જરૂર પડ્યે સુદર્શનધારી કૃષ્ણનું રૂપ લઈ આતંકીનો ખાત્મો કરાશે : મોદીMay 16, 2019

  • જરૂર પડ્યે સુદર્શનધારી કૃષ્ણનું રૂપ લઈ આતંકીનો ખાત્મો કરાશે : મોદી

પટણા તા,16
લોકસભા ચૂંટણીનાં અંતિમ તબક્કાનો પ્રચાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પટણાનાં પાલીગંજ પહોંચ્યા. પટણાનાં પાલીગંજમાં પીએમ મોદી પટના સાહિબ અને પાટલીપુત્રથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ અને જહાનાબાદ લોકસભા સીટથી જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ) ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદનાં પક્ષમાં ચૂંટણીસભાને સંબોધિત કરવામાં આવી.
પીએમ મોદીએ અહીં શ્રી કૃષ્ણનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આપણે યદુવંશીની ધરતીથી આવ્યા છીએ અને ભગવાન કૃષ્ણ આપણા પ્રેરણાસ્ત્રોત છે. જ્યાં કૃષ્ણ વસે છે હું એ ધરતી પર આવ્યો છું. અમારી પ્રેરણા માખણ ખાનારા બાળ ગોપાલ છે. અમારી પ્રેરણા વાંસળી વગાડનારો કનૈયા છે. અમારી પ્રેરણા સુદર્શન ચક્ર ચલાવનારા શ્રી કૃષ્ણ પણ છે. જ્યારે જ્યારે જરૂર પડશે ભારતમાં આતંકીઓને કચડવા માટે સુદર્શન ધારી કૃષ્ણનું રૂપ લઇને કાર્યવાહી પણ કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે, વિકાસનો રસ્તો ચરખાધારી મોહને બતાવ્યો તો રાષ્ટ્રની સુરક્ષાનો રસ્તો સુદર્શનધારી શ્રી કૃષ્ણએ બતાવ્યો છે. તમારો પ્રેમ એટલો છે કે મારે વોટ માંગવાની જરૂર નથી. તમે દરેક ક્ષણે મને સાથ આપ્યો. 6 ચરણમાં જેમણે મતદાન કર્યું છે તેમને ધન્યવાદ કરવા ઇચ્છુ છું. 6 તબક્કાની ચૂંટણી બાદ એનડીએની સરકાર બની રહી છે. સાતમાં તબક્કામાં પણ એક કાર્યકર્તાનાં ભાવથી મહેનત કરું છું.
જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, બિહારમાં જેમણે હજારો કરોડની સંપત્તિ બનાવી છે, આ પૈસા આવ્યા ક્યાંથી? જો ગરીબોની ચિંતા હોત તો તેમના હાથ કાંપતા હોત. આ લોકો હંમેશા બસ પોતાની પ્રશંસા સાંભળવાનાં આદી થઈ ગયા છે. દરબારીઓની ફોજ તેમના ગુણગાન કરતી રહે છે. ગરીબોની મુશ્કેલીઓ આમને ખબર નથી. સૈંકડો એકર જમીન હડપ્યા બાદ તેમની આંખો ચોરીનો માલ શોધવા માટે ખુલે છે.