બફારો વધ્યો, ધાબડિયા વાતાવરણથી વરસાદની સંભાવનાMay 16, 2019

  •  બફારો વધ્યો, ધાબડિયા વાતાવરણથી વરસાદની સંભાવના

રાજકોટ તા,16
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની ગતિવિધિ શરુ થઈ હોય તેમ આજે વ્હેલી સવારે ભેજવાળા વાદળાઓની હડિયાપટ્ટી શરુ થઈ હતી. સૂર્યનારાયણ અને વાદળા વચ્ચેની સંતાકુકડીની રમતથી હવામાનમાં પલ્ટો આવ્યો હતો.
હવામાનવિભાગના સુત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપર સાયકલોનિક સરકયુલેશનના કારણે આજથી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના હવામાનમાં પલ્ટો આવવાના એંધાણ મળી રહ્યા છે અને રાજકોટ, કચ્છ, અમરેલી સહિત છુટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન આજે વ્હેલી સવારથી જ હવામાનમાં પલ્ટો આવ્યો હોય તેમ વાદળછાયુ વાતાવરણ બંધાયુ હતું. ભેજવાળા કાળા ડિબાંગ વાદળોથી અમુક શહેરોમાં ચોમાસા જેવો માહોલ બન્યો હતો. ભાવનગર, સોમનાથ, વેરાવળ, પોરબંદર, દ્વારકા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં હવામાન પલ્ટો આવ્યો હતો.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. અસહ્ય ઉકળાટના કારણે નગરજનો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. અમુક શહેરોમાં પવનની ઝડપ વધી હતી 15થી 20 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.
આજે વ્હેલી સવારે મોટાભાગના શહેરોમાં ભેજની ટકાવારી પણ વધી હતી. રાજકોટમાં 73 ટકા, પોરબંદરમાં 78 ટકા, વેરાવળમાં 77 ટકા, દ્વારકામાં 81 ટકા, ઓખામાં 75 ટકા, ભુજમાં 79 ટકા, સુરેન્દ્રનગરમાં 75 ટકા, મહુવામાં 73 ટકા, દિવમાં 82 ટકા ભેજ નોંધાયો હતો.
વરસાદની સંભાવના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો છે. મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડીગ્રીની અંદર પહોંચી ગયુ છે. ગઈકાલેસૌથી વધુ સુરેન્દ્રનગરનું 40.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં પણ 40 ડીગ્રી પારો પહોંચી ગયો હતો.
આ ઉપરાંત રાજકોટનું તાપમાન 39.9, ભાવનગરનું 37.8, પોરબંદર 32.6, વેરાવળમાં 33.1, દ્વારકામાં 33.9, ઓખામાં 32.4, ભૂજમાં 36.5, નલિયામાં 34.6, કંડલામાં 37.8, મહુવામાં 33.4 અને દિવમાં 34 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.