સફાઇ કામદારોની કોર્પોરેશનમાં ભારે ધમાલ, કાલે રેલી

લોહીની બોટલ સાથે રજુઆતની મંજૂરી નહીં અપાતા નારેબાજી
 સતત બીજા દિવસે ડે. કમિશનર અને મેયરને રજુઆત
 કાલે તમામ સફાઇ કામદારો ઉતરશે હડતાળ ઉપર, સફાઇ કામગીરી ઠપ
રાજકોટ તા.14
મહાનગરપાલિકાના સફાઇ કામદારોને કાયમી કરવા અને નવા કામદારોની ભરતી કરવા સહિતના પ્રશ્ર્ને વાલ્મિકી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે. જે આજે આક્રમક બન્યુ હતુ. સફાઇ કામદારોએ એકત્રીત કરેલ લોહીની બોટલ તંત્રને આપી રજુઆત કરવાનો પ્રયાસ કરતા તેમને અટકાવવામાં આવતા 200થી વધુ વાલ્મિકી સમાજના આગેવાનો અને કામદારોએ કોર્પોરેશન કચેરીમાં નારેબાજી લગાવી બળજબરીથી મેયર અને ડે.કમિશનરને રજુઆત કરી સાંજ સુધીમાં નિર્ણય નહી આવે તો આવતીકાલે શહેરના તમામ સફાઇ કામદારો હડતાલ ઉપર ઉતરી જશે તેવી ચિમકી આપી હતી. મનપા સફાઇ કામદારોને કોન્ટ્રાક્ટરોના શોષણમાંથી મુક્ત કરવા અને કામદારોને કાયમી કરવા તેમજ નવા સફાઇ કામદારોની ભરતી કરવા સહિતના પ્રશ્ર્ને અખીલ વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા બે દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. ગઇકાલે મ્યુ.નિ. કમિશનર અને મેયરને રજુઆત કર્યા બાદ પ્રશ્ર્નોનો નિવેડો નહી આવતા આજે આંદોલન આક્રમક બન્યુ હતું. વાલ્મિકી સમાજનું આંદોલન આજે ઉગ્ર બન્યુ હતુ અને ઉપવાસ ઉપર બેઠેલા મહિલા અને પુરૂષ સફાઇ કામદારો રોડ ઉપર ઉતરી આવ્યા હતા વહેલી સવારથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ કામદારો એકઠા થવા લાગ્યા જે બપોર સુધીમાં 200થી વધુ કામદારો એકઠા થયા બાદ લોહીથી ભરેલી બોટલ સાથે મ્યુનિ.કમિશનરને રજુઆત કરવાની તૈયારી કરતા તંત્રએ મંજુરી નહી આપતા સફાઇ કામદારોમાં રોષ વ્યાપી ગયો હતો અને નારેબાજી લગાવી કોર્પોરેશનના સંકુલમાં એકઠા થતા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યારે સફાઇ કામદારોએ લોહીની બોટલ સાથે રજુઆત કરવાનો આગ્રહ રાખતા તેઓને કમિશનર વિભાગની જાળી પાસે અટકાવી દેવાતા વાતાવરણ તંગ બની ગયું હતું.
વાલ્મિકી સમાવજના સફાઇ કામદારોને રજુઆત કરતા અટકાવાતા અંતે લોહીની બોટલ આપવાનો આશ્ર્ચર્યજનક કાર્યક્રમ મોકૂફ રાખી અખીલ વાલ્મિકી સમાજના આગેવાનો ડે.કમિશનરને મળી રોષ પૂર્વક રજુઆત કરી હતી. ત્યાર બાદ મેયરને રજુઆત કરી જણાવેલ કે છેલ્લા 25 વર્ષથી મનપાએ સફાઇ કામદારોની કાયમી ભરતી નથી કરી જ્યારે શહેરનો વ્યાપ વધ્યો છે. ત્યારે 3000 કામદારોના વધારો કરવાની તાતી જરૂર છે. છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને લાભ આપવા માટે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર સફાઇ કામદારોની ભરતી કરી મામુલી મહેનતાણું આપી તેમનું વર્ષોથી શોષણ કરવામાં આવી રહ્યું છે. આથી તમામ સફાઇ કામદારોને કાયમી ભરતી કરવામાં આવે તેમ રજુઆતમાં જણાવ્યું હતું.
અખીલ વાલ્મિકી સમાજ દ્વારા આજ રોજ ડે.કમિશનર અને મેયરને રજુઆત કરી જણાવેલ કે અમારી વર્ષો જુની માંગણીનું નીરાકરણ સાંજ સુધીમાં નહી આવેે તો આવતીકાલે શુક્રવારના રોજ આખા શહેરના કાયમી સફાઇ કામદારો એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી સફાઇ કામગીરીથી અળગા રહેશે તેમજ કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર ફરજ બજાવતા 4500થી વધુ સફાઇ કામદારો સફાઇ કામગીરી બંધ કરી સફાઇની કામગીરી ઠપ્પ કરશે.
કોર્પોરશેનમાં સફાઇ કામદારોના ઉગ્ર દેખાવો થતા કાર્યક્રમોમાં વ્યસ્ત મ્યુનિ. કમિશનરે તાત્કાલીક પર્યાવરણ વિભાગના અધિકારીઓને બોલાવી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હડતાલ સમેટવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.