ટિપરવાન પોઈન્ટ મિસ કરશે તો ઓનલાઈન પેનલ્ટી

શહેરીજનોની ફરિયાદો અને સ્વચ્છતામાં ગતિ લાવવા કરાતો નિર્ણય રાજકોટ તા,14
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે શહેરમા 397 ટીપરવાન ફાળવવામાં આવી છે. દરેક ટીપરવાનને વોર્ડ વાઈઝ પોઈન્ટની ફાળવણી કરાઈ છે. છતા લોકો દ્વારા અનેક વખત ફરીયાદો ઉઠવા પામી છે કે ટીપરવાન સમયસર આવતી નથી અથવા આવતી જ નથી. આથી મનપા દ્વારા સોફ્ટવેરમા અપગ્રેડ કરી આજથી ટીપરવાન એકપણ પોઈન્ટ મીસ કરશે તો એજન્સીને રૂા.10 હજારની પેનલ્ટી ઓનલાઈન ફટકારવાનો નિર્ણય લીધો છે.
શહેરમાં કાર્યરત તમામ ટીપરવાનમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરવામાં આવી છે. આ સીસ્ટમ અંતર્ગત નાનામવા સર્કલ ખાતે આવેલ કમાન એન્ડ ક્ધટ્રોલ સેન્ટરમાં 24 કલાક મોનીટરીંગ કરવામાં આવે છે. દરેક ટીપરવાન પોતાના વિસ્તારમાં સમયસર જાય છે કે નહીં તેનો રીપોર્ટ તૈયાર થતો હોય છે. છતા અનેક વિસ્તારોમાં ટીપરવાન નહીં આવતી હોવાની ફરિયાદોના પગલે કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ ખાતે રીપોર્ટ ઉપર નજર રાખનાર અધિકારીઓની ચૂક સામે આવ્યા બાદ મનપાએ સોફ્ટવેરમાં અપગ્રેડ કરી હવેથી ટીપરવાનની ગેરહાજરીની નોંધ મશીન દ્વારા લેવાશે અને આ બાબતે મશીન દ્વારા આપોઆપ પેનલ્ટી ફટકારવામાં આવશે.
મનપાના પર્યાવરણ વિભાગના જણાવ્યા મુજબ દરેક ટીપરવાનને વિસ્તારમાં 25 પોઈન્ટની ફાળવણી કરવામાં આવી છે. અને દરેક પોઈન્ટની હાજરી કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર ખાતે નોંધવામાં આવે છે. આથી હવે પછી એક પણ પોઈન્ટ ટીપરવાન મીસ કરશે ત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે રાખવામાં આવેલ કોમ્પ્યુટર દ્વારા આપોઆપ એજન્સીને દંડ કરી દેવાશે. તેવી જ રીતે ટીપરવાનમાં ફીટ કરવામાં આવેલ જીપીએસ સીસ્ટમ બંધ થશે તેની તો તેની જાણકારી તાત્કાલીક કમાન્ડ એન્ડ ક્ધટ્રોલને કરવાની રહેશે. નહીંતર મશીન દ્વારા આ બાબતે પણ એજન્સીને આપોઆપ પેનલ્ટી ફટકારાય જશે. આમ મહાનગરપાલીકાએ અધિકારીઓ ઉપર ભરોસો મુકવાના બદલે મશીન ઉપર ભરોસો મુકી સ્વચ્છતા બાબતે બેદરકારી દાખવનાર એજન્સીને આપોઆપ પેનલ્ટી ફટકારવાની નવી સીસ્ટમ શરુ કરી છે.