મોરબી, પડધરી, જોડિયામાં કરા સાથે વરસાદ, રાજકોટમાં છાંટા

  • મોરબી, પડધરી, જોડિયામાં કરા સાથે વરસાદ, રાજકોટમાં છાંટા

રાજકોટ તા,16
રાજકોટ, મોરબી, પડધરી, જોડિયા પંથકમાં આજે બપોરે અચાનક હવામાન પલ્ટો થતા કરા સાથે વરસાદ ખાબકયો હતો. વરસાદ પડતા જ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
અપર એરસાયકલોનિક સિસ્ટમના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં મીની વાવાઝોડા સાથે છુટો છવાયો વરસાદ પડ્યો હતો.
આજે બીજા દિવસે બપોરે અચાનક હવામાન પલ્ટાઈ ગયું હતું અને આકાશ કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાઈ ગયુ હતું. જાણે અષાઢી માહોલ હોય તેમ મોરબીમાં ગાજવીજ કરા સાથે ધોધમાર વરસાદનું ઝાપટુ પડી ગયું હતું. વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા.
ટંકારા પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કાળઝાળ ગરમીમાં લોકો ન્હાવા નિકળી પડ્યા હતા. આ ઉપરાંત જોડિયા પંથક અને હડિયાણા ગામમા પણ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ધ્રોલ અને લતીપરમાં પણ વરસાદનું ઝોરદાર ઝાપટી પડી ગયું હતું. જ્યારે પડધરીમાં મિનિ વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકયો હતો તેમજ મોટા મોટા કરા પણ પડ્યા હતા. રાજકોટમાં આજે સવારે છાંટા પડ્યા બાદ સૂર્યનારાયણના આકરા દર્શન થયા હતા. બપોરના 1 વાગ્યાની આસપાસ અચાનક કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયુ હતું અને ઠંડો પવન ફુંકાવાનું શરુ થયું હતું. બપોરે થાનમાં આંધી ફૂંકાઇ હતી સમગ્ર શહેર આંધીના કારણે ધૂળીયું બની ગયું હતું વાહન ચાલકોને આંધીના કારણે કશું દેખાતું નહોતું તેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. ઉપરાંત વાંકાનેરમાં પણ વરસાદનું જોરદાર ઝાંપટું પડી ગયું હતું.