મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ મામલે સુપ્રીમના ‘ગજબ’ સવાલો!April 20, 2019

  • મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ મામલે સુપ્રીમના ‘ગજબ’ સવાલો!
  • મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ મામલે સુપ્રીમના ‘ગજબ’ સવાલો!

નવીદિલ્હી,તા.20
ભારતમાં લોકશાહી છે અને આપણું બંધારણ તમામ લોકોને સમાન ગણે છે. ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, લિંગ કે બીજા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ લોકોને સમાન હક મળવા જ જોઈએ એવું આપણું બંધારણ કહે છે. કમનસીબે વાસ્તવિક રીતે એવું બનતું નથી ને ભેદભાવ થયા જ કરે છે. વિચિત્ર વાત એ છે કે, કેટલાક ભેદભાવ તો બંધારણની જ કેટલીક બીજી જોગવાઈઓના કારણે અસ્તિત્વમાં છે. આપણા બંધારણમાં કેટલીય પરસ્પર વિરોધાભાસી જોગવાઈઓ છે ને તેના કારણે ભેદભાવ થાય છે. કેટલાક ભેદભાવ ધર્મ કે બીજા કોઈ પણ નામે ઊભી થયેલી પરંપરાઓના નામે કરાય છે. પહેલાં લોકોમાં એટલી જાગૃતિ નહોતી તેથી બધું ચાલી જતું પણ હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું એટલે આવા ભેદભાવો સામે લોકો બાંયો ચડાવે છે ને કોર્ટમાં તેને પડકારે પણ છે. કોર્ટ આવા ભેદભાવ દૂર પણ કરે છે ને બને એટલી સમાનતા લાવવા મથે છે.
સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરના ચુકાદાના આધારે આ અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, સેન્ટ્રલ વકફ કાઉન્સિલ વગેરે લાગતાંવળગતાં બધાંને નોટિસ આપી છે. આ મુદ્દો ધર્મ સાથે સંકળાયેલી પ્રથાને લગતો છે તેથી ધર્મના જાણકારોનો અભિપ્રાય માગવામાં આવે તેમાં કશું ખોટું નથી. મુસ્લિમ મહિલાઓના બંધારણીય અધિકારોને લગતો પણ મુદ્દો છે તેથી આ કેસ મહત્ત્વનો છે પણ સુપ્રીમ કોર્ટે કેટલાક સવાલો ઉઠાવ્યા છે તેના કારણે આ કેસ રસપ્રદ બની ગયો છે.
મુસ્લિમ દંપતીએ પોતાના મૂળભૂત બંધારણીય અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો છે ને તેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે બહુ મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, કોઈ પણ વ્યક્તિના બંધારણીય હક્કોનું હનન શાસન દ્વારા થતું હોય તો સુપ્રીમ કોર્ટ તેમને આદેશ આપી શકે પણ, ચર્ચ, મસ્જિદ, મંદિર કે પછી કોઈ પણ ધર્મસ્થાનને શાસન (સ્ટેટ) ગણી શકાય ખરાં ? ને આ ધર્મસ્થાનો શાસન ના ગણાતાં હોય તો સુપ્રીમ કોર્ટ પણ તેમને આદેશ આપી શકે ખરી ? સુપ્રીમ કોર્ટે એવો સવાલ પણ કર્યો છે કે, કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સામે પોતાના મૂળભૂત અધિકારો માગી શકે ખરી ? કોઈ વ્યક્તિ તમને પોતાના ઘરમાં ના ઘૂસવા દેતી હોય તો તમે પોલીસની મદદ માંગી શકો ખરા ? સુપ્રીમ કોર્ટે આ સવાલો મંગળવારે જ કરેલા પણ પીરઝાદા દંપતીના વકીલ પાસે તેના જવાબ નહોતા. સુપ્રીમ કોર્ટે એ પછી પણ ઉદારતા દાખવીને આ અરજીને દાખલ કરી કેમ કે સબરીમાલા મંદિરનો મામલો આ જ પ્રકારનો હતો ને એ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્વાભાવિક રીતે જ સુપ્રીમ કોર્ટ એક જ પ્રકારની સમસ્યામાં બે અલગ અલગ વલણ ના અપનાવી શકે તેથી તેમણે આ અરજી દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં મુસ્લિમોનાં સંગઠનો કે કેન્દ્ર સરકાર શું જવાબ આપે છે તે ખબર નથી પણ પીરઝાદા દંપતીએ પવિત્ર કુરાન અને પયગંબર સાહેબના નામે જે વાત કરી છે તે સાચી છે. મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવા માટે પ્રવેશ આપવો નહીં એવું પયગંબર સાહેબે લખ્યું નથી. પયગંબર સાહેબે તો સ્પષ્ટ રીતે મુસ્લિમ મહિલાઓ મસ્જિદમાં નમાઝ પઢી શકે એમ લખ્યું છે. પયગંબર સાહેબે એક હદીસમાં લખ્યું છે કે, મને ખબર છે કે સ્ત્રીઓને મારી સાથે નમાઝ પઢવી ગમે છે પણ મારી મસ્જિદમાં નમાઝ પઢવા કરતાં તમારા વિસ્તારની મસ્જિદમાં નમાઝ પઢવી સારી, તમારા વિસ્તારની મસ્જિદમાં નમાઝ પઢવા કરતાં તમારા ઘરના વરંડામાં નમાજ પઢવી સારી, તમારા ઘરના વરંડા કરતાં ઘરમાં અંદર નમાઝ પઢવી સારી ને ઘરમાં નમાઝ પઢવા કરતાં છેક અંદરના રૂમમાં નમાઝ પઢવી સારી. મહિલાઓ માટે ઘરની છેક અંદર બેસીને નમાઝ પઢવી સૌથી શ્રેષ્ઠ છે.
