આજી ડેમ 71 ટકા ભરાતા નર્મદાનીર ઠલવવાનું બંધ

 29 ફૂટની સંગ્રહશક્તિ સામે ડેમ 25 ફૂટ ભરાયો, જુલાઈ સુધીનું પાણી સંગ્રહિત
રાજકોટ તા.14
રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજી ડેમમાં નર્મદા નીર ઠલવવાની કામગીરી 3 જાન્યુઆરીથી શરુ થયેલ છે. સૌની યોજના અંતર્ગત સરકાર પાસે 720 એમસીએફટી પાણીની માગણી કરવામાં આવેલ જે આજ સુધીમાં 750 એમસીએફટી આવી ગયા બાદ ડેમની સપાટી 25 ફૂટે પહોંચતા તા.12થી નર્મદાનીર ઠલવવાનું બંધ કરવામાં આવ્યું છે. જયારે ડેમમાં જુલાઈ માસ સુધીનો પાણીનો જથ્થો સંગ્રહીત થઇ ગયાનું મનપાએ જણાવ્યું હતું.
સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં તા.3 જાન્યુઆરીથી નર્મદા નીર ઠલવવાની શરુ કરવામાં આવ્યું હતું. મચ્છુ ડેમ ખાતે 3 પંપ દ્વારા પાણી ડેમ ખાતે મોકલાઈ રહ્યું હતું. સરકાર પાસે મનપાએ 730 એમસીએફટી પાણીની માગણી કર્યા બાદ આજ સુધીમાં 750 એમસીએફટી પાણી આવી જતા તા.12 થી નર્મદા નીર ઠલવવાનું બંધ કરવામાં આવ્યું છે. આજીડેમની સંગ્રહ શક્તિ 29 ફૂટ છે ત્યારે હાલમાં 24.70 પાણી સંગ્રહીત થઇ ગયું હોવાથી જુલાઈ માસ સુધીનો પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ જતા નર્મદા બંધ કરવામાં આવ્યા છે.
આજી ડેમની સંગ્રહ શક્તિ 933.36 એમસીએફટી છે. જયારે હાલમાં 663.49 એમસીએફટી પાણી સંગ્રહીત થઇ ચુક્યું છે. આજી ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવા માટે દરરોજ ડેમમાંથી 6 એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવતો હોવાથી આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલું પાણી સંગ્રહીત થઇ ગયું છે. 3 જાન્યુઆરીએ નર્મદા નીર ઠલવવાની શરૂઆત કરવામાં આવેલ ત્યારે ડેમમાં 270 એમસીએફટી પાણી હૈયાત હતું ત્યારબાદ લાઈનલોસ અને બાષ્પીભવન સહિતની બાદબાકી કર્યા બાદ 400 એમસીએફટી પાણીની આવક થઇ છે અને ડેમ 71 ટકા ભરાઈ
ચુક્યો હોવાથી નર્મદા નીર
ઠલવવાનુ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલની સપાટી જોતા ચોમાસા સુધી ચાલુ તેટલું પાણી હૈયાત હોય સરકારે નર્મદા નીર ઠલવવાનું બંધ કર્યું છે.