હે કુંવર ! તમે જિનમંદિરના બારણા ઉઘાડી સર્વેમાં આશ્ર્ચર્ય ઉત્પન્ન કર્યું છે

  • હે કુંવર ! તમે જિનમંદિરના બારણા ઉઘાડી સર્વેમાં આશ્ર્ચર્ય ઉત્પન્ન કર્યું છે

જ્યાં શ્રીપાળકુંવરે ગભારા ઉપર નજર કરી કે તરત જ બંને દ્વાર ઊઘડી ગયા અને દેવોએ ત્યાં પુષ્પની વૃષ્ટિ કરી, તથા જય જયરવ થયો. પછી તરત જ રાજા પાસે વધામણી ગઈ કે હે રાજન્ ! આજનો દિવસ સફળ થયો છે. કારણ કે દેવીએ આપેલા વરરાજા અહીં આવી પહોંચેલ છે. જે તેજથી ઝળહળતા સૂર્ય સમાન છે ત્યારે રાજાએ દેરાસરમાં શ્રીપાળ કુંવરને કેશર, ચંદન અને પુષ્પ વગેરેથી પૂજા કરતો જોયો. ત્યારબાદ કુંવર મનના ઉલ્લાસથી ચૈત્યવંદન કરે છે, કુંવર જ્યારે બહાર આવ્યા ત્યારે સ્વજન મનુષ્યોથી પરિવરેલા રાજા પ્રણામ કરીને બેઠા. રાજા કુંવરની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે - હે કુંવર ! તમે જિનમંદિરના બારણા ઉઘાડી સર્વેને આશ્ર્ચર્ય ઉત્પન્ન કર્યું છે. વળી આપ દેવ જેવા દેખાઓ છો. તો આપ આપનું કુલ, આપની જાતિ અને આપનો વંશ કહો.. એવામાં આકાશ માર્ગે ત્યાં વિદ્યાચરણ મુનિ આવ્યા. તેઓની સાથે ઘણા દેવો હતા.
તે સર્વેએ ગભારા આગળ જઈને જિનેશ્ર્વર ભગવંતને વંદન કર્યુર્ં અને જગતના નાથ એવા શ્રી ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરી.
પછી વિદ્યાચરણ મુનિ દેવતાઓએ રચેલા ઉત્તમ સિંહાસન ઉપર બેઠા અને ભવ્ય જીવોને કાનને સુખ ઉત્પન્ન કરનારી મધુર અવાજે દેશના આપવા લાગ્યા. આ નવપદજીની આરાધનાથી શ્રીપાળ કુંવરની જેમ જગતમાં સર્વ પ્રકારના દુ:ખ અને દૌર્ભાગ્ય શાંત થાય છે, અને પગલે પગલે મનોહર રિધ્ધિ પ્રાપ્ત થાય છે. તે જ શ્રીપાળ કુંવર તમારા પુણ્યથી અહીં આવેલ છે. વળી તેની દૃષ્ટિથી જ આ દેરાસરના દ્વાર ખુલ્યાં છે. તે સર્વ વાત સાંભળી રાજા હર્ષ પામ્યો, અને સર્વ પરિવાર પણ આનંદ પામ્યો. એ પ્રમાણે કહીને મુનિ ભગવંત તો આકાશ માર્ગે ઊડીને જતા રહ્યા.
પછી કુંવરને તિલક કરી, ચોખાથી વધાવી, શ્રીફળ અને પાન આપીને પછી સર્વ સજ્જન મનુષ્યોની સાક્ષીએ હર્ષપૂર્વક મદનમંજૂષા પુત્રી આપી. શ્રીપાળ કુંવર આ પ્રમાણે મદનમંજૂષા સ્ત્રીને પ્રેમપૂર્વક પરણ્યા, પછી બન્ને સ્ત્રીઓ સાથે સસરાના ઘરને વિષે સુખ ભોગવે છે. એવામાં ચૈત્ર માસ આવતા સુખના ઘરરૂપ એવી ઉત્તમ આયંબિલની ઓળી શરુ કરે છે તથા પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધિચક્રજીની શ્રેષ્ઠ એવી લાખીણી પૂજા કરે છે. વળી નવે દિવસ સુધી અમારી પ્રવર્તાવી તથા મહાન અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. આ પ્રમાણે શ્રીપાળ કુંવર પોતાના જન્મને સફળ કરે છે, અને લક્ષ્મીનો લહાવો લે છે.
