પ્રભુ પ્રત્યે સમ્યક્, પરિપૂર્ણ, વિશુધ્ધ શ્રધ્ધા એટલે સમ્યક્ દર્શન : પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા

  • પ્રભુ પ્રત્યે સમ્યક્, પરિપૂર્ણ, વિશુધ્ધ શ્રધ્ધા એટલે સમ્યક્ દર્શન : પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા

પરમ કૃપાળુ તારક પરમાત્માએ દર્શાવેલ અનેક પ્રકારના યોગમાં શ્રેષ્ઠ યોગ અને ધ્યાન તે નવપદનું ધ્યાન છે. નવપદમાં દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણે તત્ત્વનો સમાવેશ છે. આજથી ધર્મ તત્ત્વની આરાધનાની શરૂઆતનો દિવસ છે. ભગવાનનું શાસન મળ્યું છે એટલે કેવળ જ્ઞાન મહોત્સવની શરૂઆત થઇ છે. જેમ કોઇપણ મહોત્સવ શરૂ થાય તો આપણે મંગળકારી કુંભની સ્થાપના કરીએ છીએ તેમ સમ્યક્ દર્શન એ મંગળકારી કુંભ છે અને આત્માને મંગળ કરનારું તત્ત્વ છે. તેથી ધર્મ તત્ત્વમાં તે સર્વપ્રથમ આવે છે. ગમે તેટલું જ્ઞાન હોય, નિર્મળ ચારિત્ર્ય હોય કે ઉગ્ર તપ કરેલું હોય છતા પણ સમ્યક્ દર્શન વિના તે પૂર્ણ નથી. આવા પ્રકારના સમ્યક્ દર્શનનું ધ્યાન કરવાનો આજે મંગળ દિવસ છે.
પાંચ પ્રકારના ગુણ એ સમ્યક્ દર્શનના લક્ષણ છે. સમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. લક્ષણ ના હોય તો સમ્યક્ દર્શન નથી ફક્ત કાલ્પનિક દર્શન છે. સર્વશ્રેષ્ઠ લક્ષણ એ સમ છે પરંતુ પ્રાપ્તિની દૃષ્ટિએ પહેલા આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેદ અને સમ આવે.
સમ્યક એટલે સાચું અને દર્શન એટલે શ્રધ્ધા. સાચી, સમ્યક, પરિપૂર્ણ, વિશુધ્ધ શ્રધ્ધા એટલે સમ્યક દર્શન. જિનેશ્ર્વર ભગવાને જે ભાખ્યું છે એ જ પરમ સત્ય છે. તેમાં કોઇ મિનમેખ કે ફરક નથી. આ પ્રકારનો આંતરિક સ્વીકાર, સમજણપૂર્વકનો સ્વીકાર તે સમ્યક્ દર્શન છે. ભગવાને જગતનું સ્વરૂપ દેખાડયું અને આપણી જાતની પણ ઓળખાણ કરાવી. જગતની માહિતી કરતા આપણી જાતની સાચી માહિતી મેળવવાની છે. હું કોણ છું, શા માટે છું ? તેની સમજણપૂર્વકનો સ્વીકાર કરવાનો છે. નરક છે, દેવલોક છે તે ભગવાનની વાત આપણને માન્ય છે. રાત્રી ભોજન નરકે લઇ જાય, અભક્ષ્ય દુર્ગતિએ લઇ જાય આ બધામાં ફલેક્સિબિલિટી રાખીએ છીએ તેથી ભગવાન પર અને તેની વાણી પર શ્રધ્ધા કેટલી?
* હું કોણ છું?
હું એટલે આત્મા, શરીર નહીં. આત્માને ભોજન, પાણીની જરૂર નથી, થાક લાગતો નથી. આ બધી જરૂરિયાત શરીરને છે. કોઇ ગાળ બોલે તો આપણા પાડોશી શરીરને કહે છે આપણને નહીં. શરીર અને આત્મા બે માંથી એકને સાચવવાનો હોય તો કોને સાચવવો ? બોકસમાં નેકલેસ હોય અને બેમાંથી એકને જ સાચવવાનો હોય તો કોને સાચવવો ? આત્મા એ નેકલેસ છે અને શરીર એ બોકસ. હોટલ, રાત્રી ભોજન, અભક્ષ્ય ખાઇ કોને સાચવો છો, શરીર (બોકસ)ને કે આત્મા(નેકલેસ)ને? મારા આત્મા પર એકપણ કલંક શોભે નહીં. રાગ, દ્વેષ, મોહ, માયા, વાસના, લાલસા, તૃષ્ણાના માધ્યમથી મારો આત્મા ભારેખમ થઇ ગયો છે અને દુર્ગતિમાં ન જાય એવી ડગલે ને પગલે સાવધાની રાખીએ એને આત્માને સાચવ્યો કહેવાય. બહારગામ જઇએ ત્યાંથી ફલેક્સિબિલિટી ચાલુ થઇ જાય છે. હોટલમાં ખાઇએ તો ચાલે, પૂજા ન કરીએ તો ચાલે ત્યારે આત્માને સાચવવાનું ભૂલી જઇએ છીએ પણ શરીરને તો ઘર, દુકાન, બહારગામ બધે સાચવીએ છીએ તો નેકલેસ સમાન આત્માને સમજણપૂર્વક સાચવીએ. મિથ્યા દૃષ્ટિ એ શરીર અને ઇન્દ્રીયને સાચવવાનું અને બહેલાવવાનું કામ કરે છે. જ્યારે સમ્યક્ દૃષ્ટિ એ ડગલે ને પગલે આત્માને સાચવવાનું કામ કરે છે. આસ્તિકય એટલે પ્રભુએ બતાવેલા શરીરમાં રહેવા છતાં પણ શરીરથી હું જુદો છું, અલગ છું, આત્મા હું છું અને એને સાચવવામાં જ મારું કલ્યાણ છે. આત્મા એ જ અર્થભૂત, પરમાર્થ છે. ઇન્દ્રીય શરીર, ઘર, દુકાન એ અનર્થકારી છે એની મમતા, માયા, મુર્છા મને દુર્ગતિ અને અનંતાભવ રખડાવવાનું કામ કરશે. આ ભગવાનની વાતોને અંતરથી સ્વીકારવાનું કામ આસ્તિક્ય છે.
