પ.બંગાળનો રાજકીય એજન્ડા; ગુન્ડાગર્દી!May 16, 2019

  • પ.બંગાળનો રાજકીય એજન્ડા; ગુન્ડાગર્દી!

લોકસભાની ચૂંટણીમાં આવતા રવિવારે છેલ્લા તબક્કાનું મતદાન છે પણ એ પહેલાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે બરાબરની જામી છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે લાંબા સમયથી જામેલી જ છે પણ મંગળવારે કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં થયેલા રમખાણના કારણે યુદ્ધનો નવો કાંડ શરૂ થઈ ગયો. મંગળવારે અમિત શાહે કોલકાતામાં જોરદાર શક્તિપ્રદર્શન કરતાં મોટી સંખ્યામાં માણસ ખડકી દીધેલું ને જોરદાર રોડ શો કરેલો. આ રોડ શો કોલકાતા યુનિવર્સિટી પાસેથી પસાર થતો હતો ત્યારે બબાલ શરૂ થઈ ને રીતસરની ધમાધમી થઈ ગઈ. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા ને રીતસરના ગુંડાઓની જેમ ઝઘડ્યા. આ લડાઈનું અંતિમ પરિણામ એ આવ્યું કે, ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાની તોડફોડ કરીને તેને જમીનદોસ્ત કરી દેવાઈ.
ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળે પેદા કરેલા મહાન સપૂતોમાં એક છે. વિદ્યાસાગરનું યોગદાન ઘણાં બધાં ક્ષેત્રોમાં છે ને તેમના પર કોઈ એક વ્યવસાયના ખાં હોવાનો સિક્કો લગાવી શકાય તેમ નથી. બંગાળમાં ઓગણીસમી સદીમાં સુધારાની ચળવળ શરૂ થઈ તેમાં જે લોકો અગ્રેસર હતા તેમાં એક વિદ્યાસાગર હતા. વિદ્યાસાગરે બંગાળી સાહિત્યથી માંડીને સમાજ સુધારણા સુધીનાં ક્ષેત્રોમાં કામ કર્યું ને એવું કામ કર્યું કે, આજેય લોકો તેમને પ્રેમથી યાદ કરે છે. બંગાળમાં શિક્ષણને નવી ઊંચાઈ આપવામાં વિદ્યાસાગરે બહુ કામ કર્યું તો સમાજમાં વિધવાઓની હાલત સુધારવા માટે પણ એ આખી જિંદગી મચી પડેલા.
ભાજપ ને તૃણમૂલ કોંગ્રેસ બંને ભલે એકબીજા પર દોષારોપણ કરતાં પણ આ જે કંઈ થઈ રહ્યું તે માટે બંને જવાબદાર છે જ. મમતા બેનરજીએ સામ્યવાદીઓને બંગાળમાંથી હાંકી કાઢવા ગુંડાગીરીનો આશરો લીધેલો. સામ્યવાદીઓ ગુંડાગીરી કરીને જ બંગાળમાં જામી ગયેલા ને કોઈને હાથ નહોતા મૂકવા દેતા. જોકે તેમને મમતા બેનરજી એકદમ માથાનાં મળ્યાં. મમતા મૂળ કોંગ્રેસી હતાં પણ બંગાળમાં કોંગ્રેસીઓ સાવ પોચટ હતા ને એ જ પ્રકારનું રાજકારણ ચલાવતા. સામ્યવાદીઓ સામે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જતા. મમતા બેનરજીએ સામ્યવાદીઓની ગુંડાગીરી સામે ગુંડાગીરીનો જ રસ્તો અપનાવીને ડાબેરીઓને ઘરભેગા કરી નાંખ્યા ને બંગાળમાં પોતાનો સિક્કો જમાવી દીધો. હવે ભાજપ મમતાને ઉખાડી ફેંકવા માટે મેદાનમાં આવ્યો છે ત્યારે આટલી મહેનતે ઊભું કરેલું સામ્રાજ્ય મમતા આસાનીથી જવા દે એ વાતમાં માલ નથી. મમતા એકદમ જીવ પર આવી ગયાં છે કેમ કે તેમના માટે આ અસ્તિત્વની લડાઈ છે. ભાજપ ફાવી ના જાય એ માટે કશું કરવામાં તેમને છોછ નથી તેથી તેમણે સરકારી મશીનરી ને પોતાના ગુંડા બંનેને છૂટો દોર આપ્યો છે.
ભાજપ માટે પણ આ ખરાખરીનો જંગ છે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સાફ કરી નાંખી હતી પણ થોડાંક રાજ્યોમાં તેનો પત્તો નહોતો લાગ્યો. બંગાળ તેમાં એક હતું ને મમતા બેનરજીએ ભાજપને ધૂળચાટતો કરેલો. એ વખતે ભાજપને એમ હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં મમતાને હરાવીને હિસાબ સરભર કરી દઈશું પણ એવું ના થયું. બલ્કે મમતા વધારે બેઠકો જીતીને પાછાં ગાદી પર બેઠાં. મમતા પણ આ જીત પછી તાનમાં આવી ગયાં ને ભાજપવાળાને ભાજીમૂળો જ સમજવા માંડ્યાં છે. ભાજપે બીજાં રાજ્યોમાં વિરોધીઓને દબાવી દેવા માટે જે રસ્તા અપનાવ્યા એ જ બધા રસ્તા મમતા અજમાવે છે. તેના કારણે ભાજપવાળા વધારે ભૂરાંટા થયા છે. મમતાને પોતે હરાવી શકતા નથી તેના કારણે હાંસી થાય છે તેથી ભાજપના ધુરંધરોનો અહમ્ પણ ઘવાયો છે. આ બધા કારણે એ લોકો પણ મમતાને તેમના જ રસ્તે એટલે કે ગુંડાગીરી કરીને પછાડવા મથે છે.
ગુંડાગીરીના આ જંગમાં કોણ જીતશે તે ખબર નથી પણ આ બધું દેશનાહિતમાં નથી. સત્તા માટે ગુંડાગીરીનો રસ્તો અપનાવવો ખતરનાક છે, કેમ કે આ ગુંડાગીરી ચૂંટણી સાથે ખતમ થતી નથી. જે પક્ષ જીતે તેના ગુંડા પછી બેફામ બનતા હોય છે ને તેની કિંમત સામાન્ય લોકોએ ચૂકવવી પડે છે. બધો ભાર અંતે ક્ધયાની કેડ પર આવે છે. બિહાર, ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં તેના કારણે જ જંગલરાજની સ્થિતિ છે. બંગાળ પણ વરસોથી એ જ રસ્તે છે ને બંગાળનું જોયા પછી બીજાં રાજ્યોમાં પણ રાજકીય પક્ષો આ જ રસ્તો અપનાવશે એ બહુ મોટો ખતરો છે.