શ્રીપાળ કુંવર ઘોડા પર સવાર થયા અને ઘોડો શુકન સૂચક હણહણવા લાગ્યો

  • શ્રીપાળ કુંવર ઘોડા પર સવાર થયા અને ઘોડો શુકન સૂચક હણહણવા લાગ્યો

તે સમયે કૌશાંબી નામની નગરીમાં ધવળ નામનો શ્રીમંત શેઠ રહેતો હતો. તે વેપાર કરવા ભરૂચ આવ્યો. ત્યાંથી મુસાફરી કરવા માટે વહાણ વગેરે ભરવા માટે મોટી તૈયારી કરી.
તેણે વિશેષ પ્રકારની વસ્તુઓથી પાંચસો વહાણ ભર્યા. તે વહાણોમાં લડવાની શક્તિવાળા દસ હજાર લડવૈયાઓ હતા. હવે જયારે વહાણોને ચલાવવા માટે લંગર ખેંચનારા માણસો સર્વ વહાણોના લંગર ઉપાડવા અત્યંત બળ કરે છે, પણ લંગર હાલતા નથી. તેથી મોટો શોર બકોર થયો. તે સાંભળી ધવળ શેઠ ઝાંખો થઇ ગયો, તેના મનમાં ચિંતા સમાતી નથી, તેથી તે શીકોતર દેવીને પૂછવા માટે ગયો. ત્યારે શીકોતર દેવીએ કહ્યું કે-હે શેઠ! સાંભળો, આ વહાણો દેવીએ થંભાવ્યા છે. તે દેવી જયારે બત્રીસ લક્ષણવાળા પુરૂષનું બલીદાન લેશે ત્યારે વહાણોને છોડશે. પછી શેઠના નોકરો ચારે દિશામાં બત્રીસ લક્ષણા પુરૂષની તપાસ કરતા નગરમાં ફરે છે. તેવામાં ત્યાં બત્રીસ લક્ષણા પરદેશી શ્રીપાળ કુંવરને દેખી હર્ષ પામતા થયા આવીને શેઠને વાત કરે છે. ત્યારે ધવળ શેઠ કહેવા લાગ્યા કે- તે પુરૂષને અહીં પકડીને લાવો, એક ઘડીનો પણ વિલંબ ન કરો. દેવીને બલિદાન આપીને આપણે ચાલતા થઇએ. આ પ્રમાણે શેઠના હુકમથી એક સાથે દસ હજાર સુભટો કુંવરની પાસે આવ્યા અને શ્રીપાળને પકડવા લાગ્યા. ત્યારે અતુલ પરાક્રમવાળા એવો શ્રીપાળ એકલો સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે વખતે સૈનિકો ભાલાં, તીર અને તલવારના જે જે ઘા કુંવરને મારે છે, તે ઘા ઔષધીના પ્રભાવથી કુંવરના શરીરને વિશે લાગતા નથી. તેમજ શ્રીપાળ કુંવર તાકીને જેને જેને લાકડી અને લોઢાથી મારે છે, તે બિચારા લથડિયાં ખાતા લાંબા થઇને ભૂમિ ઉપર સૂઈ જાય છે. ત્યારે ધવળશેઠ ત્યાં આવી તે બધું જોઇ કુંવરને પગે લાગવા માંડ્યો, અને કહેવા લાગ્યો કે- હે કુંવર! તમે દેવની જેવા સ્વરૂપવાળા દેખાઓ છો, તો અમારા ઉપર મહેરબાની કરો, અમારાં વહાણો થંભ્યાં છે તેને ચલાવો, અને દુ:ખમાંથી અમને પાર ઉતારો. તે વખતે કુંવરે કહ્યું કે-શેઠ! આ કામ કરવાનું અમને તમે શું મહેનતાણું આપશો? ત્યારે ધવળશેઠે કહ્યું કે એક લાખ સોનામહોર આપીશ.
તે વાત સ્વીકારી શ્રીપાળ કુંવરે સિદ્ધચક્રજીને ચિત્તમાં ધારણ કરી અને નવપદજીનો જાપ ચૂક્યા વિના મોટા વહાણ ઉપર ચડી સિંહના જેવો અવાજ કર્યો. તે સમયે વહાણને થંભાવનારી જે દુષ્ટ દેવી હતી, તે નવપદજીના પ્રભાવથી દૂર જતી રહી, અને માંગલિક વાંજિત્રો વાગવા લાગ્યાં. પછી ધવળશેઠે કુંવરને એક લાખ સોનામહોર આપી પગે લાગ્યો અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો કે- હે બંધુ! જો તમે અમારી સાથે આવો તો તમને મોં માગ્યા પૈસા આપું.