* શરીર એ કોનું છે?
શરીર એ મારું છે? જ્યારે ઘડપણ આવે, રોગ થાય, હાર્ટએટેક આવે, દુ:ખાવો થાય એ તમારા હાથમાં નથી. તમારી ઇચ્છા વિરૂધ્ધ પણ શરીર ચાલે છે. તમારા કહેવામાં કે કંટ્રોલમાં શરીર નથી. આપણે ફૂટબોલ જેવા છીએ. જ્યાં બોલ ઉડે એવી તિર્યંચ ગતિ અથવા નરક ગતિમાં પણ જઇ શકીએ છીએ. આ શરીર આપણી માલિકીનું નથી અને કર્મસત્તાએ આપણને લીઝ પર આપ્યું છે. કારણ કે ધર્મસત્તાનો અનુગ્રહ છે એટલે આ શરીર એ મારું નથી.
* શરીર એ મળ્યું છે એ શા માટે મળ્યું છે?
આરાધના કરવા કે વિરાધના કરવા. હોટલમાં જવા માટે, પૈસા કમાવવા માટે, ભોગવિલાસ માટે, તેનું પાલન-પોષણ કરવા માટે શરીર મળ્યું છે. આ શરીર ચાલે ત્યાં સુધી પૈસા કમાઇ લઉં કે તપ કરી લઉં. રાગ, દ્વેષ, મોહરૂપી ચોર મારા આત્માને અનંતા ભવથી લૂંટી રહ્યો છે અને હું બેભાન પડયો છું. આવી જાગૃતિ ભીતરમાં કેટલી? ભીડમાં પાકીટ ચોરાઇ ન જાય તે માટે કેટલી સાવધાની રાખીએ છીએ? તો આ કષાયમાં આપણો આત્મા ચોરાઇ ન જાય તેની સાવચેતી કેટલી? અનાદિકાળથી મોહરાજા મને લૂંટતો આવ્યો છે, હવે હું ન લુંટાઉ એ આસ્તિકય છે. આ રત્નત્રયી શરીર આરાધના માટે મળ્યું છે અને એનો કશ કાઢી લ્યો અને કલ્યાણ કરી લ્યો.
* શરીર કેમ મળે છે?
પાપ ખપાવવા માટે આ શરીર મળેલું છે. જે પશુ કે નરકના જીવ પણ ન ખપાવી શકે એવા પાપ આ રત્નચિંતામણીને પણ ટક્કર મારે એવા શરીરથી ખપાવી શકીએ છીએે. તેથી શરીર જે મળેલું છે તે પાપકર્મ ખપાવવા માટે છે.
* શરીરનો ઉપયોગ શું?
આપણે શરીરનો ઉપયોગ ફક્ત મેઇન્ટેઇન કરવા માટે કર્યો છે. આપણે ગાડીના સર્વિસ સ્ટેશનવાળા જેવા છીએ. જેમાં આપણે ગાડીરૂપી શરીરને સાચવવાનું કામ કરીએ છીએ પણ શરીરનો કસ કાઢી અને સાધનાના માર્ગે આગળ વધવાનું છે. જે કામ કરવા આવ્યા છે તેમાં લાગી પડવાનું છે.
આમ આસ્તિકય એટલે પ્રભુએ બતાવેલ શરીરથી હું અલગ છું તે સમજી શરીરને નહીં પણ આત્માને સાચવીને કલ્યાણ કરવાનું છે.
અનુકંપા : અનાદિકાળથી આત્મા કષાયોમાં દબાયેલો છે અને ભવભ્રમણના ચક્કરમાં ફસાયેલો છે તેવી પોતાના અને બીજાના આત્મા પરની દયા એ અનુકંપા.
નિર્વેદ : સંસારના સુખો જોવા છતા સંસારને સમજીને વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય છે તે નિર્વેદ
સંવેદ : સંવેદ એટલે પુણ્યના ઉદયમાં પણ સંસાર છોડવાના ભાવ જાગે, પુણ્યના ઉદયમાં પણ મોક્ષની ઝંખનાને મેળવવાની તાલાવેલી તે સંવેદ.
ઉપશમ ભાવ : પ્રતિકુળ સંજોગોમાં પણ વિપરીત ભાવ ન જાગે, સામેવાળાને પાઠ ભણાવવાના ભાવ ન જાગે તે ઉપશમભાવ છે.
આવી સાચી સમજણ અને શ્રધ્ધા સાથે દર્શનપદની આરાધના કરીએ.
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ કહેવાયું હોય કે લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્)
- પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા
પ્રવચન માળા-6(એ)
અનુકંપા, નિર્વેદ, સંવેદ, ઉપશમ ભાવ આ દરેક વિશે પૂ.ગુરુદેવે વિસ્તારપૂર્વક આજે સમજાવેલ છે. જે આવતીકાલે આપ અહીં વિસ્તૃત રૂપે વાંચી શકશો.