કુંભ શાહી સ્નાન : એરલાઈન્સ કં.ઓ દ્વારા લૂંટફાટ

 યાત્રાળુઓનો અવિરત પ્રવાહ, ટ્રેનો પણ હાઉસ ફુલ, 300થી 400નું વેઈટીંગ લિસ્ટ
રાજકોટ : કુંભમેળામાં શ્રદ્ધાળુઓના ધસારાથી ટ્રેનો ફૂલ થતા જ હવાઇ મુસાફરીના ભાડામાં પણ વધારો ઝિંકાતા શાહી સ્નાન મોંઘું બન્યું છે.અલ્લાહાબાદથી અમદાવાદની ફ્લાઈટનું ભાડું લગભગ ત્રણ ગણું વધી 21 હજારે પહોંચ્યું છે. લખનઉ અને વારાણસીની ફ્લાઈટ્સના રિટર્ન ભાડામાં પણ વધારો થયો છે.
કુંભસ્નાન માટે આ વખતે એનઆરઆઈની સંખ્યા પણ વધી છે. કુંભમેળામાં ગંગા સ્નાનનો લાભ લેવા મોટી સંખ્યામાં ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે.
19 ફેબ્રુઆરીએ મહા મહિનાની પૂનમે પાંચમા અને 4 માર્ચે મહાશિવરાત્રિએ છટ્ઠા શાહીસ્નાન પહેલાં અમદાવાદથી અલ્લાહાબાદ, લખનઉ અને વારાણસી જતી તમામ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ 300થી 400 સુધી પહોંચી ગયું છે.પ્રયાગરાજ માટે અમદાવાદથી અલ્લાહાબાદ ઉપરાંત લખનઉ અને વારાણસી જવા ફ્લાઈટ મળે છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી આ શહેરોનું ભાડું 3500થી 4000 રૂપિયા હોય છે. પરંતુ પાંચમા અને છઠ્ઠા શાહીસ્નાન પહેલા આ શહેરોમાં જતી ફ્લાઈટનું ત્રણ ગણું વધીને 10000 થી 11000 રૂપિયા સુધી પહોંચવા પામ્યું છે. રાજકોટ-મુંબઇમાં ઉઘાડી લૂંટ
રાજકોટ-મુંબઇ વચ્ચે વિમાનીભાડામા પણ ઉઘાડી લૂંટ શરુ થઇ છે. મુંબઇ એરપોર્ટ ઉપર ચાલી રહેલ રિનોવેશનના કારણે રાજકોટ-મુંબઇ વચ્ચે ચાલતી 4 પૈકી રોજ એક કે બે ફ્લાઈટ રદ થઇ રહી છે. આટલું ઓછુ હોય તેમ લગ્નગાળાની સીઝન અને કુંભમેળાનો ટ્રાફિક વધારે હોવાથી એરલાઈન્સો મનફાવે તેવા ભાડા ઉઘરાવી રહી છે. રાજકોટ-મુંબઇ વચ્ચે રિટર્ન ફ્લાઈટ ભાડુ રૂા.15 થી 20 હજાર ઉઘરાવાય છે.