ચૂંટણી ફરજમાંથી મુક્તિ માટે મહિલા પાસે બિભત્સ માંગ કરી

  • ચૂંટણી ફરજમાંથી મુક્તિ માટે મહિલા પાસે બિભત્સ માંગ કરી

ભાવનગર તા,16
ભાવનગરમાં ચૂંટણી ફરજ બજાવતી એક મહિલાની ચૂંટણી ફરજમાંથી નામ કમી કરાવવાની બાબતે એક કર્મચારીએ બિભત્સ માંગણી કરી હોવાની નનામી અરજી મહિલાએ જિલ્લા ચૂંટણી અધિકારીને કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા હોવાનુ જાણવા મળેલ છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ભાવનગરમાં સરકારી કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોંપવામાં આવી છે. ભાવનગરમાં ચૂંટણી ફરજ બજાવતી એક મહિલાએ નનામી અરજી જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલને મોકલી છે અને જણાવેલ છે કે, તેઓને ગાયનેક તફલીફ હોવાથી તેઓ થોડા દિવસ પૂર્વે સિટી મામલતદારને મળવા ગયા હતા પરંતુ તેઓ હાજર મળી આવ્યા ન હતાં.
સિટી મામલતદાર કચેરીમાં પટ્ટાવાળાએ તેઓને નાયબ મામલતદારને મળવા જણાવ્યુ હતુ તેથી તેઓ તેમને મળ્યા હતાં. તેઓએ ચૂંટણી કામગીરીમાંથી નામ કમી કરાવવાની વાત કરી હતી પરંતુ કેટલાક કર્મચારી હાજર હોવાથી તેઓએ બહાર નિકળી મોબાઈલ નંબર આપ્યો હતો અને વોટસઅપ કોલ કરવા જણાવ્યુ હતું. વોટસઅપ કોલ કરતા નાયબ મામલતદારે ચૂંટણી ફરજમાંથી
નામ કમી કરાવવા માટે બિભત્સ માંગણી કરી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.
આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, સરકારના હુકમ મુજબ નનામી અરજી ધ્યાને લેવામાં આવતી નથી પરંતુ મહિલાને લગતી ગંભીર બાબત છે તેથી પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.