રાહુલ ગાંધી કાલે વંથલી અને ભૂજમાં સભા સંબોધશે

  • રાહુલ ગાંધી કાલે વંથલી અને ભૂજમાં સભા સંબોધશે

 19મીને શુક્રવારે બારડોલીમાં પણ જાહેર સભા ગજવશે
અમદાવાદ તા.17
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 18 અને 19 એપ્રિલના રોજ પુન: ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવી રહ્યા છે. 18મીએ રાહુલગાંધી જૂનાગઢના વંથલી અને કચ્છના ભૂજ ખાતે બે જાહેર સભાને સંબોધન કરશે. 18મીએ રાત્રે સુરતમાં રાત્રી રોકાણ કરશે અને 19મીએ બારડોલીમાં જાહેર સભાને સંબોધન કરશે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતને ટાર્ગેટ કરી લોકસભાની ર6માંથી વધારેમાં વધારે બેઠકો આંચકી લેવા માગે છે. આથી તેઓ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત પર વધારે ધ્યાન આપી રહ્યા છે. ગતરોજ ભાવનગર જિલ્લાના મહુવામાં જૂનાગઢ, અમરેલી અને ભાવનગર એમ ત્રણ લોકસભા બેઠકને આવરી લઈ જાહેર સભાને
સંબોધન કર્યા બાદ હવે 18 અને 19 એપ્રિલના રોજ ફરી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. 18મીએ રાહુલ ગાંધી બપોરે 3:30 કલાકે બરેલીથી સીધા જૂનાગઢના કેશોદમાં આવશે. કેશોદથી 4 વાગે તેઓ વંથલી સભાસ્થળે પહોંચશે. 4થી પ વાગ્યા સુધી વંથલીમાં જાહેરસભા પૂર્ણ કરી તેઓ સાંજે પ:રપ કલાકે કેશોદ પહોંચશે. જ્યાંથી પ:30 કલાકે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભૂજ જવા રવાના થશે. ભૂજમાં 6:1પ કલાકે તેઓ જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ 7:30 કલાકે ભૂજથી સુરત જવા રવાના થશે. સુરતમાં તેઓ રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે 19 એપ્રિલે બારડોલીમાં જાહેર સભાને સંબોધન કરશે.
બોકસ
મોદીની સભા પહેલા મંડપ વીંખાયો
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં તેમની સભા માટેનો બંધાયો મંડપ ભારે વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયો હતો. કાળઝાળ ગરમીમાં લોકો માટે વડા પ્રધાનની સભા માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે. ધૂળની ડમરી સાથે ફૂંકાયેલા વાવાઝોડાથી મંડપનો કેટલોક ભાગ ઉડીને વિખેરાઇ ગયો હતો તેમ જ પ્લાસ્ટિકની ખુરશીઓ પણ વેરણછેરણ થઇ ગઇ હતી.