જૂનાગઢમાં જમીનના દસ્તાવેજના નામે મહિલા સાથે 1.21 કરોડની ઠગાઈ

જૂનાગઢ તા.16
જૂનાગઢની એક મહિલા સહિત બે શખ્સોએ રૂા.60 લાખ પડાવી લીધા બાદ દસ્તાવેજ ન કરી આપી તથા અન્ય એક વ્યક્તિ પાસે પણ અવેજ પહોચી લખી આપી બન્ને શખ્સોએ જૂનાગઢના બે વ્યક્તિઓને સાથે કુલ 1.21 કરોડનો વિશ્ર્વાસઘાત, છેતરપીંડી થઇ હોવાની પોલીસ દફતરે તપાસ નોંધાતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના કાંતિભાઇ રામજીભાઇ નાદપરા તથા નીતાબેન શામજીભાઇ વાછાણીએ તેના જુના સંબંધી ધનસુખભાઇ કુરજીભાઇ ધડુકને વિશ્ર્વાસમાં લઇ શાપુર ગામની એક જમીનનો રૂા.61 લાખમાં સોદો કર્યા બાદ રૂા.60 લાખ લઇ લીધા પછી સાટાખત મુજબ દસ્તાવેજ નહી કરી આપી છેતરપીંડી કર્યાની તથા ધનસુખભાઇના અન્ય એક સાહેદ સામતભાઇ બામડા પાસેથી અવેજની પહોંચ લખી આપી રૂા.1.21 કરોડની છેતરપીંડી વિશ્ર્વાસઘાત થયાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
વકીલ પર હુમલો
જૂનાગઢમાં ગઇકાલે સાંજના સવા છ વાગ્યાના અરસામાં તળાવ દરવાજા ફાટક પાસે ટ્રાફીક બ્રીગેડીયર દિલાવર જુસબભાઇ હાલ ફરજ પર હતા અને ટ્રાફીક વધુ હોવાથી મોટરસાયકલ રોકાવતા મોટરસાયકલ ચાલક નીતેષભાઇ પેથાણી વકીલે હું વકીલ છું તેમ કહી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
સામાપક્ષે નિતેષભાઇ પેથાણી મોટરસાયકલ લઇને જતાં હતાં ત્યારે ત્રણ ટ્રાફીક બ્રિગેડના અજાણ્યા માણસોએ મોટરસાયકલ રોકાવી, મોટરસાયકલની ચાવી બંધ કરી દીધેલ અને કાઠલો પકડી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હોવાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.