67 નકલી લાઈસન્સ સાથે વધુ ત્રણ એજન્ટ પકડાયા

  • 67 નકલી લાઈસન્સ સાથે વધુ ત્રણ એજન્ટ પકડાયા

નકલી દસ્તાવેજ આધારે લાઇસન્સ ઇસ્યૂ કરવાનો મામલો રાજકોટ તા.17
રાજકોટની આરટીઓ કચેરીમાં બોગસ દસ્તાવેજ આધારે 10 હજારમાં લાઇસન્સ વેંચતા એજન્ટને દબોચી લઇ રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા વધુ 3 એજન્ટના નામ ખુલતા એસઓજી પીઆઇ રાવલ અને તેમની ટીમે ત્રણેયને દબોચી લઇ તેઓની ઓફિસની જડતી લેતા ત્યાંથી નકલી દસ્તાવેજ આધારે નીકળેલા 67 લાઇસન્સ, આરટીઓનો સ્ટેમ્પ, સ્કૂલના સિક્કા, એલસી, પ્રિન્ટર, લેપટોપ, બે મોબાઇલ સહીત 25 હજારનો મુદામાલ કબ્જે લીધો છે અને 24 તારીખ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરની મનહર સોસાયટીમાં રહેતો અને ઘર નજીક જ માધવ નામની દુકાનમાં છઝઘ એજન્ટ તરીકે કામ કરતો હેમાંશુભાઈ હસમુખભાઈ વાળા બોગસ લાઇસન્સ બનાવી 10-10 હજારમાં વેચતો હોવાની માહિતી આધારે પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી શૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી એસઓજી પીઆઇ આર વાય રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ એમ રાણા અને બી કે ખાચરે ટિમ સાથે દરોડો પાડી હિમાંશુ વાળાની ધરપકડ કરી તેની પાસેથી 11 જેટલા નકલી લાઇસન્સ કબ્જે કર્યા હતા અને રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા તેની સાથે અન્ય ત્રણ આરોપીઓની પણ સંડોવણી હોવાની કબૂલાત આપતા સ્વામિનારાયણ ચોકમાં રહેતા કનકસિંહ હેમતસિંહ ચૌહાણ તથા તેના સાગરીત નરસિંહનગરના રાજેન્દ્ર ઉર્ફે રાજુ નવલભાઈ ખુંગલા અને નાગેશ્વરમાં રહેતા હિતેશ મોતીભાઈ ચાવડાને દબોચી લીધા હતા તેઓને કોર્ટમાં રજૂ કરતા 24 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. એસઓજીના વિજયકુમાર શુક્લા, મનરૂપગીરી ગોસ્વામી, ધર્મેન્દ્રસિંહ રાણા, જયંતિગીરી ગોસ્વામી, ગિરિરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચુડાસમા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતનાઓએ હિતેશ ચાવડાની શ્રી સાંઈ ઓટો એડવાઈઝર નામની ઓફિસમાં અને રાજેન્દ્ર બોરીચાની પિતૃ કૃપા ઓટો એડ્વાઇઝરની ઓફિસમાં દરોડો પાડ્યો હતો દરમિયાન બંને ઓફિસમાંથી બોગસ દસ્તાવેજ આધારે ઇસ્યુ કરાયેલા 67 લાઇસન્સ, સ્કેનર વડે એડિટિંગ કરેલા શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓના નામ,સરનામાં વગરના લિવિંગ સર્ટિફિકેટ, એક લેપટોપ, એક પ્રિન્ટર, સ્કેનર, બે મોબાઈલ, અલગ અલગ સ્કૂલના 7 સિક્કાઓ, આરટીઓનો 1 સિક્કો સહીત 25 હજાર રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો કુલ ચાર એજન્ટ પકડાયા હોય આ ત્રિપુટી કેટલા સમયથી આ ધંધો ચલાવતી અને કેટલા લાઇસન્સ ઇસ્યુ કર્યા છે તથા અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી છે.