ભારત એ ઇન્ડિપેન્ડેન્ટ ઈકોનોમી: ડો.શ્રીનિવાસ

KSPC દ્વારા ઉત્પાદકતા સપ્તાહ ઉજવણી અંતર્ગત પ્રવચન યોજાયું
રાજકોટ તા,14
કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી કાઉન્સીલ, રાજકોટ દર વર્ષે 12 ફેબ્રુઆરીથી શરુ કરી 18 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ ઉજવે છે. આ વર્ષે દેશભરમાં સરક્યુલર ઈકોનોમી ફોર પ્રોડક્ટીવીટી એન્ડ સસ્ટેનેબીલીટી થીમ આધારીત ઉત્પાદકતા સપ્તાહ ઉજવાઇ રહ્યું છે. આ સંદર્ભમાં કેએસપીસી, રાજકોટ દ્વારા ઉત્પાદકતા દિવસ ઉદઘાટન સમારોહ અંતર્ગત બીએસઈ બ્રોકર્સ ફોરમ, મુંબઇના ચીફ ઈકોનોમીસ્ટ ડો. આદિત્ય શ્રીનિવાસનો સરક્યુલર ઈકોનોમી ફોર પ્રોડક્ટીવીટી એન્ડ સસ્ટેનેબીલીટી વિષયે એક રસપ્રદ વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના અધ્યક્ષ સ્થાને આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ગવર્નીગ બોડીના સભ્યો ડો.જયોતિન્દ્ર જાનીએ કાર્યક્રમની પ્રાથમિક ભુમિકા આપી. કાર્યક્રમના અધ્યક્ષ હસુભાઇ દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં ઉત્પાદકતા દિવસ તથા ઉત્પાદકતા સપ્તાહની ઉજવણીનું મહત્વ સમજાવતા જણાવેલ હતું કે કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી કાઉન્સીલ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો માટે ઉત્પાદકતા વધારવા માટે હમેશા પ્રયત્નશીલ રહી છે. ઉદ્યોગોમાં દરેક જગ્યાએ આપણને પ્રોડક્ટીવીટીનો અનુભવ ઔદ્યોગીક એકમોમાં સમયાંતરે ઈનોવેશન લાવવું જરૂરી છે.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. આદિત્ય શ્રીનિવાસે જણાવેલ હતું કે છેલ્લા 15 વર્ષમા ભારતનો આર્થિક વિકાસ દર 7.5 ટકા રહ્યો છે. જયારે વિશ્ર્વનો આર્થિક વિકાસ દર 2.5 ટકા થી 3 ટકા રહ્યો છે. વર્લ્ડ બેન્ક રીપોર્ટ અનુસાર 2019/20 અને21માં ભારતનો વિકાસ દર 7.5 થી 7.8 ની વચે અને વૈશ્ર્વિક વિકાસ દર 3.6 ટકા રહેશે. યુ.એસ., યુરો, ચાઈના અને જાપાન આ ચાર અર્થતંત્રો વિશ્ર્વનું 61 ટકા જીડીપી કંટ્રોલ કરે છે. છેલ્લા 15 વર્ષમા વિશ્ર્વમાં આવેલી આર્થિક કટોકટી સમયે ભારતનું અર્થતંત્ર મજબુત રહ્યું છે. વિદેશી કંપનીઓ ભારતમા રોકાણ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્ર્વના 189 દેશોમા ભારતમા 70 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયના છે. જેનાથી જીડીપીમાં વૃધ્ધી થવાની શક્યતા વધારે છે. ભારતમાં દર વર્ષેે 1 કરોડ ગ્રેજયુએટ જોબ માર્કેટ જોઈન કરે છે. ભારત એ ઈન્ડીપેન્ડેન્ટ ઈકોનોમી છે. ભારતની બચત દર જીડીપીના 27 ટકા છે. આ કારણોથી વૈશ્ર્વિક આર્થિક મંદી આપણા અર્થતંત્રને અસર કરી શકતી નથી. તેથી જ વિશ્ર્વના અન્ય અર્થતંત્રો કરતા આપણી પ્રોડક્ટીવીટી વધુ સારી છે.
કાર્યક્રમને અંતે આભાર દર્શન કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી. પચમીયાએ કરેલ હતું. આ કાર્યક્રમમાં કાઉન્સીલના કોષાધ્યક્ષ રામભાઇ એમ. બરછા, ટ્રેનીગ પ્રોગ્રામ કમીટીના કો-ચેરમેન, બી.એસ. માન, ગર્વનીંગ બોડીના સભ્યો, હીરાભાઇ માણેક, દિલીપભાઇ ઠાકર, કીરીટભાઇ વોરા, પરેશભાઇ ગોસાઈ, તન્વી ગાદોયા, વૈશાલી પારેખ તથા કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.