરેટર ભૂપત શેઠીયા દ્વારા મનપાના નાયબ કમિશ્નર એમ.કે.નંદાણીયાને મળી રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં મનપાના અધિકારી અલ્પેશ ચાવડા તેમજ તાલુકા પોલીસ સ્ટાફે દોડી જઇ તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી ફરી શરૂ કરાવી હતી.
આ અંગે કોર્પોરેટર ભૂપત શેઠીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત મનપાના ઇન્ચાર્જ કમિશ્નર અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીની સૂચના હેઠળ લોલેશ્વર તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે કેટલાક લોકોએ રાજ્ય સરકારના આદેશનો અને જિલ્લા કલેકટરની સૂચનાનો પણ ઉલાળીયો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસની સમજાવટથી મામલો થાળે પડયો હતો. આ તળાવ ઉંડુ થશે તો પાણીનો સંગ્રહ વધતા આ વિસ્તારના બોર, કૂવાના તળ ઉંચા આવશે અને ઉનાળામાં પણ પાણીની સમસ્યા નહી રહે. ત્યારે આ કાર્યમાં સ્થાનિક લોકોને સહકાર આપવા ભૂપત શેઠીયાએ જણાવ્યું છે.