એક વખત રાજસભામાં શ્રીપાળ કુંવર બેઠેલા છે, ત્યારે સિપાઈઓએ ચોરને હાજર કર્યો, ત્યારે આ ધવળશેઠ છે એમ ઓળખીને રાજાને સમજાવી, ધવળશેઠના બંધન છોડાવી, પોતાની પાસે બેસાડ્યો. પછી કુંવરે રાજાને પોતાના દેશ તરફ જવાની ઈચ્છા જણાવી, ત્યારે રાજાને મનમાં અત્યંત અસંતોષ પેદા થયો.
શ્રીપાળ કુંવર પોતાની બે પત્નીઓ સાથે વહાણમાં બેઠેલા છે. તે જાણે કામદેવ અને તેની સ્ત્રી રતિ અને પ્રીતિ એ ત્રણે ભેગા થઈને બેઠા ન હોય ? તેમ શોભે છે. હવે શ્રીપાળ કુંવરની રિધ્ધિ- સિદ્ધિ જોઈને ધવળશેઠ અત્યંત ઝૂરવા લાગ્યો, કે અરેરે! આ કુંવર તો એકલો જ ખાલી હાથે આવ્યો હતો. પણ હાય ! તેણે મારા અઢીસો વહાણ પડાવી લીધા છે, હું જોઉં છું કે તે આટલી બધી રિધ્ધિ લઈને એને ઘેર કેવી રીતે જાય છે ? તેને જ હું દરિયામાં નાખી દઉં. પછી આ સ્ત્રી, આ વૈભવ અને પરિવારએ સર્વ મારું જ છે. પછી ધવળશેઠે વહાણના કિનારે એક માંચડો બાંધ્યો, અને દોરડા વડે તેને વહાણની સાથે સાંધી નાખ્યો. પછી તે માંચડા ઉપર બેસી શેઠ કુંવરને કહેવા લાગ્યો કે - હે સાહેબ ! એક અલૌકિક આશ્ર્ચર્ય જોઈને મારું મન ઉત્સાહિત થયું છે. તે આશ્ર્ચર્ય એવું છે કે - મગર એક છે, પણ તેને આઠ મુખ છે. વળી, તે મુખ દરેક જુદી જુદી જાતના છે. આવા રૂપ અને સ્વરૂપવાળા મગર થશે નહીં, અને થયા નથી તો હે સાહેબ ! જો આપ જોવાને ઈચ્છતા હો, તો અહીં જલદી આવો, નહીં તો પછી મારો વાંક કાઢશો કે અમને કેમ કંઈ કહ્યું નહીં ? ત્યારે શ્રીપાળ કુંવર કૌતુક જોવા માટે માંચડા ઉપર ચડ્યો અને તે જ વખતે શેઠ મનમાં કપટને ધારણ કરીને માંચડા ઉપરથી નીચે ઉતરી ગયો, અને શેઠના મિત્રએ બન્ને જણાએ માંચડાની બન્ને બાજુના દોરડાં કાપી નાંખ્યાં. ખરેખર પાપી મનુષ્યો આવા કામો કરતા ડરતા નથી. દરિયામાં પડતા પડતા શ્રીપાળ કુંવર મનમાં નવપદજીનું ધ્યાન કરે છે.
તે જ વખતે પ્રગટ પ્રભાવી શ્રી વિમલેશ્ર્વર દેવ (સિદ્ધચક્રજીના અધિષ્ઠાયક દેવ) પ્રત્યક્ષપણે સર્વ સંકટોનો નાશ કરે છે. શ્રીપાળ કુંવર તો એક મગરની પીઠ ઉપર સ્થિર થઈને બેસી ગયો અને વહાણની જેમ સમુદ્ર પાર કરી કોંકણ દેશના કાંઠે ઊતર્યો, અને એક વનમાં ગયો. ત્યાં ચંપક વૃક્ષની છાયામાં થાકેલો તે નિંદ્રા કરવા લાગ્યો. જાગ્યા ત્યારે સૈનિકોને જોયા. પુછતા સૈનિકો કહે છે કે, અહીં અલકાપુરી નગરીમાં વસુપાલ નામે રાજા રાજ્ય કરે છે, કોંકણદેશના તે રાજાનો મહિમા આખા જગમાં ગાજે છે.
