પોપટપરા પાસે સમાધાન માટે બોલાવી ભડાકા કરનાર 4 સામે આર્મ્સ અને હત્યાની કોશિષનો ગુનો નોંધાયો

રાજકોટ તા.14
શહેરના ભીસ્તીવાડમાં રહેતા ભીસ્તીવાડના સંધી ભાઇઓ અને મિત્રો સહીતનાઓ દસ દિવસ પૂર્વેના ડખ્ખાના સમાધાન માટે જતા હતા ત્યારે મંગળવારે મોડી રાત્રે બે એકટીવા પર આવેલા ચાર શખ્સો પૈકી એક શખ્સે કારના કાચ પર એક રાઉન્ડ ફાયરીંગ કરી નાસી જવા અંગે કુખ્યાત સહીત ચાર શખ્સો સામે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.
શહેરના ભીસ્તીવાડમાં રહેતા અને ઘર નજીક જ સર્વિસ સ્ટેશન ચલાવતા મુસ્તુફા અકબરભાઇ ખિયાણી નામના સંધી યુવાને પ્રનગર પોલીસ સ્ટેશનમાં પોપટપરાના કુખ્યાત અનીશ ઉર્ફે કકૂડો ગોળી, અકીલ ગોલી, તનુડો અને અબજલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દસેક દિવસ પૂર્વે તેના મોટાભાઈ વસીમને અનીસ અને અકીલે છરી દેખાડી મારવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ વસીમ ડરીને ભાગી ગયો હતો આ અંગે ફરિયાદી ભાઈને જાણ કરતા અનીશ અને અકીલ સાથે સમાધાન માટે વાતચીત કરવા જવાનું હોય મંગળવારે રાત્રે જીજે3એફબી-963 નંબરની ફોચ્ર્યુનર કાર લઈને ફરિયાદી મુસ્તુફાભાઈ, તેનો મોટોભાઈ વસીમ, મિરહાઝ, સુનિલ, ધવલ સહિતનાઓ પરસાણાનગરમાંથી પોપટપરા તરફ જતા હતા ત્યારે પોપટપરા નાલા પાસે પહોંચતા જ બે એક્ટીવામાં ચાર શખ્સો સામેથી આવ્યા હતા અને ઓવરટેક કરી એક્ટિવામાં બેઠેલા અનીશ ગોળીએ એક રાઉન્ડ ફાયરિંગ કરતા દરવાજામાં ગોળી લાગતા કાચ ફૂટી ગયો હતો જેથી આ લોકોથી બચવા ગાડી ભગાવતા અન્ય એક્ટીવામાં બેઠેલા બે શખ્સોએ કાર આડું એક્ટીવા નાખ્યું હતું તેમ છતાં જેમ તેમ કરીને ગાડી ભગાવી જંક્શન પોલીસ ચોકી પાસે આવી ગાડી ઉભી રાખી કંટ્રોલને જાણ કરી હતી જેથી પ્રનગર પોલીસ કાફલો દોડી આવ્યો હતો હાલ પોલીસે ચારેય સામે આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિષ અંગે ગુનો નોંધી ચારેયની શોધખોળ હાથ ધરી છે.
શહેરમાં અગાઉ ભૂમાફિયાઓની ગેંગવોર શરુ થઇ હતી જેને ડામવામાં પોલીસને મહદઅંશે સફળતા પ્રાપ્ત થઇ છે ત્યાં હવે ફરીથી પોપટપરા અને ભીસ્તીવાડના શખ્સોની ગેંગવોર શરુ થતા આ ટોળકી પોલીસ માટે માથાના દુખાવારૂપ બની ગઈ છે રૈયા રોડ ઉપર હુમલો કરનાર ભીસ્તીવાડનો વસીમ હજુ વોન્ટેડ છે ત્યાં વધુ એક ફાયરિંગની ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.