ખિસકોલી અને બુધ્ધMay 16, 2019

  • ખિસકોલી અને બુધ્ધ

જકુમાર સિધ્ધાર્થ રાજમહેલ, સુખોનો ત્યાગ કરીને સત્ય અને જ્ઞાનની શોધ માટે ભટકી રહ્યા હતા ત્યારે એક સમયે તેઓ નિરાશ થઇ ગયા હતા, આગળ શું કરવું તે તેને સમજાતુ નહોતું. મનમાં અનેક વિચારોના વંટોળ ઉઠતા હતા કે રાજમહેલ પાછા ચાલ્યા જવું? શું પોતાની જ્ઞાનની પ્યાસ અધૂરી રહેશે? આવા પ્રશ્ર્નો વચ્ચે તે ચાલ્યા જતા હતા, રસ્તામાં એક નદી કિનારે નાનકડી ખિસકોલીને જોઇ ખિસકોલી પોતાની પૂંછડી પાણીમાં પલાળીને બહાર આવતી અને રેતીમાં ખંખેરતી આ ક્રિયા તે વારંવાર કરતી હતી સિધ્ધાર્થ તે જોવા લાગ્યા પોતાના પ્રશ્ર્નો ભૂલીને તેને ખિસકોલીમાં રસ પડયો તેણે વિચાર્યું આ ખિસકોલી તે નદીને સૂકવવાનો પ્રયાસ તો નહીં કરતી હોય ને? તેને લાગ્યું કે ખિસકોલી તેને કંઇક કહેવા માંગે છે. ખિસકોલીની આ ક્રિયાને જોતા જોતા સિધ્ધાર્થના મનમાં અચાનક પ્રકાશ ફેલાયો કે આ ખિસકોલીની જેમ કોઇ કાર્ય માટે મનમાં નિશ્ર્ચય કરી લઇએ તો કોઇપણ કાર્યમાં સફળતા મળે છે. એક નાનકડી ખિસકોલી જો થાકયા વિના પ્રયત્નો કરતી હોય તો પોતે તો માણસ છે. તેને પોતાના મનની નિર્બળતાનો અહેસાસ થયો તે ફરી જંગલમાં પાછા ફર્યા અને તપ-સાધનામાં લાગી ગયા. આમ પરિણામની આશા વગર તેમણે વર્ષો સુધી ધ્યાન, સાધના કરી બુધ્ધત્ત્વને પ્રાપ્ત કર્યુ. સફળતા મળે કે નિષ્ફળતા માણસે પોતાના પ્રયત્નો સતત કરતા રહેવા જોઇએ બીજું માણસે પોતાના સમગ્ર જીવન દરમિયાન શીખતા રહેવું જોઇએ.  જે પણ નવું જોવા મળે તે શીખવાનો પ્રયત્ન કરવો જોઇએ બુધ્ધને જેમ બુધ્ધત્ત્વ પ્રાપ્ત થયું તેમ દરેક માણસ પોતાની મંઝિલ મેળવી શકે છે.