19મીએ સૌરાષ્ટ્રઝોનના કર્મચારીઓની રાજકોટમાં રેલી

  • 19મીએ સૌરાષ્ટ્રઝોનના કર્મચારીઓની રાજકોટમાં રેલી

ઉત્સવ-મેળામાં બેફામ ખર્ચા કરતી સરકાર કર્મચારીઓના નાણકીય લાભ અટકાવે છે રાજકોટ તા.14
કર્મચારીઓના હિતોને ટલ્લે ચઢાવી રહેલી ગુજરાત સરકાર સામે હવે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું છે. રાજ્ય સરકારના વિવિધ ખાતાઓના કર્મચારીઓના સંગઠનની એકતા મંચ જેવી કર્મચારી સંકલન સમિતિએ આ આંદોલનના ભાગરૂપે રાજકોટમાં આગામી તા. 19 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર ઝોનની રેલીનું આયોજન કર્યું છે.
મેળા અને ઉત્સવોમાં બેફામ ખર્ચ કરતી ગુજરાત સરકાર જ્યારે, કર્મચારીઓના નાણાકીય હિતની વાત આવે ત્યારે ગલ્લાંતલ્લાં કરે છે. પોતાના ધારાસભ્યોને પગાર વધારવા હોય ત્યારે, બધા એક થઇને વધારો લઇ છે. તો કર્મચારીઓને તેના હક્કના પૈસા આપવામાં આવતા નથી. રાજ્ય સરકારની કરોડરજ્જુ સમાન કર્મચારીઓ સરકારી ફરજ દિનરાત પૂરી ઇમાનદારીથી બજાવે છે. છતાં, તેના હક્કના નાણાં આપવામાં રાજ્ય સરકાર પાછી પાની કરી રહી છે. ત્યારે, તેની સામે હવે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આંદોલન કરવાનો નિર્ધાર કરી લીધો છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓ જોઇએ તો કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી લાભો જેવા કે, ઘર ભાડા ભથ્થુ, વાહન ભથ્થુ, રૂ. દસ લાખની મર્યાદામાં મેડીક્લેમ પોલીસી, સીએલએ, વય નિવૃત્તિ મર્યાદા 58થી વધારીને 60 વર્ષ કરવી. ફિક્સ પગારના કર્મચારીઓને ભરતીની તારીખથી અને વર્ષ 2006માં પહેલાના કર્મચારીઓને પૂરા પગાર સહિતના લાભો આપવા.
અનુદાનિત શાળાઓના શિક્ષકોની નોકરી સળંગ ગણવી અને ફાજલની નવી કાયમી નીતિ અપનાવવી. કેન્દ્ર સરકાર અને ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની જેમ 10-20-30 પગાર મર્યાદા સિવાય ઉચ્ચત્તર પગારનો લાભ તમામને આપવો. કર્મચારીઓને 50 વર્ષ વય બાદ તમામ ખાતાકીય, પૂર્વ સેવા, સીસીસીની પરીક્ષામાંથી મુક્તિ આપવી. જરૂર જણાય તો તાલીમ જ આપવી, આવા કર્મચારીઓના કોઇ પણ લાભો અટકાવવા નહીં.
જૂની પેન્શન યોજના ચાલું કરવાની માંગણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, પંચાયત, બોર્ડ નિગમ, વર્કચાર્જ, રોજમદાર તથા બાકી તમામ કર્મચારીઓને સાતમા પગાર પંચના તફાવતના લાભો આપવા અને તેમને રાજ્ય સરકારના કર્મચારી ગણવા. આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરવી. વર્ગ 3 અને 4માં ભરતી ચાલું કરવી. કરાર આધારિત કર્મચારીઓને ત્રણ વર્ષ બાદ નિયમિત નિમણૂંક આપવી. ફરજ દરમિયાન અવસાન પામતા કર્મચારીના વારસદારને ત્રણ માસમાં જ પૂરા પગારમાં નોકરી આપવી.
ઉક્ત માગણી સાથે સંકલન સમિતિ દ્વારા તા. 19 ને મંગળવારે બપોરે દોઢ વાગ્યે જિલ્લા પંચાયતથી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની રાજકોટ ખાતે મળેલી બેઠકમાં ઉક્ત રેલીનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહામંડળના ચેરમેન વિષ્ણુભાઇ પટેલ, આર. એચ. પટેલ, સંજય પટેલ, વિવિધ યુનિયનોના પ્રતિનિધીઓ સર્વ ડી. આર. દેવમુરારી, પ્રદ્યુમ્નસિંહ, વિશાલભાઇ, ડઢાણિયા, બહાદૂરસિંહ ઝાલા, બાબુલાલ ખાંડેખા, યોગેશભાઇ ભટ્ટી, કે. સી. સરતેજા, સૂર્યકાંત રાઠોડ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.