મધ્યપ્રદેશ વાઘ પાછો માગશે અને ગુજરાતને લાગશે માઠું!

 ગુજરાતમાં વાઘ વસાવવાના સરકારના મનસૂબા ફળશે?
અમદાવાદ તા.14
ત્રણ દાયકા બાદ ગુજરાતમાં વાઘની ઘરવાપસી થઇ છે. મહિસાગરના જંગલોમાં વાઘે દેખા દીધી છે જેના પગલે ગુજરાતમાં વાઘ વસાવવાની ભાજપ સરકારની ઇચ્છા પૂર્ણ થાય તે પહેલાં જ એક નવા વિવાદે જન્મ લીધો છે. મધ્યપ્રદેશની એક ટીમ આ વાઘની પ્રત્યક્ષ ખરાઇ કરવા ગુજરાત આવી રહી છે. ખુદ ગુજરાત સરકાર પણ એ વાતનો સ્વિકાર કરી ચૂકી છેકે,આ વાઘ મધ્યપ્રદેશથી આવ્યો છે.હવે જો આ એજ વાઘ હોય તો મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સરકાર પાસેથી વાઘને પરત કરવાની માંગ કરી શકે છે તે જોતાં બન્ને રાજ્ય સરકાર વચ્ચે વિખવાદ જન્મે તેવી સંભાવના છે.
મહિસાગરના જંગલોમાં નાઇટવિઝન કેમેરામાં વાઘ દેખાયો છે. હજુય વાઘ પ્રત્યક્ષ રીતે જોઇ શકાયો નથી. 22 ટીમો હજુય જંગલો ખૂંદી રહી છે અને વાઘની શોધખોળ ચાલી રહી છે. દરમિયાન, એવો ખુલાસો થયો છેકે, આ જ વાઘ દોઢેક વર્ષ પહેલાં મધ્યપ્રદેશના જાબુઆમાં જોવા મળ્યો હતો. સમય જતા સ્થળાંતર કરી આ વાઘ મધ્યપ્રદેશની સરહદ ઓળંગી ગુજરાતમાં પ્રવેશ્યો છે.
સૂત્રોના મતે,મધ્યપ્રદેશ વન વિભાગની એક ટીમ બે-ત્રણ દિવસમાં ગુજરાત આવી રહી છે.આ ટીમ વાઘની પ્રત્યક્ષ ખરાઇ કરશે કે તે મધ્યપ્રદેશથી જ આવ્યો છેકે કેમ. મધ્યપ્રદેશ સરકાર ખરાઇના અંતે જો એજ વાઘ હશે તો પરત કરવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી શકે છે. આ જોતાં સરકારની ગુજરાતમાં વાઘ વસાવવાની ઇચ્છા અધૂરી રહી શકે છે. મધ્યપ્રદેશ ગીરના સિંહોનો વસવાટ કરાવવા ઇચ્છુક છે તો હવે ગુજરાત સરકાર વાઘનો વસવાટ કરવા બેતાબ બની છે પણ હવે મામલો ગંભીર બની શકે છે. સિંહ-વાઘની આપ-લેના મુદ્દે આમને સામને આ બંન્ને રાજ્યો વચ્ચે વિખવાદ જામે તેવા એંધાણ છે.