અકે દિવસ નિમિત શસ્ત્રનો જાણકાર એક જોષી રાજાની સભામાં આવ્યો. તે જોષી ભવિષ્યના પ્રશ્ર્ન પુછવા માટે રાજાને મનમાં પસંદ પડ્યો. પછી રાજાએ પુછ્યું કે - હે જોષીજી ! ગુણની ભંડાર એવી અમારી મદૃનમંજરી નામની પુત્રી છે, તો કયો સારો એવો રાજકુમાર તેણીનો પતિ થશે ? તે કહો. તે સાંભળી જોષી કહેવા લાગ્યો કે રાજન્ ! વૈશાખ સુદી દૃશમીના દિવસે, અઢી પહોર દિવસ વ્યતીત થયે છતે તે સમયે સમુદ્રના કિનારા પાસે જઈને જાજો. ત્યાં નંદનવનમાં ચંપકવૃક્ષની નીચે એક પુરૂષ સૂતો હશે, તે પુરૂષ મદૃનમંજરીનો પતિ થશે અને તેની નિશાની એ છે કે - ગમે તેટલો સૂર્ય ફરે તો પણ તે વૃક્ષની છાયા તેના ઉપરથી ખસશે નહીં. આજે તે દિવસ આવી પહોંચ્યો છે. તેથી તે વાતની ખાતરી કરવા અમને રાજાએ અહીં મોકલ્યા છે અને તે દરેક વાત સાચી મળી આવી છે.
હવે તે સમયે શ્રીપાલ કુંવરની સાથે ચાલુ વાતે કોઈ એક અસવારે આગળ જઈને રાજાને વધામણી આપી, ત્યારે રાજા ઋદ્વિ લઈને સામૈયા સાથે કુંવરની સામે આવ્યો. આ પ્રમાણે મોટા આડંબરપૂર્વક કુંવરનો પ્રવેશ મહોત્સવ કર્યો, અને રાજાએ તે જ રાત્રિએ પુત્રી મદૃનમંજરીનો વિવાહ કર્યો. ત્યાર પછી રાજાએ તેમને રહેવા માટે મહેલ આપ્યો. તેમાં તે દંપતિ પૂર્ણ સુખપૂર્વક ક્રીડા કરે છે.
હવે શ્રીપાળકુંવર સમુદ્રમાં પડ્યા પછી આ બાજુ વહાણમાં ધવળશેઠ મનમાં વિચારવા લાગ્યો કે - મારા ભાગ્યના ઉદયથી આજે મને મહાન શાન્તિ થઈ, હવે હું ખોટી માયાજાળ કેળવી તે બન્ને નારીઓને ખુશ કરું. પછી તેમના મનને આકર્ષીને મારા સંસારને સફળ બનાવું. લોકો શેઠને પુછવા લાગ્યા ત્યારે શેઠે કહ્યું કે - અરેરે ! શું કહું ? આ કુંવર કૌતુક જોવા માટે વહાણના કિનારે માંચડા ઉપર ચડ્યા અને એકદમ આ જુના દોરડા તૂટી ગયા. અરે અરે હે દૈવ ! આ શું થઈ ગયું ? વળી જ્યારે આ વાત બન્ને સ્ત્રીઓના સાંભળવામાં આવી ત્યારે જાણે વજ્રનો ઘા થયો ન હોય ! તેમ તેમના હૃદયમાં એકદમ મોટો ધ્રાસકો પડ્યો. તે સમયે ધવળશેઠ પણ તે સ્ત્રીઓની પાસે આવ્યો, અને ખોટા વિલાપ કરવા લાગ્યો. તે બન્ને સુંદરીઓ વિચારવા લાગી કે - પતિને મારવાનું કામ આ દુષ્ટે જ કર્યું છે. આના જેવો બીજો કોઈ વૈરી નથી. હવે આ આપણા શીલનો ભંગ કરશે. આપણે આપણું શીલ કેવી રીતે રક્ષીશું ? માટે સ્વામીની જેમ આપણે પણ સમુદ્રમાં ઝંપાપાત કરીએ.
