મવડી ચોકડીએ મહિલાઓએ માટલા ફોડી કર્યો ચક્કાજામApril 20, 2019

  • મવડી ચોકડીએ મહિલાઓએ માટલા ફોડી કર્યો ચક્કાજામ

રાજકોટ તા.20
રાજકોટ શહેરમાં ભરઉનાળે લોકોને 20 મિનિટ રેગ્યુલર પીવાનું પાણી મળી રહ્યું છે પરંતુ અમુક વિસ્તારોમાં ધીમા ફોર્સથી પાણી આવવાની ફરીયાદો ઉભી થઇ છે. જે પૈકી વોર્ડ નં.12 માં આવેલ 30 થી વધુ સોસાયટીમાં છેલ્લા એક માસથી ધીમા ફોર્સથી પાણી આવતા લોકોએ ધીરજ ગુમાવી હતી અને આજરોજ કોંગી કોર્પોરેટરો અને મહિલાઓ દ્વારા મવડી ચોકડીએ માટલા ફોડી ચક્કાજામ કરી પાણી આપોના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
વોર્ડ નં.12 માં આવેલ વિનાયક સોસાયટી, સાંઇધામ, ઉદયનગર, અક્ષરધામ, વૃંદાવન, જલજીત અને દ્વારકાધીશ સહિતની 40 સોસાયટીઓમાં છેલ્લા એક માસથી ધીમા ફોર્સથી પાણી આવવાની ફરીયાદો ઉઠવા પામી છે છતા તંત્ર દ્વારા ઘટતું કરવામાં ન આવતા આજરોજ કોંગી કોર્પોરેટરો અને મહિલાઓએ મવડી સર્કલ ખાતે વિરોધ પ્રગટ કરી નારેબાજી કરી હતી તેમજ સર્કલ ખાતે ચક્કાજામ કરી માટલા ફોડી પાણી આપો નહીં તો રાજીનામુ આપો ના નારા લગાવ્યા હતા. વિરોધ દરમિયાન કોંગી કોર્પોરેટર વિજય વાંક, સંજય અજુડીયા, ઉર્વશીબા જાડેજા અને ડો.ઉર્વશીબેન પટેલ તેમજ જાગૃતિબેન ડાંગર 200 થી વધુ મહિલાઓએ વિરોધ પ્રગટ કરી જણાવેલ કે પૂર્વ કોર્પોરેટરના ઇશારાથી પાણીનો વાલ્વ ઓછો ખોલવામાં આવે છે પરીણામે લોકોને ઓછા ફોર્સથી પાણી મળી રહ્યું છે. બનાવના પગલે મનપાના સીટી ઇજનેર ડોડીયાએ સ્થળ ઉપર પહોંચી પાણી ઓછા ફોર્સથી મળી રહ્યાનું કબુલ્યું હતું અને જણાવેલ કે એક સપ્તાહમાં પુરા ફોર્સથી પાણી આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. મવડી ચોકડીએ આજરોજ મહિલાઓએ ચક્કાજામ કરતા એક કલાક રીંગરોડ ઉપર ટ્રાફીકજામ સર્જાયો હતો.
વોર્ડ નં.12 ની 40 થી વધુ સોસાયટીઓની મહિલાઓએ આજરોજ પાણી મુદ્દે મવડી ચોકડીએ માટલા ફોડી ચક્કાજામનો કાર્યક્રમ આપતા મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એક સપ્તાહમાં ઘટતું કરવાની ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો. છતા કોર્પોરેટરો દ્વારા એક સપ્તાહમાં પુરા ફોર્સથી પાણી નહીં અપાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મવડી વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી આવવાની સમસ્યાના પગલે સ્થાનિકોએ આજે હલ્લાબોલ કરી વિરોધ પ્રગટ કર્યો છે ત્યારે આગામી દિવસોમાં અનેક વોર્ડમાં આ સમસ્યાના મુદ્દે મહિલાઓ દ્વારા વિરોધ દર્શાવાશે તેવી શકયતા જોવાઇ રહી છે પરંતુ ડીઆઇ પાઇપલાઇનનું કામ પુરા રાજકોટમાં ચાલતું હોવાથી ચોમાસા સુધીમાં તમામ વોર્ડની પાણીની સમસ્યા હલ થવાની પણ સંભાવના જોવાઇ રહી છે. જયારે તંત્ર દ્વારા આગામી દિવસોમાં સમયસર પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવાની તૈયારી આરંભી છે જેથ ભર ઉનાળે શહેરમાં પીવાના પાણીની સમસ્યા નહીં ઉદભવે તેમ લખી રહ્યું છે.