ત્યારે કુંવર કહેવા લાગ્યો કે-હું એકલો સર્વનો પગાર લઇશ, અને હું એકલો અડગપણે આ સર્વનું કામ કરીશ. તે સર્વના પગારના હિસાબ કરી પછી શેઠ હાથ જોડીને કહેવા લાગ્યો કે- અમે વાણિયા છીએ. તેથી એક જ માણસને ક્રોડ ક્રોડ સોનૈયા કેવી રીતે આપીએ? ત્યારે કુંવર કહેવા લાગ્યો કે-હે શેઠજી! હું નોકર થઇ તમારો પૈસો હાથમાં લઇશ નહીં. પરંતુ, પરદેશ જોવા માટે મારી ઈચ્છા છે, તેથી તમારી સાથે આવીશ. તો મને ભાડું લઇને વહાણમાં બેસવાનું સ્થાન આપો. એ પ્રમાણે કહી એક મહિનાનું એકસો સોનામહોર ભાડું નક્કી કર્યું. હવે શ્રીપાળ કુંવર મોટા વહાણના ઝરૂખામાં બેસીને ચારે બાજુ સમુદ્રના તરંગોના કૌતુકોને જુએ છે. એ પ્રમાણે સમુદ્રમાં જતાં જતાં પવનને જાણનારા લોકો કહેવા લાગ્યા કે-આજે પવન અનુકૂળ છે. માટે જો પાણી, લાકડાં વગેરે જોઇતાં હોય તો બબ્બરકોટ બંદર નજીક આવ્યું છે. બંદરમાં લોકો ઉતરીને મીઠું પાણી તથા લાકડાં વગેરે લેવા લાગ્યા અને ધવળશેઠ દરિયાકિનારે રહ્યાં સાથે ઘણા સુભટો પણ હતા.
એવામાં લોકોનો કોલાહલ સાંભળી મહકાળ રાજાના દાણ (જકાત) લેનારાઓ અત્યંત ઉતાવળા ત્યાં આવ્યા અને બંદરનું દાણ માંગવા લાગ્યા. ત્યારે મૂર્ખ ધવળ શેઠે સુભટોને ગૌરવપણાથી દાણ આપ્યું નહીં. તેથી ત્યાં સુભટો અને દાણીનો પરસ્પર લડવા લાગ્યા. તે યુદ્ધમાં શેઠના સુભટોએ હણવાથી દાણીઓ નાસીને રાજા પાસે ગયા અને સર્વ વાત કહી, ત્યારે મહાકાળ રાજા મોટું સૈન્ય તૈયાર કરી ત્યાં આવ્યો. રાજા ત્યાં આવવાથી શેઠના સુભટો રાજતેજ સહન કરી શક્યા નહીં અને તેથી પૂંઠ બતાવી નાસવા લાગ્યા. અભિમાની શેઠને જીવતો પકડીને વૃક્ષની ડાળીએ ઊંધો લટકાવ્યો. પછી મહાકાળરાજા ત્યાં કોટવાળને મૂકીને પાછો ફર્યો. તે સમયે શ્રીપાળ કુંવર દયા લાવીને શેઠને કહેવા લાગ્યા.
‘હે શેઠ! તમારા બધા સુભટો કયાં ગયા? કે જેથી આમ મુશ્કેટાટ બંધાઈ ગયા? વળી જો મને એક ક્રોડ સોનામહોર આપત તો આટલું દુ:ખ તમે દેખત નહીં.’
ત્યારે શેઠ કહેવા લાગ્યો કે- તમે દાઝ્યા ઉપર મીઠું કાં નાંખો છો? ત્યારે કુંવર કહેવા લાગ્યા કે- તમારા શત્રુએ જે ધન લઇ લીધું છે, તે ધન જો હું પાછું અપાવું તો તમે મને શું આપશો? તે વાત તમે ચિત્તને સ્થિર કરીને કહો. ત્યારે શેઠે કહ્યું કે- હે કુંવર! સાંભળો- જો આ મારું કાર્ય સાધી આપો, તો પાંચસો વહાણ વહેંચી તેનો અર્ધો ભાગ લઇ લેજો. ત્યારે કુંવરે ચોખવટ કરી, તે વાતની સાક્ષી રાખી, લેખિત કરાર કરાવી પછી મહાકાળ રાજાને રાડ દીધી. એટલું જ નહીં, પરંતુ હાથમાં ધનુષ્ય અને તીરનું ભાથું લઇને અત્યંત તેજસ્વી તે કુંવર રાજસૈન્યની પાછળ ચાલ્યો.
