PUBG નહીં પુસ્તકને અપનાવો, પુસ્તક વિનાનું ઘર અધૂરું : શિક્ષણમંત્રી ચુડાસમા

રાજકોટ તા,14
તારીખ 9થી 13 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલ સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલનો ગતકાલ સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. પાંચ દિવસના આ ભવ્યાતિભવ્ય સાહિત્યોત્સવમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રે પોતાના સાંસ્કૃતિક વારસાને ફરી વિશ્ર્વફલક પર પહોંચાડ્યો એમ કહી શકાય. સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશની ઝાંખી કરાવતું કેન્વાસ પેઈન્ટિંગ, સારસ્વત સાહિત્યકારોના ચિત્રો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન હેઠળ પાઠવેલો સંદેશ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા.
પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈ), ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કાયક્રમ અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્ય તથા મુખ્ય મહેમાનો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, પ્રોફેસર ડો.વિજયભાઈ દેશાણી, પ્રો.નિલાંબરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન મેહુલ દવેના હસ્તકે થયું હતું. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આવું ભવ્ય આયોજન કરવા માટે સૌરાષ્ટ્ર યુનિ. અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન આપવા ઘટે. સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણીએ તમામ કમિટી મેમ્બર્સની ટીમનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે રાજકોટ ફકત ચિત્રનગરી નહી પરંતુ ચરિત્રનગરી પણ છે એ વાત અમને આ બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાંથી શીખવા મળી છે. સૌરાષ્ટ્રની જનતાને તેમણે ખરા હૃદયથી ધન્યવાદ કહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે પાંચેય દિવસ અહીં જ્ઞાનપિપાસુ લોકોએ મુલાકાત લીધી છે.
સર્જન વર્કશોપ, શબ્દ-સંવાદ, તરવરાટ સાહિત્ય સંધ્યા જેવા કાર્યક્રમોએ લોકોને ખૂબ માર્ગદર્શન પુરુ પાડ્યું. પૂ.ભાઈશ્રીના આશીર્વચન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ.
સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલને સફળ બનાવવા માટે કુલ 90થી પણ વધારે આર.પટેલ, એન.એમ.આરદેશણા, અમિત ચોલેરા, કે.બી.ઉનાવા, ડો.વિજય દેશાણી, પ્રકાશ દુધરેજિયા, નિલેશ સોની, હિરેન ધેલાણી, આર.જી.પરમાર તેમજ અન્ય સભ્યો બી.યુ.જોશી, નવિનભાઈ, ડી.વી.મહેતા, સર્વેશ્ર્વર ચૌહાણ, ડો.કલ્પિતભાઈ સંઘવી, જતિન સંઘાણી, શૈલેષ જાની, રાજેશભાઈ કાલરિયા, આશિષ વ્યાસ, કે.ડી.હાપલિયા, બી.એલ.કાથરોટિયા, એ.બી.ચોલેરા, પી.પી.રાઠોડ, ભગીરથસિંહ માંજરિયા, પાર્થરાજસિંહ કામલિયા, જયભાઈ ટેવાણી, મયુરસિંહ હેરમા, એન.આર.પરમાર, આર.એન.ચુડાસમા, ડી.બી.પંડ્યા, રોહિત મોલિયા, સમિર ધડુક, બી.જે.ઠેબા, એ.એમ.મિત્રા, અશ્ર્વિન રાઠોડ, પરખ ભટ્ટ અને જયેશભાઈ સહિતની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
પાંચ દિવસ દરમિયાન ગુજરાતી સાહિત્ય અને કલાજગત સાથે સંકળાયેલ મહાનુભાવોના વકતવ્યો યોજાયા હતા. સર્જન વર્કશોપમાં હારિતઋષિ પુરોહિત, નિરેશ ભટ્ટ, જ્યોતિ ઉનડકટ, કૃષ્ણકાંત ઉનડકટ, કિન્નરભાઈ આચાર્ય, જીજ્ઞેશ અધ્યારુ, જયદીપ પરીખ, અજય ઉમટ, કાના બાંટવા, દીપક રાજાણી, સંજુ વાળા અને મણિલાલ હ.પટેલના વકતવ્યો યોજાયા હતા. શબ્દ સંવાદ કાર્યક્રમમાં સુભાષ ભટ્ટ, કૌશિક મહેતા, રામેશ્ર્વરદાસ હરિયાણ, દ્રષ્ટિ પટેલ, રોહિતભાઈ વઢવાણા, પૂ.નિખિલેશ્ર્વર સ્વામી, દેવેન્દ્ર જાની, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, જય વસાવડા, શૈલેષ સગપરિયા, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, વી.એસ.ગઢવીએ શ્રોતામિત્રો સાથે સંવાદ સાધ્યો હતો.
તરવરાટ સાહિત્ય સંધ્યામાં કાજલ ઓઝા વૈદ્ય, સાંઈરામ દવે, અંકિત ત્રિવેદી, પૂ.અપૂર્વમુનિ સ્વામી, ડો.શરદ ઠાકર, જ્વલંત છાયા, જગદીશ ત્રિવેદી, શાહબુદ્દીન રાઠોડ, પૂ.જ્ઞાનવત્સલ સ્વામી, જય વસાવડા અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહી. નવયુવાનો માટે ખાસ આયોજિત થયેલ ભાષાના ભવિષ્ય કાર્યક્રમમાં તંવી ગાદોયા, હિરેન વાછાણી, પરખ ભટ્ટ, રામ મોરી, નેહલ બક્ષી, મિતાઈ શુકલ, પાર્થ તારપરા, લિપિ ઓઝા, રાજ જાવિયા અને મંથન જોશીના વકતવ્યો યોજવામાં આવ્યા હતા.
એ ઉપરાંતના અન્ય આકષણોમાં ટેબલો, મેસ્કોટ, કિડ્સ ફેસ્ટિવલ, તરતો સ્ટોલ, ગિફટ-અ-બુક, પુસ્તક પરબનો સમાવેશ થાય છે. પાંચ દિવસ સુધી સતત સ્વામી વિવેકાનંદ અને વીર સાવરકરની વેશભૂષામાં રહેલ મનિષ અને મયુર બોરડા સાથે પણ લોકોએ ખુબ વાતો કરી, દેશ-વિદેશના નામી પ્રકાશકોએ પણ અત્યંત ઉત્સાહભેર સમગ્ર આયોજનમાં ભાગ લીધો. શહેર કમિશ્નર બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર, મનોજ અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય તરફથી સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિલ માટે મળેલા હકારાત્મક અભિગમને પરિણામે જ સમગ્ર આયોજન સફળ થવા પામ્યુ છે.