ઇ-ધરા કેન્દ્રમાં મધરાતે કલેક્ટર-ડીડીઓનું ‘ચેકિંગ’

 ડેટા એન્ટ્રી માટે નાયબ મામલતદાર, તલાટીઓ 4 વાગ્યા સુધી
કચેરીમાં રોકાયા: ટીડીઓ-મામલતદારને 10 કોમ્પ્યુટર, 20 ઓપરેટર ફાળવાયા
રાજકોટ તા.14
વડાપ્રધાન કિસાન સહાય યોજનાની ઝડપી કામગીરી માટે જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયાએ જૂની કલેક્ટર કચેરીમાં આવેલ ઇ-ધરા કેન્દ્રની મધરાતે ચેકીંગ કર્યું હતું. બપોરે પણ બંને અધિકારીઓએ મુલાકાત લીધી હતી એક જ દિવસમાં બબ્બે વખત સરપ્રાઇઝ વિઝીટ કરતા કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ખેડૂતોને વડાપ્રધાન કિસાન સહાય યોજના અંતર્ગત 6000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તે માટે રાજકોટ જિલ્લામાં ખેડૂતોના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં મંગળવાર સુધીમાં આઠ હજાર જેટલા ફોર્મની ડેટા એન્ટ્રી કરવામાં આવી હતી ત્યારબાદ આ કામગીરી માટે તલાટીમંત્રી, નાયબ મામલતદાર સહિતના સ્ટાફને રોકવામાં આવ્યો છે. પરંતુ ડેટા એન્ટ્રીની કામગીરી ઓછી થતી હોવાથી તાલુકાવિકાસ અધિકારી અને મામલતદાર કચેરી 10-10 કોમ્પ્યુટર અતને 20 ઓપરેટર ફાળવવામાં આવ્યા છે.
આ ઓપરેટરો બે પાળીમાં ડેટા એન્ટ્રી કરશે. એટલે ગઇકાલે રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 22 હજાર એન્ટ્રીઓ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં કુલ 1.98 લાખ ખેડૂત ખાતેદારો છે તેમાં સાડા ત્રણ લાખ એન્ટ્રી કરવાની થાય છે.
પી.એમ. કિસાન સહાય યોજનાનો પ્રથમ હપ્તો 31 માર્ચ પહેલા ચૂકવી આપવામાં આવનાર છે. તે માટે સરકારી તંત્ર ઉંધા માથે થઇ ગયું છે. સરકારી કચેરીમાં
અન્ય કામગીરી બંધ કરી ઓપરેટરોને ડેટા એન્ટ્રી માટે બેસાડવામાં આવતા અરજદારો પણ હેરાનપરેશાન થઇ ગયા છે.