ચીનની પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીની કૂખે બેબો આવ્યો!

  • ચીનની પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીની કૂખે બેબો આવ્યો!

બીજિંગ: 31 વર્ષ બાદ ચીનની પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબી ઝેંગ મેંગઝુએ સોમવારે પુત્રને જન્મ આપ્યો છે, એમ મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઝેંગે બીજિંગની હોસ્પિટલમાં સિઝેરિયન દ્વારા પુત્રને જન્મ આપ્યો હતો. પેકિંગ યુનિવર્સિટી થર્ડ હોસ્પિટલના સિઝેરિયન સેક્શનના ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકનું વજન તેની માતાના જન્મ સમયના વજન જેટલું જ એટલે કે 3.85 કિલોગ્રામ છે અને માતા અને બાળક બંનેની તબિયત સારી છે. ચીનમાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજીમાં આ એક સીમાચિહ્ન છે.  ડોક્ટરે જણાવ્યું હતું કે ટેસ્ટ ટ્યૂબ બેબી નોર્મલ રીતે બાળકને જન્મ આપી શકશે કે નહીં એ વિશે તેઓ ભારે ચિંતિત હતા. દુનિયાભરમાં ટેસ્ટ ટ્યૂબ બેબીએ પુખ્ત વયની થઇને બાળકને જન્મ આપ્યો હોવાના કેસ નોંધાયા છે, પરંતુ આવા કેસોની સંખ્યા જૂજ છે.  બ્રિટનમાં ટેસ્ટ ટ્યૂબ બેબીના જન્મના દસ વર્ષ બાદ ચીનની પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબી ઝેંગ મેંગઝુનો જન્મ 10 માર્ચ, 1988ના રોજ થયો હતો. તેની માતા પ્રાઇમરી સ્કૂલની શિક્ષિકા હતા. લગ્નના 20 વર્ષ બાદ પણ તેઓ સંતાનને જન્મ આપી નહોતા શક્યા તેથી તેમણે ટેસ્ટ ટ્યૂબ બેબી ટેક્નિકનો સહારો લીધો હતો.