સુરેન્દ્રનગરમાં કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા

  • સુરેન્દ્રનગરમાં કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા

રાજકોટ તા.16
લોકસભા ચૂંટણીમાં પ્રચારયુધ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. અમરેલી-ભાવનગર જિલ્લાને ગઇકાલે રાહુલ ગાંધીએ ધમરોળ્યા બાદ આવતીકાલથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ નક્કી થયો છે.
વડાપ્રધાન આવતીકાલે બપોરના 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધનાર છે. વડાપ્રધાનની સભાને લઇ ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારાર્થે તેઓ ત્રણ જાહેરસભામાં સંબોધન કરનાર છે. હિંમતનગર ખાતે જાહેરસભાને સંબોધન કરનાર છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે સોમવારથી ભાજપના અગ્રણીઓ તથા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી
દેવાઈ છે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ હિંમતનગરના બેરણા રોડ પર આવેલ મોદી ગ્રાઉન્ડ ખાતે લોકસભાની ચૂંટણી સંદર્ભે યોજાયેલી જાહેરસભામાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે તેમાં સાબરકાંઠા, મહેસાણા, ગોધરા તથા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં ચૂંટણી લડી રહેલા ચારેય ઉમેદવારોની ઉપસ્થિતિમાં આમ પ્રજાને સંબોધશે.
તા.18 ને ગુરૂવારે અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજવામાં આવી છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન સહિતના રાજકીય મહાનુભાવોએ વિવિધ જીલ્લામાં મતદારોને આકર્ષવા માટે સભા-રેલીના કાર્યક્રમ ગોઠવ્યા છે.