ગોંડલમા છેડતી પ્રશ્ર્ને દેવીપૂજક પરિવારો બાખડ્યા : 6 ઘવાયા

 ધોકા-પાઈપ, તલવાર વડે સામ-સામે
હુમલો, ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
રાજકોટ તા,14
ગોંડલમા વોરા કોટડા રોડ પર રહેતા બે દેવીપુજક પરીવારો વચ્ચે છેડતી પ્રશ્ર્ને બઘડાટી બોલતા ધોકા-પાઈપ તલવાર જેવા હથીયારોથી સામસામે હુમલો થતા બંને પક્ષોના છ લોકો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં પરાપીરની ધાર પાસે વોરા કોટડા રોડ પર રહેતા રમેશ બચુભાઇ ડાભી (ઉ.વ.35) તેનો સાળો વિનોદ જસા સોલકી (ઉ.વ.25) અને સંદીપ જસા સોલંકી (ઉ.વ.19) ગત સાંજે ઘર પાસે હતા ત્યારે ભરત, દિદરો સહિતના શખ્સોએ ધોકા-પાઈપ, તલવાર વડે હુમલો કર્યાની રાવ સાથે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયા છે. રમેશભાઇના જણાવ્યા મુજબ તેના સાઢુભાઇનો પુત્ર પારસ ઘર નજીક ભાગ લેવા ગયો હતો ત્યારે ભરતના પુત્રએ આવી પારસને રમેશભાઇની પુત્રી સાથે સેટીંગ કરી આપવાનું કહેતા ડખ્ખો થતા તેઓ પરીવાર સાથે છેડતી બાબતે સમજાવવા જતા હુમલો કર્યાનુ જણાવ્યું હતુ.
જયારે સામાપક્ષે વોરા કોટડા રોડ પર રહેતા ભાવસીંગ બટુક દેવીપુજક (ઉ.વ.40), અરુણ ભરતભાઇ (ઉ.વ.20) અને દીધીબેન બટુકભાઇ (ઉ.વ. 70) પણ વિનોદ, સંદીપ, વસો, રાજુ, લલીતે લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા.
આ અંગે સિવિલ ચોકીના દેવરાજભાઇ સહિતના સ્ટાફે પ્રાથમિક એન્ટ્રી નોંધી ગોંડલ પોલીસને જાણ કરી છે.