મોદીની હાજરીમાં ત્રિપુરાના મંત્રીનો મહિલા મંત્રીને અણછાજતો સ્પર્શ

 સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ; પદ પરથી દૂર કરવા ડાબેરી મોરચાની માંગ
અગતરાય તા.14
ત્રિપુરાના એક મંત્રી સાર્વજનિક મંચ પર પોતાની એક મહિલા મંત્રીને ખોટી રીતે અડતા જોવા મળ્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી બિપ્લવ દેવ પણ મંચ પર ઉપસ્થિત હતા. આ ઘટનાનો ખૂબ જ વિરોધ થતા વિપક્ષી લેફ્ટ પાર્ટીઓએ મંત્રીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપના નેતા અને ત્રિપુરાની બિપ્લવ દેવ સરકારમાં મંત્રી મનોજ કાંતિ દેવ મંચ પર ઉપસ્થિત સોશિયલ વેલફેર અને શિક્ષણ મંત્રી સંતના ચકમાનીની કમર પર ખોટી રીતે હાથ મૂકતા દેખાઇ રહ્યાં છે. મનોજ કાંતિ દેવને હટાવવાની માંગ કરવા લેફ્ટ મોર્ચાના સંયોજક બિજન ધરે સોમવારે કહ્યું કે જે મંચ પર પીએમ મોદી, મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવ અને અન્ય લોકો જનસભાને સંબોધિત કરી રહ્યા હતા તે જ મંચ પર એક મંત્રીનું એક મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શવું શરમજનક છે.
તેઓએ માંગ કરી કે મનોજ કાંતિ દેવને મંત્રી પદેથી હટાવી તેમની ધરપકડ કરવી જોઈએ. ધરે કહ્યું કે સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દેવે ચકમાની કમર પર હાથ મૂક્યો હતો. 11 મહિના પહેલાં ત્રિપુરામાં ભાજપના સત્તામાં આવ્યા બાદ અહીં આધેડ મહિલાઓની સાથે દુષ્કર્મ થઇ રહ્યા છે. યુવાઓની હત્યા થઇ રહી છે. જાહેર મંચ પર આવી ઘટના ખૂબ જ નિંદનીય છે. કેટલાંક આદિવાસી દળ પણ મંત્રીના રાજીનામાંની માંગણીને લઇ આંદોલન કરવાની કોશિષ કરી રહ્યાં છે.