હવે સીમકાર્ડથી મળશે વીજળી; બિલ પ્રથા બંધMay 16, 2019

  • હવે સીમકાર્ડથી મળશે વીજળી; બિલ પ્રથા બંધ

 જેટલું રિચાર્જ કરાવશો એટલી વીજળી વાપરવા મળશે: ઊર્જા મંત્રાલયે
31 એપ્રિલ 2022 સુધીમાં પ્રી-પેઈડ મીટર ફિટ કરવા કર્યો આદેશ
અમદાવાદ તા,16
ઊર્જા મંત્રાલયે 31 એપ્રિલ 2022 સુધીમાં જૂના વીજ મીટરો બદલીને અત્યાધુનિક પ્રી-પેઈડ મીટર ફિટ કરવા આદેશ આપ્યો છે. રાજ્યની સૌથી મોટી વીજકંપની પીજીવીસીએલે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છના 59,00,961 વીજ કનેક્શનમાં પ્રી-પેઈડ વીજ મીટર ફિટ કરવા માટે 35.99 કરોડની જોગવાઈ કરી છે. ઊર્જા મંત્રાલયના આદેશ પ્રમાણે 1 એપ્રિલ 2019થી આ મીટર ફિટ કરવાની કામગીરી શરૂ
કરી દેવાની હતી. પરંતુ હજુ સુધી આ યોજના હેઠળના મીટર લગાવ્યા નથી. આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે, કેટલા સમયમાં પૂર્ણ થશે તેનું વીજકંપની પાસે કોઈ પ્લાનિંગ નથી, પરંતુ ઊર્જા વિભાગે આપેલી સમય મર્યાદામાં જો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવો હોય તો પીજીવીસીએલએ એક દિવસમાં 5619 વીજ મીટર ફિટ કરવા પડે.
પ્રી-પેઈડ મીટર પ્રોજેક્ટમાં પહેલા જીયુવીએનએલના પાઈલટ પ્રોજેક્ટનો રિપોર્ટ આવે ત્યારબાદ અહીં અમલવારી કરીશું. પ્રારંભિક તબક્કામાં પીજીવીસીએલના બે ફીડરમાં આ પ્રી-પેઈડ મીટર લગાવી તપાસવામાં આવશે ત્યારબાદ બધા કનેક્શનમાં આ પ્રકારના મીટર લગાવીશું. તેમ એચ.પી. કોઠારી, ચીફ એન્જિનિયર(પ્રોજેક્ટ), પીજીવીસીએલએ જણાવ્યું હતું.
બિલ નહીં ભરનારનું કનેક્શન કપાશે
સ્માર્ટ મીટરને કંટ્રોલ રૂમથી જોડવામાં આવશે. કર્મચારી સ્કાડા સોફ્ટવેર દ્વારા કંટ્રોલ રૂમથી મીટર રીડિંગ નોટ કરશે. કોઇ મીટરની સાથે છેડછાડ કરે તો તેનો સંકેત કંટ્રોલ રૂમમાં મળશે. કોઇ ગ્રાહક સમય મુજબ બિલ ભરતો નથી તો કંટ્રોલરૂમથી જ તેનું મીટર કનેક્શન કાપી નખાશે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરની જાણકારી
 ગ્રાહક ઈચ્છે તેટલી રકમ એડવાન્સમાં ભરીને વીજ પુરવઠો મેળવી શકશે, જ્યારે બેલેન્સ પૂરું થવાનું હશે ત્યારે વોર્નિંગ સિગ્નલ પણ મળશે.
 પ્રી-પેઈડ મીટરમાં બેલેન્સ પૂરું થઈ જાય તો પણ 12 કલાક સુધી વીજળી મળતી રહેશે. રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાશે નહીં
 સ્માર્ટ મીટરમાં વર્તમાન વપરાશ સહિત છ માસનો ડેટા રેકોર્ડ થશે તેના કારણે કોઈ ફોલ્ટ સર્જાય તો પણ રીડિંગના પ્રશ્નો નહીં થાય
 પ્રી-પેઈડ કે પોસ્ટપેઈડ એમ બે પૈકી એક વિકલ્પ પસંદ કરી શકે છે. પ્રી-પેઈડમાં અગાઉથી પૈસા ભરવાના રહેશે.
 સ્માર્ટ મીટરમાં રીડરની જરૂર નહીં રહે, રીડિંગ સીધું કંપનીમાં પહોંચી જશે.
 સ્માર્ટ મીટરોને કારણે બિલ આપવા નહીં પડે તેથી કાગળની બચત થશે.
 ગ્રાહકોને આખા મહિનાનું બિલ એક વખતમાં ચૂકવવાની જરૂરિયાત પડશે નહીં. પોતાની જરૂરિયાત મુજબ બિલની ચૂકવણી કરી શકે છે.