ગુજરાતમાં સંવેદનશીલ મતદાન મથકો થયા ડબલ

  • ગુજરાતમાં સંવેદનશીલ મતદાન મથકો થયા ડબલ

 2014 કરતાં આ વખતે સંવેદનશીલ મત કેન્દ્રોની સંખ્યા બે ગણી વધીને
21 હજારે પહોંચી : વડુ મથક ફાળવાશે
રાજકોટ : ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભા-2019ની ચૂંટણીના સંવંદેનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત લોકસભા-2014ની ચૂંટણી સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં બે ગણાં વધુ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરાયા છે. સંવેદનશીલ મતદાન મથકો પર કોઇપણ પ્રકારનાં અનિચ્છનીય બનાવો રોકવા પુરતા પગલા લેવાયા છે. આવા મથકો પર વધુ કુમક ફાળવવામાં આવી છે. ગત ચૂંટણીમાં આખા રાજ્યમાં 10,775 કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા હતા જ્યારે આ વખતે રાજ્યના 21 હજાર કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કર્યાં છે. દર વખતે ચૂંટણીનું જાહેરનામુ બહાર પડયાના થોડા દિવસો બાદ સંવેદનશીલ કેન્દ્રોની યાદી જાહેર કરી દેવામાં આવતી હતી પરંતુ આ વખતે નિયમમાં ફેરફાર કરીને ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ જ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યની ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન કેન્દ્રો અલગ તારવવામાં આવ્યાં છે. સંવેદનશીલ મતદાન કેન્દ્રો એવા જાહેર થતાં હોય છે જ્યાં ભૂતકાળની ચૂંટણીઓમાં ગેરરીતીઓ થઈ હોય અથવા તો ફરિયાદો ઉઠી હોય તથા અધિકારીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યુ હોય તેવા કેન્દ્રોનો સમાવેશ કરાય છે. જેથી આ પ્રકારના કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવતો હોય છે.