વેલેન્ટાઇન બેબી । રાજકોટમાં આજના દિવસે 30 બાળકોનો સિઝેરિયનથી જન્મ

શહેરમાં સરપ્રાઇઝ લંચ, ડીનર પાર્ટીઓના અનેક આયોજનો: ‘પ્રેમ’ના પર્વની અનોખી ઉજવણી થશે રાજકોટ તા.14
14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. આ દિવસની યુવાહૈયાઓ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ત્યારે હવે પ્રેમના પર્વનો ક્રેઝ દિવસે દિવસે બદલાય રહ્યો છે. આ વર્ષે વેલેન્ટાઇન બેબીનું પ્લાનિંગ વધુ પ્રમાણમાં કરાયું છે. અનેક કપલે વેલેન્ટાઇન બેબીના બર્થ માટે ગાયનેક હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા જ નોંધણી કરાવી દીધી હતી શહેરમાં પ્રેમના પર્વના દિવસે આજે રાત સુધીમાં 30 જેટલા બાળકોનો સિઝેરીયનથી જન્મ થશે. ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરોએ જણાવ્યું હતું કે આજના દિવસે બેબી બર્થના પ્લાન થાય છે પરંતુ તેમાં દિવસની પસંદગી જ ધ્યાને નહી લેતા પેશન્ટ અને મેડીકલને લગતી તમામ બાબતોની ખરાઇ કર્યા બાદ જ બેબી સિઝેરીયન કરાશે. સિઝેરીયન કરવા બાબતના તમામ રિપોર્ટની ચકાસણી અને બેબીની મેચ્યોરીટી સહિતના તમામ પાસાની ચકાસણી કરાયા બાદ જ સિઝેરીયન પ્લાન કરવામાં આવશે. કપલો આજના દિવસને વધારે મહત્વ આપી રહ્યા હોવાથી સિઝેરીયનનાં પ્લાનિંગ થયા છે. આ તારીખને યાદગાર બનાવવા બેબીનો જન્મ થાય તેવી ઇચ્છાથી કપલોએ અગાઉથી પ્લાનિંગ કરાવ્યું હતું.
આ વર્ષે પણ યુવાઓનો મિજાજ ઉજવણીના બદલે સેવા કાર્યો તરફ વળ્યો છે. ચોકલેટ, ગુલાબ, ગિફ્ટ અને કેક કાપવા માટે થનારા ખર્ચને સામાજિક કાર્યોમાં વાપરવાનો ટ્રેન્ડ વધ્યો છે. કેટલીક કોલેજના સ્ટુડન્ટોએ ભેગાં મળીને વેલેન્ટાઇન ડે પાછળ બિનજરૂરી ખર્ચ કરવાના બદલે આજે ગરીબોને ભોજન કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરીને ડેની ઉજવણી કરવાનું નક્કી
કર્યું છે. શહેરનું મોટા ભાગનું યુવાધન વેલેન્ટાઈન ડેની ખરીદી અને આયોજનમાં વ્યસ્ત બન્યું છે. શહેરમાં આવેલી મોટાભાગની ગિફ્ટની દુકાનમાં વિવિધ વરાઈટીની ગિફ્ટ તેમજ કાર્ડનો સ્ટોક ઉપલબ્ધ છે. શહેરનાં વિવિધ થીએટરમાં બુકિંગ શરૂ થઈ ગયાં છે. સરપ્રાઇઝ ગિફ્ટ, સરપ્રાઇઝ પાર્ટી, સરપ્રાઇઝ લંચ, ડિનર એરેન્જ થઇ ચૂક્યાં છે. હાર્ટ શેપમાં સ્પેશિયલ કપ કેક, પેસ્ટ્રી, આઈ લવ યુ ચોકલેટ વગેરે જુદી જુદી ફ્લેવર્સ સાથે બેકરી શોપમાં ગોઠવાઈ ગયાં છે. આજના દિવસે લગ્ન પણ મોટા પ્રમાણમાં યોજાયા છે, જેમાં વેલેન્ટાઇન્સ સ્પેશિયલ મેરેજ કેક નું પણ કટિંગ કરાશે. વેલેન્ટાઈન ડે પર ગુલાબનું ખાસ મહત્ત્વ છે. સામાન્ય દિવસોમાં નજીવી કિંમતે મળતા ગુલાબ આવતી કાલે રૂ.50થી રૂ.200ના ભાવે વેચાશે, જોકે ચાલુ વર્ષે ટેડીબેર તેમજ ફોટો ફ્રેમ જેવી ગિફ્ટ યુવાઓમાં વધુ પ્રિય રહી છે. બજારમાં વિવિધ વરાઈટીની ચોકલેટ, લવ સોંગ્સ, લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડીબિયર અને ફેન્સી રોઝ તો ખરા કેક શોપમાં વેલેન્ટાઇન્સ કેકના ઓર્ડર બુક થઇ ગયા છે.