તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત, ગરીબો ભૂખ્યા ડાહ

  • તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત, ગરીબો ભૂખ્યા ડાહ

રાજકોટ તા,16
લોકસભા ચૂંટણીના કારણે તંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બની જતા રાજકોટના 1.25 લાખ ગરીબ રાશનકાર્ડ ધારકોને દર મહિને ફાળવવામાં આવતો રાશનનો જથ્થો નહીં મળતા ભારે દેકારો બોલી ગયો છે.
વિશ્ર્વસનીય સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પૂરવઠા નિગમના પાપે ચૂંટણી ટાંણે જ લાખો ગરીબ પરિવારો ભૂખ્યા રહ્યા છે. પૂરવઠા નિગમમા દુકાનદારોને ફાળવવામાં આવતા પૂરવઠામાં મજૂરોના અભાવે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
સામાન્ય રીતે રેશનકાર્ડ ધારકોને દર મહિનાની એકથી પાંચ તારીખ સુધીમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ મહિનો અડધો પૂરો થઇ જવા છતા ગરીબકાર્ડ ધારકોને પૂરવઠો નહીં મળતા ગરીબોમાં ભારે દેકારો બોલી ગયો છે.
રાજકોટમાં 229 સસ્તા અનાજના દુકાનદારો છે. તમામ દુકાનદારોએ ઓનલાઈન માલની પરમીટ પણ કઢાવી લીધી છે. પરંતુ છતે પૂરવઠાએ માલ વગર બેઠા છે. પૂરવઠાનિગમના ગોડાઉનમાં પૂરતો પૂરવઠો છે. પરંતુ વેપારીઓને માલ નહીં મળતા રાજકોટ શહેરમાં કટોકટી સર્જાઈ છે.
પૂરવઠા નિગમમાં મજૂરોના કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે તેની જગ્યાએ નવા કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. નવા કોન્ટ્રાક્ટર મજૂરો પૂરા નહીં પાડી શકતા વેપારીઓને દુકાને પહોંચાડવાની વિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે.
રાજકોટમાં બી.પી.એલ., અંત્યોદય અને એનએસએફએ કાર્ડધારકો મળી કુલ 1.25 લાખ પરિવારને ઘઉં, ચોખા સહિતનો પૂરવઠો આપવામાં આવે છે. પરંતુ 15 દિવસથી એક પણ દુકાનદાર સુધી પૂરવઠો નહી મળતા શહેરમાં દેકારો બોલી જવા પામ્યો છે.
લોકસભાની ચૂંટણીના કારણે ઉચ્ચ અધિકારીઓ કામગીરીમાં વ્યસ્ત બની ગયા છે ત્યારે પૂરવઠા નિગમનું તંત્ર નધણીયાત બની જતા જાહેર વિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે.
બોકસ પૂરવઠા નિગમના મેનેજરનો મોબાઈલ ફોન બંધ
વેપારીઓને પૂરવઠાનો જથ્થો મળ્યો નથી ત્યારે વેપારીઓ દ્વારા નિગમના મેનેજરને માલ અંગે રજૂઆત કરવામાં આવે છે. પરંતુ વેપારીઓની ફરિયાદ બાદ પૂરવઠા નિગમના મેનેજરે મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. આથી વેપારીઓ હવે ફરિયાદ કરે તો કોને કરે? તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.