IPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર

  • IPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર

નવી દિલ્હી તા.20
થોડા દિવસોમાં ક્રિકેટના સૌથી મોટો ફેસ્ટિવલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો પ્રારંભ થવાનો છે. આઈપીએલમાં ગુજરાતની ટીમ તો નથી રમતી, પરંતુ 7 ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે. આ તમામ ગુજરાતી ક્રિકેટર્સ પર દરેક ગુજરાતીની ચોક્કસ નજર રહેશે અને તેમના પ્રદર્શનની નોંધ લેશે. તેમાં પણ જયદેવ ઉનડકટ તો આઈપીએલ 2019ની હરરાજીમાં સૌથી મોંઘો ખેલાડી હતો.
રાજસ્થાન રોયલ્સે જયદેવને રૂપિયા 8.4 કરોડમાં ખરીદ્યો હતો. તેની સાથે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, અક્ષર
પટેલ, પાર્થિવ પટેલ અને યુસુફ પઠાણ પણ પોતાના પ્રદર્શન થકી ચર્ચામાં રહેશે.
2017ની આઈપીએલ જયદેવ ઉનડકટ માટે સર્વશ્રેષ્ઠ રહી હતી. આ વખતની મેચો રાજસ્થાનમાં યોજાવાની હોવાથી, ત્યાંની પીચ પર ઉનડકટ જમાવટ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.
હાર્દિક પંડ્યાનું સેલ્ફ બિલીફ તેને અન્ય ક્રિકેટર્સથી અલગ કરે છે. ભારતીય ટીમનો આધારસ્તંભ ઓલરાઉન્ડર હાર્દિક ઇજામાંથી સ્વસ્થ થઈને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમવાનો છે.
રવિન્દ્ર જાડેજાએ આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાથી લઈને વર્લ્ડનો નંબર 1 બોલર બનવા સુધીનો રસ્તો કાપ્યો છે. 2019ના વર્લ્ડકપને 3 મહિનાથી ઓછો સમય બાકી છે અને આ વખતે જાડેજા પોતાના પ્રદર્શનથી સ્ક્વોડમાં પોતાનું નામ સુનિશ્ચિત કરવા મેદાને ઉતરશે.
કૃણાલે પોતાને ભારતીય ટી-20 ટીમનો કાયમી સભ્ય બનાવી દીધો છે. તે હવે રેગ્યુલરલી ઇન્ડિયા-અ માટે પણ રમતો હોય છે. અક્ષર પટેલે 2013માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યુ કર્યું હતું.
બરોડા અંડર-16ની ટીમમાં પોતાના હિટિંગ દ્વારા બધાને પ્રભાવિત કરનાર યુસુફ પઠાણને પહેલી વાર 2007ના ટી-20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળ્યું હતું. 2008ની આઈપીએલમાં તેણે પોતાના પ્રદર્શન થકી પહેલી વાર મોટા સ્ટેજ પર ધ્યાન ખેંચ્યું હતું.
પાર્થિવ પટેલે 17 વર્ષની વયે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી પટેલને ભારતીય ટીમ ઘણીવાર તક મળી ચૂકી છે. પાર્થિવ પહેલી 3 સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. ત્યાર પછી તે કોચી ટસ્કર્સ, ડેકેન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી ચૂક્યો છે. 2015માં મુંબઈ ઇન્ડિયન્સને ટ્રેડ કર્યા પછી બેંગ્લોરે પાર્થિવને ફરી એક વાર 2018ના ઓક્શનમાં ખરીદ્યો હતો. 34 વર્ષીય પાર્થિવ આગળ હજી 2-3 વર્ષનું ક્રિકેટ પડ્યું છે.