સત્તા બચાવવા નીતિશ કુમારે ‘માંગ’ દોહરાવીMay 16, 2019

  • સત્તા બચાવવા નીતિશ કુમારે ‘માંગ’ દોહરાવી

રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. એક સમયના દુશ્મન સત્તા માટે મિત્ર બની જતા હોય છે તો એક જ થાળીમાં સાથે જમનારા એકબીજાની સામે થઈ જતા હોય છે. આવી બાબત રાજકારણમાં સામાન્ય છે, પરંતુ આવું કેટલી વખત થઈ શકે? જેડીયુના સર્વેસર્વા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર માટે કોઈ પણ પક્ષ સાથે છેડો ફાડવો અને કોઈ પણ પક્ષ સાથે યુતિ કરી લેવી એ સાવ સામાન્ય બાબત છે. જેટલી ઝડપથી લોકો પોતાના કપડાં નથી બદલતાં એના કરતાં વધુ ઝડપથી નીતીશકુમાર પોતાના સાથીઓ બદલે છે તેવું નીતીશકુમાર માટે કહેવાય છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું નિવેદન આપ્યું હતું કે ભારતમાં ગઠબંધન સરકાર ચલાવવામાં ભારતીય જનતા પાર્ટી સૌથી માહિર છે. સ્વ. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કેન્દ્રમાં એ સિવાય મહારાષ્ટ્ર, ગોવા જેવા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધનની સરકાર ધરાવે છે અને ચલાવે પણ છે. મોદીના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીને સત્તા મેળવવા માટે પનો ટૂંકો પડશે તેવો સંદેશ વાયરલ થયો છે. આ સંદેશ વાયરલ થતાં જ નીતીશકુમાર પણ સળવળ્યા છે. ઓડિશામાં આવેલા ફોની વાવાઝોડાંની અસર બાદ નવીન પટનાયકે ઓડિશા માટે વિશેષ પેકેજની માગણી કરી છે. આ અગાઉ ઓડિશા અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માગણી અગાઉ થઈ ચૂકી છે. પટનાયક એનડીએના ઘટક પક્ષ નથી આથી તે આવી માગણી મૂકી શકે છે અને જરૂર પડે તેમનો સહકાર મેળવવા માટે મોદી તેમની માગણી મંજૂર પણ કરે તેવી શક્યતા છે, પરંતુ નીતીશકુમાર તો એનડીએ સાથે જોડાયેલા છે. વળી હવે ચૂંટણીનો અંતિમ તબક્કો જ બાકી છે અને 59 બેઠકોમાંથી બિહારમાં માત્ર આઠ બેઠક પર જ ચૂંટણી બાકી છે ત્યારે ભાજપ પર આવું દબાણ લાવવાનો કોઈ અર્થ સરતો નથી. બીજું આ સમયે આ માગણી વાજબી પણ નથી. હવે આવી કોઈ પણ માગણી કેન્દ્ર આવનારી નવી સરકાર હસ્તક જ હશે તો અત્યારે આ માગણીની જરૂર શું? નીતીશકુમાર હોંશિયાર છે, મોદી અને ભાજપના નેતાઓના બદલાયેલા બોલ જોઈને તેઓ પાણી પહેલાં પાળ બાંધવા માગે છે. ન કરે નારાયણ અને જો એનડીએનો પનો ટૂંકો પડે અને બીજે ક્યાંયથી ભાજપને સમર્થન ન મળે તો? તો તો નીતીશકુમારનું આવી બને અને લાલુ એન્ડ કંપની બિહારમાં પણ તેમને અડપલું કરી શકે એવું તે સુપેરે જાણે છે. એટલે જ આવી પરિસ્થિતિમાં જો ફરી પાછી પલટી મારવી હોય તો કોઈક કારણ તો જોઈએ જ. આથી જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરે તો આ મુદ્દે એનડીએમાંથી બહાર નીકળવું કે ન નીકળવું એનો નિર્ણય પરિણામ આવ્યા પછી લઈ શકાય. આમ કરીને જે બાજુ વજન હોય તે બાજુ નમી શકાય એવી ગણતરી નીતીશકુમારે કરી લીધી હોય તે વાજબી છે. બાકી ચૂંટણીના અંતિમ તબક્કા સમયે કોઈ રાજ્યના મુખ્ય પ્રધાન પોતાના રાજ્ય માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરે તે વાત ગળે ઊતરે તેવી નથી. ભાજપ પણ આ વાત જાણે છે, પરંતુ હાલના તબક્કે નીતીશકુમારને છેડવો એ તેમના હિતમાં નથી. આમ રાજકારણમાં સૌ પોતપોતાનો રોટલો શેકવા માટે કંઈ પણ કરી શકે છે તેનું આ તાજું ઉદાહરણ છે.