એવામાં આગળ ડમડમ ડમરુ વગાડતા અને મુખમાંથી હુંકાર અવાજ કરતા ક્ષેત્રપાલ દેવ હાથમાં તલવાર લઈને ત્યાં આવ્યા. તેમની પાછળ સિંહના વાહન ઉપર બેઠેલી, હાથમાં ચક્રને ભમાડતી, ઘણા દેવ દેવીની સાથે ચક્રેશ્ર્વરી દેવી આવ્યાં. તેમને જોઈ શેઠ ઘણો ભય પામ્યો અને સુંદરીઓના શરણે પેસી ગયો. ત્યારે દેવીએ કહ્યું કે - હે ધવળ ! શિયળવતી સુંદરીઓનું તે શરણ લીધું છે એટલે જા, અત્યારે તને જીવતો મૂકું છું પરંતુ જો હવે મનમાં અન્યાય અને દુષ્ટ બુદ્ધિ ધારણ કરીશ તો જીવથી જઈશ, એમ માનજે. પછી તે ચક્રેશ્ર્વરી દેવી સતી સુંદરીઓને પ્રેમપૂર્વક બોલાવી દિલાસો આપવા લાગી: તમે ચિંતા શા માટે કરો છો ? તમારા પતિ તો ક્ષેમકુશલ છે. તે તમારા પતિ એક મહિનામાં નિશ્ર્વે તમને મળશે. હાલમાં તે સસરા વસુપાલ રાજાને ત્યાં રાજક્ધયા અને રાજઋધ્ધિ ભોગવે છે. પછી તે વખતે ચક્રેશ્ર્વરી દેવી તે બન્ને સ્ત્રીઓના ગળામાં અમૂલ્ય એવી ફૂલની માળા પહેરાવીને કહેવા લાગ્યો કે - આ માળાનો અત્યંત મનોહર મહિમા સાંભળો. આ માળાથી શીલવ્રતનું રક્ષણ થશે તથા દિવસે દિવસે તે સુંદર સુગંધ આપશે. તથા જે મનુષ્ય ખરાબ દૃષ્ટિથી તમને જોશે, તે મનુષ્ય આંધળો થઈ જશે એ પ્રમાણે કહીને ચક્રેશ્ર્વરી દેવી આકાશમાં અદૃશ્ય થયાં.
શેઠે કોંકણ સિવાયના બીજા દેશમાં જવા માટે ઘણા ઉપાયો કર્યા. પણ દૈવના યોગે પવને વહાણોને કોંકણ દેશના કિનારે લાવી મૂક્યાં. પછી ધવળશેઠ કોંકણદેશના રાજાની પાસે આવ્યો અને રાજાના ચરણોમાં મનોહર ભેટણાં ધર્યાં. તે વખતે શ્રીપાળકુંવરે પોતાને અનેક પ્રકારે દુ:ખ આપનારા એવા ધવળશેઠને પોતાની પાસે મિત્રની જેમ બેસાડે છે, અને પૂર્વની જેમ જ મનની પ્રીતિ તજતો નથી. કરણ કે જે આત્મા જેવા પ્રકારનો હોય છે તે તેવા પ્રકારનો જ રહે છે. વળી શેઠ આવા પ્રકારનો વિચાર કરે છે કે આ કુંવરને લક્ષ્મી વગેરે હું ભોગવી શકયો નહીં, તો આ કુંવર પણ ભોગવી ન શકે તેમ કરું, તેથી આ કુંવરની હું મારા હાથે મારી નાખું, એવો નિશ્ર્ચય કર્યો. આમ વિચારી પછી જ્યાં શ્રી પાળ કુંવર સૂતેલા છે ત્યાં સાતમા માળે શેઠ પોતે હાથમાં ચપ્પુ લઈને ઉપર ચડવા લાગ્યો. તેવામાં સીડી ઉપરથી પગ લપસી ગયો અને નીચે ભૂમિ ઉપર પડ્યો. ખરેખર પોતાનું પાપ પણ ઘણું એકઠું થયું હતું. તેથી પોતાના હાથમાં રહેલું ચપ્પુ પોતાને વાગવાથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો.
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ ) (ક્રમશ:)