ગુજરાતના CM તરીકે મોદી કલંકરૂપ હતા: માયાવતીMay 16, 2019

  • ગુજરાતના CM તરીકે મોદી  કલંકરૂપ હતા: માયાવતી

લખનઊ તા.16
બહુજન સમાજ પક્ષ (બસપ)નાં વડાં માયાવતીએ ગઇકાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કલંકરૂપ અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે બોજરૂપ હતા.
તેમણે મોદીજીને દેશના કોમવાદના ઇતિહાસમાંના સૌથી ખરાબ નેતા ગણાવીને જણાવ્યું હતું કે મોદીના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન અરાજકતા અને દ્વેષભાવ જોવા મળ્યા હતા અને તેઓ આ બન્ને હોદ્દા માટે અયોગ્ય હતા. માયાવતીએ અહીં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન તરીકેનો મારો ચાર વખતનો કાર્યકાળ સ્વચ્છ રહ્યો હતો અને મેં તે સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા, વિકાસ માટે તેમ જ જનકલ્યાણાર્થે કરેલા કાર્યોને જનતા આજે પણ યાદ કરે છે. બહુજન સમાજ પક્ષનાં વડાંએ દાવો કર્યો હતો કે હવે એ વાત સ્પષ્ટ છે કે

જનકલ્યાણાર્થના કાર્યો કરવામાં બસપના નેતા કેટલા સારા છે અને હાલના વડા પ્રધાન કેટલા અયોગ્ય છે.
માયાવતીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં અમારી સરકાર હતી ત્યારે અરાજકતા નહોતી સર્જાઇ અને રમખાણ નહોતા થયાં, પરંતુ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અને વડા પ્રધાન છે ત્યારે બહુ જ અરાજકતા જોવા મળી હતી, હિંસા થઇ હતી, તંગદિલી સર્જાઇ હતી અને દ્વેષભાવની ઘટના બની હતી.
તેમણે જણાવ્યું હતું કે મોદીજી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પણ દેશની સંસ્કૃતિ, બંધારણ અને કાયદાને અનુસરીને રાજધર્મનું પાલન કરી નહોતા શક્યા.