અછતની આફતને અવસરમાં પલટી નાખશે જળઅભિયાન: ડો.બોઘરા

રાજકોટ તા.14
ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા અપૂરતા વરસાદ અને ખાસ કરીને સૌરાષ્ટમાં પ્રવર્તતી દૂષ્કાળ જેવી આફતને અવસરમાં પલ્ટી નાખવા ગુજરાત સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ડેમ અને તળાવો ઉંડા ઉતારવાનુ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. આ અભિયાનનો આવતીકાલે શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે તરણેતરથી પ્રારંભ કરવામાં આવશે તેમ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું.
ગુજરાત મિરરની શુભેચ્છા મુલાકાતે આવેલા સરદાર પટેલ જળસંચય યોજના કાર્યાન્વયન સમિતિના અધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ફરી વરસાદ ઓછો પડતા ખાલી થયેલા જળાશયોમાંથી કાંપ કાઢી વરસાદનાં ટીપેટીપાનો જળાશયોમાં સંગ્રહ થાય અને હરિયાળી ક્રાંતિ સર્જાય તે માટે જળસંચય અભિયાનરૂપી આંદોલન ઉપાડવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, લોકોની અને સંસ્થાઓ તથા ઉદ્યોગપતિ દાતાઓની મદદથી જળાશયો-તળાવો ઉંડા ઉતારવાના આ અભિયાન થકી લાખો ટન માટી કાઢી જળાશયોની સંગ્રહશક્તિ વધારવાનું ભગીરથ આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે સવારે 9 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લામના થાનગઢ ખાતે આવેલા તરણેતરના મેળાના સ્થળેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ અભિયાનનો પ્રાંરભ કરાવનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે ખુદ ડો. ભરતભાઇ બોઘરા ઉપસ્થિત રહેનાર છે.
ડો. બોઘરાએ જણાવ્યું હતું કે, જળસંચયનો વ્યાપ વધે તે પ્રકારે રાજયના તમામ જિલ્લાઓમાં જળસંચયના કામો હાથ ધરવામાં આવશે. જેમાં હયાત તળાવો ઉંડા ઉતારવા, નદી-ચેકડેમોનુ ડીસીલ્ટીંગ, નુકશાની પામેલા ચેકડેમોના રીપેરીંગ, તળાવોના વેસ્ટ વીયરના રીપેરીંગ, નદીઓના કાંઠે વૃક્ષારોપણ અને ગાંડાબાવળ દૂર કરવા જેવા કામોનો સમાવેશ થાય છે.
આ અભિયાન અંતર્ગત ડીસીલ્ટીંગને લગતી કામગીરી સ્વૈચ્છીક સંસ્થાઓલ, ઉદ્યોગગૃહો, સરકારના જાહેરસાહસો, માર્કેટીંગ ચાર્ડ, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી હાથ ધરાશે જ્યારે ટેરેસ/વનતલાવડી, તળાવોના વેસ્ટવીયર રીપેરીંગ, ચેકડેમોના રિપેરીંગ, નદી પુન:જીવીત કરવાની કામગીરી સબંધિત વિભાગો દ્વારા કરાશે. નદીકાંઠે વૃક્ષારોપણ, ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીર સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, માર્કેટયાર્ડો, ધાર્મિક સંસ્થાઓના સહયોયથી કરવામાં આવનાર છે.
આ અભિયાન હેઠળ ખોદાણકામમાંથી મળતી માટી ખેતરો કે, સરકારી કામોમાં વાપરવાની રહેશે અને તે માટે કોઇ રોયલ્ટી ચુકવવાની રહેશે નહીં.
આ કામો માટે જે-તે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સબંધિત વિભાગના જિલ્લાકક્ષાના અધિકારીઓની અમલીકરણ સમિતિ કાર્યરત કરવામાં આવી છે તેમ અંતમાં ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું આ મુલાકાત દરમ્યાન ડો.બોઘરા સાથે ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ પણ હાજર રહ્યા હતા.