મહાકાળ રાજાએ ફરીને જોયું તો સારા લક્ષણવાળા અને રૂપના ભંડાર સમાન એક યુવાન પુરૂષ દેખાયો. ત્યારે મહાકાળ રાજા કહેવા લાગ્યા કે- અરે! તું સુંદર તથા મનોહર અને યૌવન વેશવાળો દેખાય છે, આયુષ્ય પૂર્ણ થયા વિના શા માટે મરવાની તૈયારી કરે છે. તે પ્રમાણે મહાકાળ રાજાનું કહેવું સાંભળીને કુંવર કહેવા લાગ્યો કે યુદ્ધમાં વચનનો વેપાર શા માટે કરવો? કારણ કે જયાં લડવૈયા પરસ્પર મળ્યા હોય ત્યાં શસ્ત્રોથી વ્યાપાર યોગ્ય છે. તે વખતે કુંવર ઉપર તીક્ષ્ણ બાણની પંક્તિઓ પડવા લાગી તથા ઘણાં ગોળાઓનો વરસાદ વરસવા લાગ્યો. તો પણ ઔષધિના પ્રભાવથી કુંવરના એકેય અંગે સળી જેટલું પણ સ્પર્શ્યું નહીં તથા શ્રીપાળ કુંવર જે જે દિશામાં ખેંચીને બાણ છોડે છે ત્યારે તે સમયે એકીસાથે દસ-વીસના પ્રાણો મુકાવે છે.
આ પ્રમાણે થવાથી મહાકાળ રાજાનું સઘળું સૈન્ય દસે દિશાઓમાં નાસી ગયું અને શ્રીપાળ કુંવરે એકલાએ રાજાને ગાઢ બંધનથી બાંધી લીધો. પછી મહાકાળને બાંધીને પોતાની સાથે જયાં ધવળ શેઠને બાંધ્યા હતા ત્યાં લઇને આવ્યો અને તે વખતે ધવળ શેઠનાં બંધન છોડી નાંખ્યા. તે સમયે ધવળ શેઠ તલવાર લઇને મહાકાળ રાજાને મારવા માટે દોડ્યો, ત્યારે કુંવરે કહ્યું કે- હે શેઠ! હવે તમે બેસી રહો! તમારું બળ અમે પહેલેથી જ જોઇ લીધું છે. પછી તરત જ શ્રીપાળ કુંવરે મહાકાળ રાજાના પણ બંધન છોડાવ્યાં અને આભૂષણો અને વસ્ત્રોની ઘણી પહેરામણી કરી તથા અત્યંત સત્કાર કર્યો. શ્રીપાળ કુંવરની ભુજાનું બળનું તેજ જોઇને મહાકાળ રાજા હૃદયમાં સ્નેહ લાવીને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો. હે મહારાજા! અમારા ઉપર કૃપા કરીને અમારા નગરમાં આવીને અમારું આગણું પવિત્ર કરો. ખરેખર! પૂર્વ ભવમાં કરેલાં અમારા પુણ્ય આજે પ્રગટ થયા છે.
શ્રીપાળ કુંવર રાજાની વિનંતીને સ્વીકારીને નગરમાં પધારે છે. રાજાએ કહ્યું- હે કુંવર! અમે આપને બહુ માન આપીને ક્ધયાનું દાન આપીએ છીએ. તો આપ ક્ધયાને પરણી અમારા વંશનું તેજ વધારો. એ પ્રમાણે કહીને લગ્ન મહોત્સવ શરૂ કરાવે છે. રૂપે કરીને અપ્સરા જેવી અને જેના ગુણોનો પાર નથી એવી મદનસેના ક્ધયાને આ રીતે રાજાએ પરણાવી. વળી દાયજામાં નવ પ્રકારનાં નાટક આપ્યા. સેવા કરવા માટે ઘણાં દાસ-દાસીઓ આપ્યા. ત્યાંથી જ વહાણમાં સાતમા માળે બેસીને સોનાના સોગઠાથી રમે છે.
