લાગણીની દરેક બોટલ પર એક્સપાયરી ડેટ લખાયેલી જ હોય છે- પૂ.નમ્રમુનિ મ.સા.

  • લાગણીની દરેક બોટલ પર એક્સપાયરી ડેટ લખાયેલી જ હોય છે- પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટ તા.14
ભાન ભૂલીને રઝળી રહેલાં અનેક અનેક ભવ્ય જીવોને સંસારનું એટેચમેન્ટ છોડાવી આત્મભાનનું કલ્યાણ કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટ નગરથી વિહાર કરીને જામનગરના શ્રી પારસધામ સંઘમાં પધારતાં સર્વત્ર આનંદ-ઉત્સાહ અને ભક્તિ-ભાવની લહેર પ્રસરાઈ ગઈ હતી.
ત્રણ વર્ષના લાંબા સમય બાદ પારસધામમાં મંગલ પધરામણી કરી રહેલાં પૂજ્ય ગુરુ ભગવંતને વધાવવા સ્વાગત શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી.
રાષ્ટ્રસંત પૂજ્યશ્રીની જામનગરમાં સ્થિરતા દરમ્યાન વિશેષરૂપે ત્રિદિવસીય આત્મશુદ્ધિ શિબિર આયોજીત કરવામાં આવી છે. શિબિરના પ્રથમ દિવસે ઉપસ્થિત સેંકડો ભાવિકોને આત્મશુદ્ધિના પ્રથમ પગથિયા સ્વરૂપ એટેચમેન્ટ લેસ બનવાનું કલ્યાણકારી બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ સમજાવ્યું હતું કે, ભૂતકાળમાં જે સાથે હતું નહીં અને ભવિષ્યકાળમાં છે રહેવાનું નથી એના માટે એટેચમેન્ટ રાખવું તે માત્ર ને માત્ર મૂર્ખતા હોય છે. એટેચમેન્ટના કારણે હંમેશા મારાપણાનો અધિકાર ભાવ આવતો હોય છે. એટેચમેન્ટ હંમેશા અશાંતિનું કારણ બનતું હોય છે. કેમકે જ્યાં મારાપણું છે ત્યાં માત્ર અશાંતિ અને અસમાધિ હોય છે. પરંતુ પરમાત્મા કહે છે કે, કોઈપણ વસ્તુની જ્યારે રિઆલિટી ખબર પડી જાય, એનો અંત દેખાઈ જાય ત્યારે એટેચમેન્ટ શૂન્ય બની જતું હોય છે. પ્રભુ કહે છે કે, કોઈના પ્રત્યેની લાગણી ક્યારેય કાયમ નથી હોતી, લાગણીની દરેક બોટલ પર એક્સપાયરી ડેટ લખાયેલી જ હોય છે. આ સત્ય જેને એકવાર અંદરથી સમજાઈ જાય છે તે સદાને માટે સુખી બની જતા હોય છે.
એટેચમેન્ટને તોડવાનો ઉપાય એટેચમેન્ટ હોય છે. રાગને તોડવાનો ઉપાય રાગ હોય છે. જ્યારે ગુરુ-પરમાત્મા પ્રત્યેનું એટેચમેન્ટ જાગૃત થઈ જાય છે ત્યારે ઑટોમેટીકલી બીજા બધાં જ એટેચમેન્ટ તૂટી જતાં હોય છે. જેના જ્ઞિજ્ઞતિં ગુરુ સાથે કનેક્ટેડ હોય છે તેવા આત્માઓનો હરહંમેશા વિકાસ થતો હોય છે. આપણે હંમેશા સુખ અને અનુકૂળતા મેળવવાનો પ્રયત્ન કરતાં રહ્યાં છીએ પરંતુ પ્રભુએ સત્ય પામવાનો પ્રયત્ન કર્યો.
આ અવસરે 14 વર્ષના લાંબા સમય બાદ જામનગરની ધરા પર વિરલપ્રજ્ઞા પૂજ્યશ્રી વિરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા 4ની પધરામણી થતાં સહુ અહોભાવિત થયાં હતાં. અંતમાં, મળેલાં આ મનુષ્યભવને સત્યની ખોજના ભવ તરીકે ઓળખાવીને રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ ઉપસ્થિત ભાવિકોની અંતરદ્રષ્ટિમાં અજવાળા પાથરી પ્રવચન સમાપન કરવામાં આવ્યું હતું.