આ હદીસનું અર્થઘટન એવું કરાયું કે, પયગંબર સાહેબે મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાના બદલે ઘરે રહીને નમાઝ પઢવા કહ્યું છે. જો કે ઈસ્લામના જાણકાર કેટલાક વિદ્વાનોનો મત તેનાથી જુદો પડે છે. તેમના કહેવા પ્રમાણે, પયગંબર સાહેબે સ્પષ્ટ રીતે મહિલાઓ પોતાના વિસ્તારની મસ્જિદમાં નમાઝ પઢી શકે તેમ કહ્યું જ છે. તેમણે મહિલાઓને પોતાના ઘરના અંદરના ભાગમાં નમાઝ પઢવા કહ્યું તેનું કારણ સલામતી છે. પયગંબર સાહેબ સાતમી સદીમાં થઈ ગયા ને એ વખતે અરાજકતા તથા અંધાધૂંધીનો માહોલ હતો. મહિલાઓ બહાર નીકળે તો તેમના પર જોખમ હોય એ સંજોગોમાં તેમની સલામતી જળવાય એ ખાતર પયગંબર સાહેબે તેમને ઘરની અંદર બેસીને નમાઝ પઢવા કહ્યું હશે. જો કે આ મુદ્દે બીજી હદીસ પણ છે ને તેનું અર્થઘટન પણ અલગ અલગ થાય છે.
જો કે આ કેસમાં મુખ્ય મુદ્દો સુપ્રીમ કોર્ટે ઉઠાવેલા મુદ્દા છે. સુપ્રીમ કોર્ટે ધર્મસ્થાનોને બંધારણના મૂળભૂત અધિકારો હેઠળ આવરી શકાય કે નહીં ને તેમને પોતે આદેશ આપી શકે કે નહીં તેવો સવાલ કર્યો છે. આ સવાલ ખરેખર વિચિત્ર છે કેમ કે સબરીમાલા કે શનિદેવના મંદિર સહિતનાં ધર્મસ્થાનોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને લગતા વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ સવાલ નહોતા ઉઠાવ્યા. એ વખતે સુપ્રીમ કોર્ટે માત્ર મૂળભૂત બંધારણીય અધિકારો અને સમાનતાના આધાર પર ચુકાદો આપ્યો હતો. બાકી એ વખતે પણ આ મુદ્દો હતો જ કેમ કે સબરીમાલા કે શનિદેવનું મંદિર પણ અંતે તો ધર્મસ્થાન જ છે. હવે અચાનક સુપ્રીમ કોર્ટને આ સવાલ થયો એ જોઈ આશ્ર્ચર્ય થાય છે. સાથે સાથે એક ડર પણ લાગે છે. માનો કે સુપ્રીમ કોર્ટ એવો ચુકાદો આપે કે, ધર્મસ્થાનોને સુપ્રીમ કોર્ટ આદેશ ના આપી શકે તો શું થાય એ સમજવું જરૂરી છે. એ સંજોગોમાં ધર્મસ્થાનોને પોતાની રીતે વર્તવાની છૂટ મળી જાય ને સબરીમાલા સહિતના ચુકાદા નકામા થઈ જાય. આશા રાખીએ કે એવું ના થાય.