માતૃભાષાને ટકાવવા મેળાવડાની નહીં, સંકલ્પોની જરૂરત

મારો રુઆબ - મારું ગૌરવ ગુજરાતી એવો આત્મસંતોષ કદાચ થોડાઘણાં ગુજરાતીઓએ જ લીધો હોય. હાલમાં જે ગુજરાતીઓ પોતાની ત્રીસી કે ચાલીસીમાં છે તેઓ તો પાછા ક્યાંયના નથી રહ્યા. નથી તેમને અંગ્રેજી બરાબર આવડતું કે નથી ગુજરાતી. શાળાની બહાર કોઇ ગુજરાતી મહિલા પોતાના છ વર્ષના બાળકને રિસેશમાં ખવડાવતી હોય બાળકને એવું કહેતી સંભળાશે બેટા ચ્યૂ કરીને ખા, હવે બાળક આમાં શું સમજશે? આવા તો અનેક દાખલાઓ મળી રહેશે. ઈતરની ભાષાને પોતાની માતૃભાષા કરતાં વધુ માન આપવું, અંગ્રેજી આવડતું હોય એ સાચો, સારો અને હોશિયાર જ હોય એવી આપણી માનસિકતા છે. અંગ્રેજી ભાષાનું ચલણ જેટલું ભારતમાં છે તેટલું વિશ્ર્વમાં ક્યાંય નથી. અંગ્રેજી ભાષા સામે કોઈ જ વાંધો ન હોય. અંગ્રેજી સો ટકા જરૂરી છે, પરંતુ માતૃભાષાના ભોગે તો નહીં જ. જે પેઢી પોતાના સંતાનોને માતૃભાષામાં શિક્ષણ કે માતૃભાષાનું શિક્ષણ નથી આપતી તે પેઢી પોતાની આવનારી પેઢીને નબળી પાડી રહી છે. માતૃભાષાથી વિમુખ થયેલી પેઢી મા કે માતૃભૂમિનું સન્માન પણ જાળવી શકે તેમ નથી. મા, માતૃભૂમિ અને માતૃભાષાનું મૂલ્ય એકસમાન છે અને ત્રણેય માટે દિલમાં એક પ્રકારની ખુમારી હોવી જરૂરી છે. એક સર્વેમાં જણાવાયું હતું કે બાળક 12 વર્ષની વય સુધી એક સાથે 12 ભાષા શીખી શકતો હોય છે. આ બાર ભાષામાં શું આપણે આપણી માતૃભાષાનો સમાવેશ ન કરી શકીએ. આજે વિશ્ર્વ માતૃભાષા દિવસ છે અને આપણે આપણી માતૃભાષાની વાત કરવાની છે, આપણી માતૃભાષાના જતનની વાત કરવાની છે. આને માટે કોઈ મોટાં આંદોલનો, સંઘર્ષ કે મેળાવડા કરવાની જરૂર નથી. કેમ કે ભાષાના પ્રચાર માટે થતાં મોટા ભાગના કાર્યક્રમોમાં એકબીજાની પીઠ થાબડવા સિવાય કંઈ જ થતું નથી.બીજું, ભાષાની જ્યોત પ્રજ્વલિત છે, માત્ર આ જ્યોતની આસપાસ મેશના કુંડાળાં બાજી ગયાં છે તે દૂર કરવાની જરૂર છે. ભાષા તો પોતે જ મહાન છે, ભાષાને આપણી નહીં, આપણને ભાષાની જરૂર છે. જો આપણી માતૃભાષા નહીં હોય તો આપણી સંસ્કૃતિ નહીં હોય આથી આજે કંઈક નક્કર કરવાની જરૂર છે. એક શપથ લેવાની જરૂર છે કે હું મારી સામે વાળી વ્યક્તિ ગુજરાતી હશે તો ગુજરાતીમાં જ વાત કરીશ. મારા સંતાનો સાથે પણ સતત ગુજરાતી જ બોલીશ, મારા ઘરે એક ગુજરાતી અખબાર, એક સામયિક તો આવશે. મોબાઈલ, ઈન્ટરનેટના જમાનામાં પણ મહિને કે અઠવાડિયે એકથી બે કલાક મારી ભાષાનાં પુસ્તકોના વાચન માટે ફાળવીશ. હિન્દી ફિલ્મોની સાથે સાથે ગુજરાતી નાટકો પણ જોઈશ અને સંતાનોને પણ જોવા લઈ જઈશ. મારી માતૃભાષાને ઉતારી પાડતી કોઈ પણ વાત હું સહન ન કરું, બસ આટલી શપથ જો આપણે લઈએ અને આ શપથ પર કાયમ રહીએ તો એક વાત નિશ્ર્ચિત છે કે પૃથ્વી પર લુપ્ત થનારી સૌથી અંતિમ ભાષા ગુજરાતી હશે.