લોહીની સાથે દર્દીઓને નવજીવન આપતી ‘લાઇફ’

  • લોહીની સાથે દર્દીઓને નવજીવન આપતી ‘લાઇફ’

રાજકોટમાં લાઇફ બ્લડ સેન્ટરની સ્થાપનાને 37 વર્ષ પૂર્ણ: અનેક સેવાકીય પ્રવૃત્તિનો પ્રારંભ રાજકોટ તા. 16
કટોકટીના સમયે દર્દીઓને જરૂરિયાત મુજબનું શુધ્ધ અને સલામત રકત પૂરું પાડતી એક માત્ર બ્લડ બેન્ક ‘લાઇફ બ્લડ સેન્ટર’ને એન.એ.બી.એચ. (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ) ની માન્યતા પ્રાપ્ત થયાને 6 વર્ષ પુરા થયાં છે અને આ 6 વર્ષમાં અનેક દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં કુલ 139 બ્લડ બેન્ક છે અને તે પૈકી 13 બ્લડ બેન્ક પાસે જ એન.એ.બી.એચ.ની માન્યતા છે. આ જ રીતે દેશની 2760 બ્લડ બેન્ક પૈકી 94 બ્લડ બેંકને જ આ માન્યતા મળેલી છે. 2013માં આ પ્રકારની માન્યતા મેળવનાર લાઇફ બ્લડ સેન્ટર ગુજરાતમાં એન.જી.ઓ.સેકટરમાં સૌપ્રથમ હતી. હાલમાં સૌરાષ્ટ્રની બ્લડ બેન્ક પૈકી એક માત્ર લાઇફ બ્લડ સેન્ટર પાસે આ માન્યતા છે.
સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે એન.એ.બી.એચ. માન્યતા પ્રાપ્ત બ્લડ બેન્ક એટલે અમેરિકા કે પછી યુરોપમાં કાર્યરત બ્લડ બેન્કમાં જે ધારાધોરણો હોય છે તે જ પ્રકારના ધારાધોરણો ધરાવતી આપણી બ્લડ બેન્ક. લાઇફ બ્લડ બેન્ક સેન્ટરમાં વિશ્ર્વ સ્તરની સેવા આપવાનો નિરંતર પ્રયાસ કરવામાં આવે છે.
બ્લડ બેન્કીંગ ક્ષેત્રે રાજકોટ કે ગુજરાત જ નહીં, ભારતભરની શ્રેષ્ઠ બ્લડ બેન્કોમાં સ્થાન ધરાવતા લાઇફ બ્લડ સેન્ટરની સ્થાપનાને તાજેતરમાં જ 37 વર્ષ પુરા કર્યા હતા. આ નિમિત્તે બ્લડ બેન્કના સંચાલકોએ રાજકોટને થેલેસેમિયા મુકત કરવા નિર્ધાર વ્યકત કર્યો હતો. આ દિશામાં જાગૃતિ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.
લાઇફ બ્લડ સેન્ટર દ્વારા થેલેસેમિયા નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમ અમલમાં છે. તેનો વ્યાપ તબકકાવાર વધારવામાં આવી રહ્યો છે.