‘ડેમમાંથી મોટર-મશીન હટાવી લેજો, અમે ચેકિંગ કરવા આવીશું’May 16, 2019

  • ‘ડેમમાંથી મોટર-મશીન હટાવી લેજો, અમે ચેકિંગ કરવા આવીશું’

 હળવદનાં બ્રાહ્મણી ડેમમાંથી સિંચાઇનું પાણી ઉપાડતા ખેડૂતોને તાકીદ : પોલીસ કાફલા સાથે ત્રાટકવાની ચીમકી
મોરબી તા.16
હળવદમાં ગતવર્ષે ઓછો વરસાદ પડતાં બ્રાહ્મણી-2 ડેમમાં અપૂરતો જળ સંગ્રહ છે. હાલ ઉનાળામાં આ બ્રાહ્મણી-2 ડેમમાં 10 ફૂટ જેટલું જ પાણી બચ્યું છે.તેથી સિંચાઈ વિભાગે પાણીની કટોકટીને ધ્યાને લઈને બ્રાહ્મણી -2 ડેમમાંથી ખેડૂતોને પાણી ઉપડવાની મનાઈ ફરમાવી દીધી છે અને આ આદેશનું કડક પાલન કરવા માટે સિંચાઈ અધિકારીઓની ટીમ પોલીસ સુરક્ષા સાથે આવતીકાલે હળવદના બ્રાહ્મણી ડેમમાં ત્રાટકશે અને ડેમમાંથી ખેડૂતોના પાણી ઉપડવાના મશીનો અને મોટરો તથા પાણીની પાઇપલાઇન કટ કરી નાખશે અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકના ખેડૂતોને અત્યાર સુધી બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી મળતું હતું.જોકે થોડા સમય પહેલા ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકનું વાવેતર કર્યું હતું અને આ ડેમમાંથી પાણી મેળવીને પાકનું જતન કરતા હતા.હવે સંપૂણપણે પાક તૈયાર થવા માટે આ ડેમમાંથી બે વખતના પાણીની સખત જરૂરિયાત છે.તેવા ટાંકણે જ સિંચાઈ વિભાગે બ્રાહ્મણી 2 ડેમમાંથી પાણી લેવાની ખેડૂતોને મનાઈ ફરમાવી છે.
અને સિંચાઈ વિભાગે આવતીકાલથી ખેડૂતોના ડેમમાંથી પાણીના મશીનો હટાવી લેવાની સૂચના આપી છે.તેથી પાક નિષફળ જવાની ભીતિથી ખેડૂતોમાં સિંચાઈ વિભાગ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આવતીકાલની સિંચાઈ વિભાગની કાર્યવાહીમાં ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.