3 મહિના પહેલા લગ્ન કરનાર હિરાઘસુ યુવાનનો આપઘાત

 સિહોર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટુંકાવ્યું
ભાવનગર તા.14
ત્રણ માસ પહેલા જ લગ્ન કરનાર ભાવનગરનાં ટાણાગામનાં યુવાને ટ્રેન તળે ઝંપલાવી આત્મહત્યા વહોરી લેતાં પરિવારમાં શોક છવાયો છે.
મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં ટાણા ગામે રહેતો અને હિરાઘસવાનું કામ કરતો મુસ્લિમ યુવાન અસલમ ઉસ્માનભાઇ બેલીમએ હિરાનાં કારખાને ભાવનગર જાવ છું તેમ કહીને ટાણાથી તેના ઘરેથી નીકળી ગયા બાદ સિહોર રેલ્વે સ્ટેશન નજીક સુરેન્દ્રનગર ભાવનગર ટ્રેનની નીચે ઝંપલાવી આત્મહત્યા વહોરી લીધી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતક હિરાઘસુ યુવાનનાં ત્રણ માસ પહેલા જ લગ્ન થયા હતા અને ચાર બહેનો વચ્ચે એક જ ભાઇ હતો આ બનાવથી તેનાં પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે.