કોહલી, બૂમરાહ અને લોકેશની ટીમમાં વાપસી

નવી દિલ્હી તા.16
બે ટી-20 મેચ અને પાંચ વન-ડે મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની યજમાની કરનાર ભારતીય ટીમની શુક્રવારે બીસીસીઆઈની પસંદગી સમિતિએ જાહેરાત કરી હતી. આગામી 30 મેથી બ્રિટનમાં શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ પહેલાં ભારતની આ અંતિમ સિરીઝ છે તેવામાં પસંદગીકારોએ એ ટીમને ઉતારવાનો પ્રયાસ કર્યો છે જે ખેલાડીઓ વર્લ્ડ કપમાં સ્થાન મેળવનાર છે.
ઓસ્ટ્રેલિયા સામેની બે મેચની ટી-20 સિરીઝ અને પાંચ વન-ડે મેચ માટેની ટીમમાં ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓપનર લોકેશ રાહુલની વાપસી થઈ છે. લેગ સ્પિનર મયંક મર્કન્ડેને ટી-20 સિરીઝમાં સ્થાન અપાયું છે. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ટ્વિટ કરી ટીમની જાણકારી આપી હતી.
કોફી વિથ કરણ શોમાં આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ ટીમમાંથી બહાર થયેલ લોકેશ રાહુલ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. તેણે ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાયેલી બિનસત્તાવાર ટેસ્ટ મેચની સિરીઝમાં બે અર્ધી સદી ફટકારી ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા.ટી-20 સિરીઝ માટે જાહેર કરાયેલી ટીમમાં મયંક મર્કન્ડેને લેગ સ્પિનર તરીકે સામેલ કરાયો છે. 21 વર્ષના આ ખેલાડીએ ભારત એ તરફથી રમતમાં ઇંગ્લેન્ડ લાયન્સ સામે પાંચ વિકેટ ઝડપી ટીમને જીત અપાવવામં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેનો તેને લાભ મળી હતી.કુલદીપ યાદવને ટી-20 આરામ અપાયો છે.
બીસીસીઆઈએ પાંચ વન-ડે મેચની સિરીઝ માટે ટીમ જાહેર કરી છે જેમાં પ્રથમ બે વન-ડે માટે અને તે પછી બાકી રહેલી ત્રણ વન-ડે માટે ટીમ જાહેર કરઈ છે. જેમાં પ્રથમ બે વન-ડેની ટીમમાં ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલને સામેલ કરાયો છે. તેને ટી-20 ટીમમાં સામેલ કરાયો નથી જ્યારે બાકીની ત્રણ મેચ માટે ભુવનેશ્વરકુમારને સામેલ કરાયો છે. લેફ્ટ હેન્ડ બોલર ખલીલ એહમદ પસંદગીકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ખલીનને એકેય ટીમમાં સ્થાન અપાયું નથી. ૩ દિનેશ કાર્તિકની વન-ડે ટીમમાંથી હકાલપટ્ટી ટીમમાં જે ખેલાડીઓ પર સૌની નજર હતી તે દિનેશ કાર્તિક અને ઋષભ પંત હતા. વર્લ્ડ કપ પહેલાં ભારતની આ અંતિમ સિરીઝ છે અને આ ટીમને વર્લ્ડ કપની ટીમ તરીકે જોવામાં આવી રહી છે. વન-ડે સિરીઝ માટે જાહેર કરાયેલી ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે મહેન્દ્રસિંહ ધોનીને સામેલ કર્યો છે જ્યારે ઋષભ પંતને બેટિંગ સ્પેશિયાલિસ્ટ તરીકે સમાવાયો છે. પંતને ટી-20 અને વન-ડે બંને ટીમમાં સ્થાન અપાયું છે. કાર્તિકને ટી-20 સિરીઝમાં સામેલ કર્યો છે પરંતુ વન-ડે ટીમમાંથી તેને બહાર કરી દેવાયો છે. ટી-20 માટેની ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, દિનેશ કાર્તિક, ધોની, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, વિજય શંકર, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ, મયંક મર્કન્ડે. પ્રથમ બે વન-ડે માટેની ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, ધોની, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, શમી, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, ઋષભ પંત. સિદ્ધાર્થ કૌલ, લોકેશ રાહુલ. અંતિમ ત્રણ વન-ડે માટેની ટીમ : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, ધોની, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, શમી, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, ઋષભ પંત, ભુવનેશ્વરકુમાર, લોકેશ રાહુલ.