બોગસ બિલિંગ રોકવા GST પોર્ટલમાં ફેરફારMay 16, 2019

  • બોગસ બિલિંગ રોકવા GST પોર્ટલમાં ફેરફાર

અમદાવાદ તા.16
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે તેના પોર્ટલ પર જ નાના વેપારીઓ માટે એકાઉન્ટિંગ અને બિલિંગના સોફ્ટવેર મૂકવાનો નિર્ણય કર્યો છે. દેશમાં વધી રહેલા બોગસ બિલિંગના દુષણને નાથવા માટે જ આ પગલું લેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. 10000 કરોડના બોગસ બિલિંગના કેસો પકડાઈ ચૂક્યા હોવાનો અંદાજ છે. આ સોફ્ટવેરની મદદથી વેપારીઓ બીજા વેપારીઓ સાથે એટલે કે બીટુબીના વેચાણના બિલ તૈયાર કરી શકશે. વાર્ષિક રૂ. 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે આ સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાર્ષિક રૂ. 1.5 કરોડ સુધીનું જ ટર્નઓવર ધરાવતા વેપારીઓને મોંઘા સોફ્ટવેર ખરીદવા ન પડે તે માટે સરકારે આ સોફ્ટવેર તેમને માટે મૂકવાનો નિર્ણય

કર્યો છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરનારાઓ તેના પર બિલ તૈયાર કરી શકશે. તેમ જ તેમના એકાઉન્ટ પણ તૈયાર કરી શકશે તથા તેમના રિટર્ન પણ તેનો ઉપયોગ કરીને ફાઈલ કરી શકશે. આ માટે વેપારીઓએ જીએસટીના પોર્ટલમાં લોગ ઇન કરીને ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે.
એકાઉન્ટિંગ એન્ડ બિલિંગના સોફ્ટવેરને ડાઉન લોડ કરીને તેમાં તેઓ તેમના વેપારી વહેવારોના બિલો બનાવી શકશે. તેમ જ તેના એકાઉન્ટ પણ તૈયાર કરી શકશે. તદુપરાંત તેમને તેમાં વેન્ડરનું લિસ્ટ પણ મળી રહેશે. બિઝનેસની જરૂરિયાત પ્રમાણેના સોફ્ટવેર વેપારીઓ ડાઉનલોડ કરી શકશે.