કેરી-બેગના 3 રૂપિયા માગતા બાટા કંપનીને 9000નો દંડ

  • કેરી-બેગના 3 રૂપિયા માગતા બાટા કંપનીને   9000નો દંડ

ચંદીગઢના જાગૃત ગ્રાહક અને ખરા અર્થમાં ગ્રાહક સુરક્ષા ફોરમનો દિગ્વિજય
ચંદીગઢ,તા.17
જૂતા બનાવતી ફેમસ કંપની બાટાને ગ્રાહકોને પૂરી પડાતી સર્વિસમાં ખામી બદલ રૂ. 9000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બાટાએ ગ્રાહક પાસે કેરી બેગના 3 રૂપિયા માંગતા ગ્રાહકે કંપની સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. ચંદીગઢના રહેવાસી દિનેશ પ્રસાદ રતૌરીએ જણાવ્યું કે તેમણે 5 ફેબ્રુઆરીના રોજ બાટામાંથી શૂઝ ખરીદ્યા હતા. સ્ટોરે આ માટે તેમની પાસે રૂ. 402 વસૂલ્યા હતા. તેમાં પેપર બેગની કિંમત પણ શામેલ છે. રતૌરીએ જણાવ્યું કે બાટા બેગ માટે ચાર્જ પણ કરે છે અને તેના પર પોતાનું નામ છપાવી પોતાની બ્રાન્ડને એન્ડોર્સ પણ કરે છે જે યોગ્ય નથી.
ફરિયાદીએ ત્રણ રૂપિયાનું રિફંડ અને ગ્રાહકને સર્વિસ આપવામાં ઢીલ બદલ વળતર માંગ્યું હતું. તેની વિરુદ્ધમાં બાટા ઈન્ડિયાએ સર્વિસમાં કોઈપણ પ્રકારની ક્ષતિના આરોપો નકાર્યા હતા. ફોરમે જણાવ્યું કે પેપર બેગ માટે ગ્રાહક પાસેથી પૈસા વસૂલવા એ સર્વિસમાં ક્ષતિ જ સૂચવે છે. પ્રોડક્ટ ખરીદનારને ફ્રી બેગ આપવી સ્ટોરની ફરજ છે.
ક્ધઝ્યુમર ફોરમે બાટા ઈન્ડિયાને ગ્રાહકોને ફ્રી પેપર બેગ આપવાની સૂચના આપી હતી. તેમણે નોંધ્યું કે જો કંપનીને ખરેખર જ પર્યાવરણની ચિંતા હોય તો તેમણે ગ્રાહકોને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બેગ આપવી જોઈએ. ફોરમે બાટાને ગ્રાહકને ત્રણ રૂપિયા રિફંડ કરવા અને લિટિગેશન ચાર્જના રૂ.1000 ચૂકવવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત માનસિક હેરાનગતિ માટે રૂ. 3000 ચૂકવવા જણાવ્યું હતું. આ સાથે જ કંપનીને રાજ્યની ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રૂ. 5000 જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. ચંદીગઢની ક્ધઝ્યુમર ફોરમનો આ નિર્ણય દરેક એ સ્ટોર માટે આંખ ઊઘાડનારો દાખલો છે જે ગ્રાહક પાસેથી કેરી બેગના નામે રૂ. 3 કે 5 વસૂલી લે છે.