સર્વ વહાણો કુશલક્ષેમ રત્નદ્વીપે પહોંચી ગયા, પછી ત્યાં વહાણોના લંગર પાણીમાં મૂક્યાં, અને સઢના દોરડા સંકેલી લીધાં, ત્યાં લોકો ધીમે ધીમે ત્યાં ઊતરવા લાગ્યાં. તે વખતે એક પુરૂષ કુંવરને વિનંતી કરી કહેવા લાગ્યો કે- હે સ્વામિન્! હું આપને જે વાત કહું, તે આપ શાન્તિથી ધ્યાન દઇને સાંભળજો. આ રત્નદ્વીપ નામનો દ્વીપ છે. ત્યાં અત્યંત ઉંચો ગોળાકાર અને રત્નના શિખરવાળો રત્નસાનું નામનો પર્વત છે. વળી તે પર્વત ઉપર રત્નસંચયા નામની નગરી છે અને તે નગરીમાં વિદ્યાધર મનુષ્યોનો સ્વામી કનકકેતુ રાજા રાજય કરે છે.
તે રાજાને ચાર પુત્રો ઉપર ઈચ્છાનુસાર ગુણના સ્થાન સરખી એક પુત્રી થઇ, રૂપ અને કલાની અપેક્ષાએ કામદેવની પત્ની રતિથી પણ અધિક એવી તે પુત્રીનું મદનમંજૂષા નામ છે. તે રાજકુંવરી જિનેશ્ર્વર ભગવાનના સોહામણા મુખને જોતી જોતી અને પાછા પગે પાછી વળતી ગભારાની બહાર આવી. તરત જ ગભારાનાં બંને બારણાં એકદમ બંધ થઇ ગયા, તે બારણાં એવા તો બંધ થયા કે ગમે તેટલા હલાવવા છતાં જરા પણ હાલતા નથી, અને જરા પણ ખસતા નથી. ત્યારે રાજકુંવરીને ખૂબ દુ:ખ થયું તેણે કહ્યું જયાં સુધી આ જિનમંદિરના દરવાજા ઉઘડે નહીં, ત્યાં સુધી હું અહીંથી મહેલે જઇશ નહી. આ પ્રમાણે નિર્ધાર કર્યા પછી ત્યાં પરિવાર સાથે રહેલા રાજાને ત્રણ ઉપવાસ થયા. પછી ત્રીજા દિવસે રાત્રીના પાછલા પહોરને વિશે આકાશવાણી થઇ કે અહીં કોઇનો પણ દોષ નથી. માટે તમે શા માટે ખેદ કરો છો? જે મહાપુરૂષની દ્રષ્ટિ પડતાં જ આ મંદિરના દ્વાર ખુલશે, તે જ મનુષ્ય આ મદનમંજૂષાનો પતિ થશે. તે વાત જણાવવા આ મંદિરના દ્વાર બંધ થયા છે. આ જે બોલી રહી છું તે હું ઋષભદેવ ભગવાનની દાસી ચક્રેશ્ર્વરી દેવી છું. હવે હું એક જ મહિનામાં તેણીના વરને લઇ આવું છું. તે પ્રમાણે દેવીની આકાશવાણી સાંભળી સર્વ લોકો હર્ષ પામ્યા અને રાજાને ઘણો આનંદ થયો.
પછી રાજાએ અને સર્વ લોકોએ પારણું કર્યું તથા દુ:ખના સમૂહો દૂર જતા રહ્યા. હવે તે મહિનામાં દિવસો ગણતાં ગણતાં આજે એક જ દિવસ બાકી છે. તેથી સર્વ લોકો વાટ જોઇ રહ્યા છે અને અનેક વિકલ્પો કરે છે. હે કુંવર! હું આ જ નગરના જિનદેવ નામના શેઠનો પુત્ર જિનદાસ નામનો શ્રાવક છું. વળી અહીં વહાણ આવ્યાં છે, એમ સાંભળી ઉલ્લાસપૂર્વક અહીં આવ્યો છું. હું માનું છું કે નિશ્ર્ચે ચક્રેશ્ર્વરી દેવી જ તમને અમારી પાસે લાવ્યા છે. તેથી આપનાથી જિનમદિરના બારણાં ઉઘડશે, અને અમારી સર્વેની આશા ફલીભૂત થશે. તેથી આપ ઋષભદેવ પ્રભુના મંદિરે પધારો, અને ત્રણ ભુવનના નાથ શ્રી જિનેશ્ર્વર દેવને નમસ્કાર કરો, જેથી તે દરવાજા જરૂર ઉઘડી જશે. હવે જયારે શ્રીપાળ કુંવર ત્યાં જવાને ઘોડા ઉપર અસવાર થયા, ત્યારે તેજવંત ઘોડો શુકન સૂચક હણહણાહટ અવાજ કરવા લાગ્યો. પછી શ્રીપાળ કુંવર, શ્રી ઋષભદેવ પ્રભુના દરબારમાં આવ્યાં.
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ )
(ક્રમશ:)