‘જેટ’ના 500 જેટલા કર્મી સ્પાઈસ જેટમાંApril 20, 2019

  • ‘જેટ’ના 500 જેટલા કર્મી સ્પાઈસ જેટમાં


મુંબઈ તા,20
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી જેટ ઍરવેઝના 100 પાઈલટ સહિત 500 કર્મચારીને તેમણે નોકરી પર રાખી લીધા હોવાનું તેમ જ આગામી સમયમાં તે વધુ નવા રૂટ ઉપરાંત વધુ વિમાનસેવા શરૂ કરવાની હોવાને કારણે વધુ કર્મચારીઓની ભરતી કરશે, એમ સ્પાઈસ જેટે શુક્રવારે કહ્યું હતું. જેટ ઍરવેઝે તેની સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય વિમાનસેવા કામચલાઉ ધોરણે બંધ કરી હોવાને કારણે સ્પાઈસ જેટે પોતાની ક્ષમતા વધારવા તેનાં કાફલામાં વધુ 27 વિમાન, 22 બોઈંગ 737એસ અને પાંચ ટબોર બોમ્બાર્ડિયર ક્યૂ400એસનો સમાવેશ કરવાની પણ જાહેરાત કરી હતી. સ્પાઈસ જેટના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહે શુક્રવારે કહ્યું હતું કે કર્મચારીઓની ભરતી કરવા માટે અમારી કંપની જેટ ઍરવેઝના સ્ટાફને પ્રાથમિકતા આપી રહી છે.
અમે અમારી સેવાનો વ્યાપ વધારી રહ્યા છીએ અને એટલે જ અમે જેટ ઍરવેઝ બંધ પડી જવાને કારણે કમનસીબે તાજેતરમાં જ જેમણે પોતાની નોકરી ગુમાવી છે તેમને અમે પ્રાથમિકતા આપી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
તાજેતરમાં જ સ્પાઈસ જેટે 100 પાઈલટ, 200 કેબિન ક્રૂ અને 200 કરતા પણ વધુ ટેક્નિકલ અને ઍરપોર્ટ સ્ટાફની ભરતી કરી હતી. અમે હજુ વધુ લોકોની ભરતી કરીશું અને અમારા કાફલામાં વધુ વિમાનોનો પણ ઉમેરો કરીશું, એમ તેમણે કહ્યું હતું. પ્રવાસીઓની અગવડ ઘટાડવા અને આ વ્યસ્ત સિઝનમાં વિમાનની ટિકિટ મેળવવામાં ભારે સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીય ગ્રાહકોને સેવા પૂરી પાડવાના સ્પાઈસ જેટ બનતા તમામ પ્રયાસ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.