વેલેન્ટાઈન-ડેના દિવસે પ્રભુ સાથે પ્રીતથી જોડાયા 8 મુમુક્ષુઓ

રાજકોટ તા,14
દીક્ષા દાનેશ્ર્વરી પૂ.આચાર્ય ગુણરત્નસૂરી મ.સા. આ. રવિરત્નસૂરી મ.સા., આ.રશ્મિરત્ન સૂરી મ.સા., આ.સંયમરત્નસૂરી મ.સા., આ. મુનિ રત્નસૂરી મ.સા., આદિ 300 સાધુ-સાધ્વીજી મ.ની શુભ નિશ્રામાં કૈલાશનગર જૈન સંઘમાં દીક્ષા દાનેશ્ર્વરી પૂ.આચાર્ય ગુણરત્નસૂરીજી મ.સા., 8-8 મુમુક્ષુઓને સૂરીમંત્રનો મંત્ર બોલીને એક પછી એક એમ આઠે મુમુક્ષુઓને રજોહરણ - ઓઘો અર્પણ કર્યું ત્યારે આઠે આઠ મુમુક્ષુઓ ભાવપૂર્વક પ્રભુ સમક્ષ મન મૂકીને નાચી ઉઠ્યા, જેમ પક્ષી પિંજરામાંથી છુટીને ગગન તરફ પ્રયાણ કરે, કેદી જેલમાંથી છુટી આનંદ માણી ઘરે પહોંચે તેમ આઠે આઠ દીક્ષાર્થીઓને રજોહરણ મળતાં જ સ્વ આત્મામાં આનંદ માણ્યો.
ત્યારે મંડપમાં રહેલા સુરત શહેરના અને બહારગામથી પધારેલા હજારો નર નારીઓએ હર્ષના આંસુ સહિત આનંદ માણ્યો.
ત્યાર પછી આઠે નૂતન દીક્ષાર્થીઓ ચંદનબાળા સાધ્વીજીનો વેશ ધારણ કરીને રંગ મંડપમાં પધાર્યા ત્યારે હજારો લોકોએ તાળીઓના ગડગડાટથી સંયમ ધર્મના નારા બોલતા બોલતા આઠે દીક્ષાર્થીઓને સન્માનપૂર્વક ભાવથી અક્ષતથી વધાવ્યા તે સમયનું વાતાવરણ દેવોને પણ દુર્લભ જેવું લાગ્યું.
પછી વેશ પરિવર્તન કરી આવેલ આઠે સાધ્વીજી ભગવંતોને સાધુ ધર્મની ક્રિયા કરાવીને કેશ લુંચનની વિધિ કરી કેશ લુંચન એટલે માથાના મધ્ય ભાગે રહેલ વાળ લેવાની વિધિ. તે વાળ દિક્ષાર્થીઓના સ્નેહીઓને આપવામાં આવ્યા અને પૂજય આચાર્ય ભગવંતે મુમુક્ષુઓને સંયમ જીવનના નવા નામોથી નવાજ્યા ત્યારે પૂ. આચાર્ય ગુણરત્નસુરીજી, આ.રવિરત્નસૂરીજી, આ.રશ્મિરત્નસૂરીજીએ નવ દીક્ષીતોને હિતશિક્ષા ફરમાવતાં જણાવ્યું કે સંયમમાં વપરાશના પાત્રા, તરપણી, આદિ ઉપકરણો ફેરફાર થઇ શકશે પણ નૂતન દીક્ષીતોના નામ અમર રહેશે. સુરત શહેરની દીક્ષા નગરીમાં આ દીક્ષા મહોત્સવ ચિર સ્મરણીય બની રહેશે.