વેલેન્ટાઈન્સ ડેએ 250 છાત્રોએ કરી માતા-પિતાની પૂજા

વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વેલેન્ટાઈન્સ ડેની અનોખી ઉજવણી
 ગાયોને 400 કિલો લાડુ
અને શ્ર્વાનોને રોટલી ખવડાવી પુણ્યનું ભાથું બંધાયું
રાજકોટ તા,14
વેલેન્ટાઈન્સ ડેના નામ પર આજે ઠેક ઠેકાણે અણછાજતી ઉજવણીનો થઇ રહી છે ત્યારે વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ આજના દિવસને માતા અને પિતાનાં પૂજન કરીને ઉજવ્યો હતો. સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધીથી માતાપિતાની આરતી ઉતારી પૂજા-અર્ચના કરી હતી. સાથે જ ગાયોને 400 કીલો લાડુ અને શ્ર્વાનોને 1000 રોટલી ખવડાવી વિદ્યાર્થીઓએ પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.
સ્કૂલનાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ કહ્યું કે આજે સમગ્ર વિશ્ર્વ પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરી વેલેન્ટાઈન ડે ઉજવવામાં મશગુલ છે. વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. મા-બાપ અને સંતાનો વચ્ચેની આત્મીયતા ઘટી રહી છે ત્યારે વિરાણી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના માતા-પિતા અને ગુરુજનો માટે સન્માન વધે, ભાવી પેઢીમા માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી વેલેન્ટાઈન ડેના રોજ વિરાણી હાઇસ્કૂલના પ્રાર્થના ખંડમા માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જય માતાજી અબોલજી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ક્રિએટીવના નરેશભાઇ પટેલના સહયોગથી બાળકો ગાયોને 400 કિલો લાડવા ખવડાવવાનું અને કૂતરાઓને 1000 રોટલી ખવડાવવાનું ભગીરથ કાર્ય કરી પુણ્યના ભાગીદાર બન્યા હતા. આ પ્રસગે વિદ્યાર્થીઓએ હુ મારા માતા/પિતાને ચાહું છું કારણ કેે વિષય પર પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા.
હરેન્દ્રસિંહ ડોડીયએ વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓ વેલેન્ટાઈન ડે જેવા પશ્ર્ચિમી દેશોનું આંધળુ અનુકરણ ન કરે તે માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતાને આમંત્રણ આપી તેમના સંતાનો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથેમાતા-પિતા અને ગુરુજનોનું પૂજન કરવામા આવ્યુ. વિદ્યાર્થીઓએ માતા-પિતાની આરતી ઉતારી, પૂજા અર્ચના કરી, તેમના પ્રદીક્ષણા ફરી અને આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પણ માતા-પિતા તરીકે પૂજન કર્યુ હતુ. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ઐતિહાસિક અને ધાર્મિક ઉદાહરણો દ્વારા આ કાર્યક્રમ પરિપૂર્ણ કરવામા આવ્યો. ઉપરાંત વાલીઓ દ્વારા પણ લાગણી સભર શાળા-પરિવારનો આભાર વ્યક્ત કરી શાળાની આ પ્રવૃતિને બીરદાવવામા આવી હતી. બાળકોએ પોતાના માતા-પિતા સાથે પોતાના વિસ્તારની તથા ગૌશાળાના ગાયોને લાડુ તથા રસ્તે રઝળતા કુતરાઓને રોટલી ખવડાવી આ દિવસની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણગણે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધીકારી ઉપાધ્યાય, અબોલજીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના દોલતસિંહ ચૌહાણ, સી.જે. ગ્રુપના પ્રમુખ ચીરાગભાઇ ધામેચા, સુપરવાઈઝર એસ. એલ. કાસુન્દ્રા તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સંચાલન હીરપરાસરે કર્યુ હતુ.